અસહયોગ આંદોલન

ભારતમાં બ્રિટીશ શાસનનો અહિંસક વિરોધ
(અસહકારની ચળવળ થી અહીં વાળેલું)

અસહયોગ આંદોલન અથવા અસહકારની ચળવળ એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ આંદોલન ૧૯૨૦ થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલ્યું. આ આંદોલનને ભારતીય મહાસભાએ ટેકો આપ્યો હતો. આ ચળવળનો ઉદ્દેશ્ય અહિંસક પદ્ધતિથી ભારતમાં બ્રિટીશ રાજનો વિરોધ કરવાનો હતો જે અંતર્ગત બ્રિટિશ માલનો બહિષ્કાર, સ્થાનીય હસ્તકળાને અપનાવવી, દારૂની દુકાન સામે પીકેટિંગ અને ભારતીય સ્વમાન જાળવવાનો ઉદ્દેશ્ય હતો. ગાંધીવાદનું અહિંસાનું સૂત્ર અને ભારતની સ્વતંત્રના ટેકામાં હજારો–લાખો લોકોની મેદની દ્વારા પ્રદર્શનોમાં ભાગ લેવાની ઘટનાઓ આ ચળવળ દરમ્યાન સામે આવી.

વસાહતવાદી શોષણ, રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગ હત્યાકાંડ, ભારતીય મિલ્કતોનું બ્રિટનમાં સ્થળાંતર થતાં પ્રજાની આર્થિક હાડમારી, બ્રિટિશ માલની ઉપલબ્ધતાને કારણે હસ્ત શિલ્પ કારીગરોની બેકારી, પ્રથમ વિશ્વ વિગ્રહમાં થયેલા કોઈ પણ કારણ વગર બ્રિટિશ સેના હેઠળ લડતા ભારતીય સૈનિકોના મૃત્યુને કારણે ફેલાયેલો અસંતોષ આ ચળવળના મુખ્ય કારણો હતાં.

પરીણામે શરૂઆતના નેતાઓ જેવાકે મહમદ અલી ઝીણા, એની બેસન્ટ અને લોકમાન્ય ટિળક જેવા નેતાઓએ હોમરુલ ચળવળની શરૂઆત કરી. જેની સાથે માત્ર અરજીઓ અને સભાઓ ભરાઈ. આને કારણે કોઈ ઉહાપોહ, અસ્તવ્યસ્તતા કે સરકારી સેવાઓને આપત્તિ ન આવી તેથી બ્રિટિશરાજે એ તેમને ગંભીરતાપૂર્વક લીધી નહિ. અસહકારની ચળવળનો ઉદ્દેશ્ય સરકારી અર્થિક માળખા અને તંત્રને આહ્‌વાન આપવાનો હતો. જેથી બ્રિટિશ સરકારે લોકોની માંગણીઓ તરફ ધ્યાન આપવું જ પડે.

ચંપારણ, ખેડા, ખિલાફત અને અમૃતસર ફેરફાર કરો

સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સરકારી કાયદાને અસમર્થન એ અસહકારની ચળવળનો આધાર છે. ગાંધીજીએ આવી ચળવળ આ પહેલાં દક્ષિણ આફ્રિકામાં કરી હતી. ૧૯૧૭-૧૮ દરમ્યાન આવા સત્યાગ્રહો બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં પણ કર્યાં હતાં.

ચંપારણ અને ખેડામાં ગરીબ ખેડૂતો અસ્વચ્છતા, ઘરેલુ હિંસાચાર, ભેદભાવ, અસ્પૃષ્યતા અને દમનથી પીડિત હતાં. આટલું ઓછું હોય તેમ તેમના પર ધાન્ય પાકોથી વિપરીત ગળી, તમાકુ અને કપાસ જેવા પાક ઉગાડવા જબરદસ્તી કરાતી. આ બદલ તેમને કોઈ પણ નુકશાન ભરપાઈ ન કરી અપાતી. આ સાથે ભૂખમરા છતાં તેમને કર વેરા ભરવા પડતાં.

