સિદ્ધગિરિ ગ્રામજીવન સંગ્રહાલય

સિદ્ધગિરિ ગ્રામજીવન મીણ સંગ્રહાલય (કણેરી મઠ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનાં કોલ્હાપૂર પાસે આવેલા ગામ કણેરીમાં બનેલું એક અલાયદું મીણનાં પૂતળાઓનું સંગ્રહાલય છે, જે કદાચ ભારતભરમાં અદ્વિતિય છે. સામાન્ય જનતામાં સિદ્ધગિરિ ગ્રામજીવન સંગ્રહાલય (મ્યુઝિયમ) તરિકે પ્રખ્યાત છે. આ સંગ્રહાલય ભારતમાં તેના પ્રકારનું એક માત્ર સંગ્રહાલય છે જે શ્રી ક્ષેત્ર સિદ્ધગિરિ મઠ ખાતે બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અને ભારતભરમાં અનેક લોકો કણેરી મઠ વિષે જાણે છે, પરંતુ બહુજ ઓછા લોકોને આ સંગ્રહાલય વિષે જાણ છે.

કણેરી મઠ ફેરફાર કરો

કણેરી મઠ તે એક ધાર્મિક મઠ છે જેના કેન્દ્ર સ્થાને આવેલું છે શિવ મંદિર[૧]. લોકવાયકા પ્રમાણે આ શિવલિંગની સ્થાપના ૧૪મી સદીમાં લિંગાયત પુજારીએ એક રમણીય ટેકરી પર કરી હતી. મંદિર ખુબજ સુંદર છે અને અહ્લાદક શાંતિનો અનુભવ કરાવનારૂ છે, આ ઉપરાંત મંદિરમાં વિશાળકાય નંદીની સ્થાપન થયેલી છે. આશરે ૫૦૦ વર્ષ પહેલા, કડસિદ્ધેશ્વર મહારાજ નામના લિંગાયત બ્રાહ્મણે આ સ્થળનો જિર્ણોદ્ધાર કર્યો હતો, અને ત્યારથી આજ સુધી તેમના નામને આ સ્થાનક સાથે જોડવામાં આવ્યું છે. મહાદેવનાં મંદિર ઉપરાંત અહિં આવેલો ૧૨૫ ફુટ ઉંડો કુવો અને ૪૨ ફુટની વિશાળકાય શિવ પ્રતિમા મઠનાં અન્ય આકર્ષણો છે.

સ્થળ ફેરફાર કરો

સિદ્ધગિરિ સંગ્રહાલય સુધી કેવી રીતે પહોંચવુ? કોલ્હાપૂરથી કોલ્હાપૂર-બેંગલોર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૪ (નેશનલ હાઇ-વે ૪) પર મુસાફરી કરતા, લગભગ ૧૨ કિમીનાં અંતરે ગોકુળ-શિરગાંવ ચોકડીથી જમણી તરફ, કણેરી ગામ જવાના માર્ગ પર વળો. આશરે ૪-૫ કિમી જતા સિદ્ધગિરિ સંગ્રહાલય પહોંચી જવાશે.

વિષયવસ્તુ ફેરફાર કરો

આ સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામ જીવનનાં ભિન્ન ભિન્ન પાસાઓથી જનતાને ઉજાગર કરવી. આ ભગિરથ કાર્ય ખરેખરતો ગાંધીજીનું સ્વપ્ન હતું, જેને સિદ્ધેશ્વર ટ્રસ્ટના અથાગ પ્રયત્નોએ સાકાર કર્યું છે. મહારાષ્ટ્ર પર મુઘલોએ જમાવેલા આધિપત્ય પૂર્વેનાં સક્ષમ ગામના રોજીંદા જીવનને અહિં મીણના શિલ્પો બનાવીને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. દરેક શિલ્પ એક જીવંત કથાવસ્તુ પર આધારિત છે અને બહુપારિમાણિક જીવન પ્રણાલીનાં દર્શન કરાવે છે અને સાથે સાથે જોનારનાં માનસ ઉપર એક ઉંડી અસર છોડી જાય છે. તે સમયની પરંપરામાં મહારાષ્ટ્રમાં કુલ ૧૨ આલુતેદારો (ALUTEDARS) હતાં (૧૨ એવા મુખ્ય વ્યવસાયો આધારિત જાતિ સમુહો અથવા જ્ઞાતિઓ-જેમકે બ્રાહ્મણ, વણિક, ખેડુત, વિગેરે) અને ૧૮ બાલુતેદારો (BALUTEDARS), એવી જ્ઞાતિઓ કે જે ગ્રામજનોને રોજ-બરોજના કામ કાજ માટેના સાધનો પુરા પાડતા હતાં (જેમકે કુંભાર, લુહાર, સુથાર, વિગેરે)[૨].

