આચાર્ય ભદ્રબાહુ
આચાર્ય ભદ્રબાહુ (અંગ્રેજી:Bhadrabahu; હિન્દી:भद्रबाहु) રાજા ચંદ્રગુપ્તના સમયકાળમાં મહાન જૈનાચાર્ય હતા. તેઓ અત્યંત ત્યાગી, તપસ્વી અને પરમાર્થપરાયણ હતા. એમના ધર્મજ્ઞાન અને પ્રકાંડ-પાંડિત્ય આગળ દેશભરના રાજાઓ તેમ જ વિદ્વાનો નતમસ્તક થતા તથા એમનો આદર કરતા. એમના પિતા સોમ શર્મા એક રાજ્યમાં રાજપુરોહિત હતા, આથી એમના ઘરમાં ધન-વૈભવની કોઈ કમી ન હતી[૧]. પરંતુ ભદ્રબાહુએ સાંસરિક સંપત્તિ કે સુખ પરત્વે ધ્યાન ન આપતાં યુવાવસ્થામાં જ ઘરનો ત્યાગ કરી તપસ્વી જીવન ગુજારવાનું શરુ કર્યું હતું. વનમાં જઈ એમણે કઠોર તપસ્યા કરી અને એમને જૈન મુનિઓના સંઘના આચાર્યપદે નિયુક્ત કરવામાં આવ્યા.
એમને દિગંબર અને શ્વેતાંબર બન્ને સંપ્રદાયો દ્વારા છેલ્લા શ્રુતકેવલી તરીકે માનવામાં આવે છે. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. મહાવીર નિર્વાણ પછી લગભગ ૧૫૦ વર્ષ બાદ એમનો જન્મ થયો હતો. એમણે ઉપસર્ગહર સ્તોત્ર તેમ જ કલ્પસૂત્ર સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી[૨].