આ ચળવળના અંતે સરકારે ભૂખમરાથી પીડિત ક્ષેત્રોમાં કરમાફી આપી, ખેડૂતોને પોતાના મનગમતા પાક ઉગાડવાની છૂટ આપી, રાજનૈતિક કેદીઓને મુક્ત કરાયા અને ખેડૂતોની જપ્ત કરેલી જમીન તેમને પાછી અપાઈ. અમેરીકન ક્રાંતિ બાદ બ્રિટિશ રાજ સમક્ષ કોઈની પણ આ પહેલી મોટી જીત હતી. બીજી પેઢીના નેતા જેમ કે રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ એ આ લડતમાં ગાંધીજીને સહયોગ કર્યો. ખેડામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું.

આ આંદોલન હેઠળ નિશસ્ત્ર નાગરિકોની એક સભા જલિયાંવાલા બાગ, અમૃતસરમાં યોજવામાં આવી હતી. તે સભાપર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. આ બાગમાંથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો હતો તેને પણ જરનલે બંધ કરી દીધો હતો. આ માનવસંહારમાં ૩૭૦ લોકો મૃત્યુ પામ્યાં અને ૧૦૦૦ જેટલા લોકોને ઈજા થઈ. આના વિરોધમાં સમગ્ર પંજાબમાં અફરાતફરી મચી, પ્રદર્શનો થયા અને પોલીસના હાથે વધુ લોકો મરાયા. જલિયાંવાલા બાગ બ્રિટિશ રાજની સૌથી નામોશી ભરી ઘટના બની રહી.

સત્યાગ્રહ ફેરફાર કરો

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની હાકલ કરી હતી. તેના પ્રદર્શનમાં બધા કાર્યાલયો અને કારખાનાઓ બંધ રહ્યાં હતાં. બ્રિટિશરાજની સરકારી શાળઓ, પોલીસસેવાઓ, સેના અને અન્ય નાગરીક સેવાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. વકીલોને અદાલતમાંથી રાજીનામા આપવાનું કહેવામાં આવ્યું. સરકારી વાહન વ્યવહાર સેવાઓ, બ્રિટિશ માલસામાન ખાસ કરીને કપડાંનો બહિષ્કાર કરવામાં આવ્યો.

લોકમાન્ય ટિળક, બિપિન ચંદ્ર પાલ, મહમદ અલી ઝીણા, એની બેસન્ટ વગેરેએ આનો વિરોધ કર્યો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે પણ આ વિચારનો વિરોધ કર્યો. પરંતુ નવી પેઢીને ગાંધીજીનો આ વિચાર ગમી ગયો અને તેમણે ઘણા ઉત્સાહથી ગાંધીજીને ટેકો આપ્યો. આગળ જતાં કોંગ્રેસ પાર્ટીએ ગાંધીજીની યોજના અપનાવી અને આગળ જતાં મુસ્લીમ નેતાઓ જેમકે મૌલાના આઝાદ, મુખ્તાર અહેમદ અંસારી, હકીમ અજમલ ખાન, અબ્બાસ તૈયબ્બી મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકત અલી જેવા નેતાઓએ પણ આ ચળવળને ટેકો આપ્યો. ૧૯૧૯ અને ૧૯૨૦માં ગાંધીજી રાષ્ટ્રીય મહાસભા અને અખિલ ભારતીય હોમરુલ લીગના પ્રમુખ બન્યાં. જોકે હોમરુલ લીગમાં ગાંધીજીના વિરોધીઓ જેમકે જીણા, ટિળક અને બેસંટ જેવા લોકો હતાં.

સફળતા અને દબાવવાના પ્રયાસો ફેરફાર કરો

આ આંદોલનને મળેલો કરોડો ભારતીય લોકોનો અભૂતપૂર્વ ટેકો એ બ્રિટિશરાજ માટે એક ધક્કો હતો. ૫ ફેબ્રુઆરી ૧૯૨૨ના દિવસે ચૌરીચોરા ગામમાં પ્રદર્શનકર્તા પર પોલીસે ગોળી બાર કર્યો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યાં. આનાથી ક્રોધે ભરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ ચાંપી. જેમાં ૨૨ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા.

