ડાંગ દરબાર
ડાંગ દરબાર એક મેળો છે, જેનું આયોજન ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં હોળીના ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જુના ડાંગ દરબારોને શિરપાવ (પેન્શન) આપવામાં આવે છે. ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા ડાંગ દરબારમાં આદિવાસી લોકો પોતાના નૃત્ય અને સંગીત રજૂ કરી અને એક ઉત્સવના રૂપમાં તેને ઉજવવામાં આવતો હતો.[૧]
સમય
ફેરફાર કરોડાંગ દરબાર ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે.
સ્થળ
ફેરફાર કરોઆ મેળો ડાંગ જિલ્લાના આહવામાં આયોજિત કરવામાં આવે છે, જે ભારતના સાપુતારાના પહાડોમાં આવેલ છે.[૨]
ઇતિહાસ
ફેરફાર કરોડાંગ પ્રદેશમાં હોળી પર્વનું માહાત્મ્ય છે. ૧૯૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ રાજાઓ અને નાયકો સંભાળતા હતા, એ જ વર્ષમાં ડાંગ જિલ્લાના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને સોંપવામાં આવ્યા હતા. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક્ક તરીકે અને પછી વાર્ષિક વર્ષાસનના સ્વરૂપ આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો, તેમના મિત્રો, પોલીસ પટેલોને, દરબારીઓને ડાંગ દરબાર ભરીને આપવામાં આવતી હતી.[૨]
ડાંગ દરબારના દિવસે અહીના આદિવાસીઓ ગંગાનદીને કિનારે સર્પપૂજા કરવા જાય છે. એક દંતકથા પ્રમાણે રામાયણમાં વર્ણિત દંડકારણ્યનો વિસ્તાર એ આ વિસ્તાર છે.[૧]
મહત્વ
ફેરફાર કરોઆહવાની આજુબાજુના અનેક આદિવાસીઓ દરબારમાં એકઠા થતા અને પોતાની ફરિયાદોનો નિકાલ કરાવતા હતા, વર્તમાનમાં પણ આ પ્રક્રિયા ચાલુ છે પણ આજે ડાંગના આદિવાસી રાજા બેસે છે, પણ ફરિયાદોનું નિવારણ જિલ્લા કલેક્ટર કરે છે.[૨] આ મેળાનું આયોજન જિલ્લાના સત્તાવાળોઓ તરફથી થાય અને એમાં ડાંગના દરબારો હાજરી આપે છે એટલે તેને ડાંગ દરબાર તરીકે ઓળખાય છે.[૩]
આદિવાસી નૃત્યો આ ઉત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ છે.[૩] વિવિધ જૂથો પોતાની નૃત્યકળા, વાદ્યકળા અને સંગીતકળાને રજૂ કરે છે અને કહાલિયા અને તાડપુર જેવાં વાદ્યો વડે સંગીત રજૂ કરે છે. દરબારમાં દેશ-વિદેશના સહેલાણીઓ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિ માણવા આવે છે.[૨] ઉત્સવના અંતિમ દિવસે આદિવાસીઓ હોળીનો અગ્નિ શમાવે છે અને હાજર રહેલા સમુદાય ઉપર રંગીન પાણી છાંટી ધૂળેટીનો પ્રારંભ કરે છે.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૧૪.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૫૪-૫૫.CS1 maint: date format (link)
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૯-૯૦. ISBN 97-89-381265-97-0.