સંગ્રહાલય ૭ એકરનાં વિસ્તારમાં પથરાયેલું છે અને લગભગ ૮૦ ઝાંખીઓ ધરાવે છે, જેમાં ૩૦૦થી પણ વધુ શિલ્પો આવેલા છે. આસપાસનો વિસ્તાર ખુબજ નયનરમ્ય છે અને હરિયાળીથી ભરેલો છે. ગ્રામજીવનનાં દરેક પાસાને આ સંગ્રહાલયમાં વણી લેવામાં આવ્યું છે. સંગ્રહાલયને જોતાં જ લાગે કે તે આખેઆખા ગામને પૂનર્જીવિત કરવાના પ્રયત્નનું, એક વાસ્તવિકતા, સુંદર કલ્પના અને અથાગ પરિશ્રમના સુમેળ મિશ્રણનું પરિણામ છે.

કેટલીક ઝાંખીઓ ફેરફાર કરો

  • ગામના બ્રાહ્મણનું ઘર: પ્રથમ ઝાંખી પ્રખંડ અભ્યાસી એવા ગામના બ્રાહ્મણના ઘરની છે. તે પોતાની ફરજો, કર્મ કાંડ અને લગ્ન, જનોઇ, વિવાહ વિગેરે જેવી વિધિઓ સંપન્ન કરે છે, આ ઉપરાંત ગૃહ પ્રવેશ, ખાત મૂહુર્ત, ભૂમિ પૂજન, વાવણી, કાન-નાક વિંધવા વિગેરે જેવી પવિત્ર ક્રિયાઓ માટેનાં શુભ મૂહુર્ત કાઢી આપે છે. તેની આજીવિકા તેને મળતી દક્ષિણા છે, અને તે શુભ મુહુર્તો શોધવા માટે પંચાંગનો ઉપયોગ કરતો દર્શાવવામાં આવ્યો છે.
  • કાર્યરત સોની
  • બળદને ખરી બેસાડવાનું દ્રશ્ય
  • વાળંદની દુકાન
  • ગામ કુવો: ગ્રામજનો કુવામાંથી પાણી ખેંચી રહ્યા છે.
  • કુટુંબના વડિલની સારવાર કરી રહેલા કુટુંબી જનો
  • કરિયાણાની દુકાન: એક સ્ત્રી તેના બાળક સાથે ગાંધીની દુકાને આવેલી છે, ગાંધી જુના ત્રાજવામાં કશુંક જોખી રહ્યો છે. દુકાનમાં ગોળ, ખાંડ, મરચુ, મીઠુ, ઘંઊ, ચોખા, વિગેરે ભરેલા છે અને બાળક તેની માતાને પોતાના માટે પતંગ ખરિદવા વિનવી રહ્યો છે.
  • ખેડુતનો વાડો અને ઘર
  • વૈદ્યનું ઘર
  • ગોદડી સીવી રહેલા દાદીમા
  • બળદ વડે પોતાનું ખેતર ખેડી રહેલો ખેડુત
  • ભરવાડનો છોકરો અને તેનું ઘેટુ
  • ભજન કરી રહેલા ગ્રામ જનો

સંદર્ભ ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.

બાહ્ય કડીઓ ફેરફાર કરો