ગાંધીજીને લાગ્યું કે આ ચળવળ તેમની વિચારધારાથી વિપરીત જઈને હિંસક સ્વરૂપ લે છે. તેઓ આ ચળવળ હિંસક બનાવવા માંગતા ન હતાં. કેમકે તેમાં નિર્દોષ નાગરિકોના જીવને જોખમ હતો. ગાંધીજીએ લોકોને આ આંદોલન બંધ કરવા વિનંતિ કરી, તેમણે ત્રણ અઠવાડીયાના ઉપવાસ કર્યાં અને અસહકરની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી.

આંદોલન પછી ફેરફાર કરો

ચૌરી ચૌરા કાંડને કારણે અસહકારની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી. આ ચળવળને પાછી ખેંચી લેવા છતાં પણ ૧૦મી માર્ચ ૧૯૨૨ ના દિવસે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ૧૮ માર્ચ ૧૯૨૨ના દિવસે તેમને સ્ફોટક સાહિત્ય છાપવાના ગુના હેઠળ છ વર્ષની કેદ ફરમાવવામાં આવી.

મોટા ભાગના નેતાઓ ગાંધીજી સાથે રહ્યાં પણ કેટલાક અલગ થયાં. અલી ભાઈઓ ગાંધીજીના પ્રખર ટીકાકારો બન્યાં. મોતીલાલ નહેરુ અને ચિતરંજન દાસએ ગાંધીજીની નેતાગીરી ન સ્વીકારતા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી. ઘણાં રાષ્ટ્રવાદી લોકોને લાગ્યું કે હિંસાની એકલદોકલ ઘટનાને કારણે અસહકરની ચળવળ વધુ ચાલવી જોઈએ.

આધુનિક ઇતિહાસકારો અને ટીકાકારો માને છે કે આ ચળવળ ભલે પાછી ખેંચાઈ પણ તે બ્રિટિશ સરકારની કમર તોડવામાં સફળ થઈ હતી અને તેને કારણે ભારતની સ્વતંત્રતા મેળવવામાં સહાય મળી હતી.

પણ ઘણાં ઇતિહાસકારો અને ભારતીય નેતાઓ ગાંધીજીના નિર્ણયને ટેકો આપે છે. તેઓ માને છે કે જો ગાંધીજીએ ચળવળ પાછી ન ખેંચી હોત તો અરાજકતા ફેલાઈ હોત અને આંદોલનકર્તાઓ એકલા પડી ગયાં હોત. આના જેવી જ એક ચળવળ ૧૯૩૦માં શરૂ થઈ હતી. સવિનય કાનૂનભંગની ચળવળના મુદ્દા સાથે તેમાં કાનૂન ભંગનો મુદ્દો પણ ઉમેરાયો હતો.

વળતર ફેરફાર કરો

ગાંધીજીના અહિંસકતા નીતિએ વળતર આપ્યું જ્યારે ૧૯૩૦ અને ૧૯૩૪ વચ્ચે ભારતના વિવિધ ભાગોમાં પૂર્ણ સ્વરાજ્યનું આંદોલન થયું અને મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો. આ આંદોલનોના પરિણામે અહિંસક ચળવળના સ્વરૂપ સાથે ભારતે વિશ્વની ઓળખ કરાવી. આ સત્યાગ્રહને જાજરમાન સફળતા મળી. ભારતીયોની માંગણીઓ સ્વીકારાઈ અને ભારતીય જનતાના ખરા પ્રતિનિધિ તરીકે કોંગ્રસ ઉભરી આવી. ૧૯૩૫માં આવેલા ભારત સરકાર કાયદાને લીધે ભારતના લોકોને પોતે લોકશાહી ઢબે સરકાર ચૂંટવાનો અનુભવ થયો.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો