ડાંડિયો

નર્મદ દ્વારા સંપાદિત ગુજરાતી ભાષાનું પખવાડિક સામયિક

ડાંડિયો એ ગુજરાતી ભાષાનું સાહિત્યિક પખવાડિક સામયિક હતું જેની સ્થાપના નર્મદાશંકર લાભશંકર દવેએ કરી હતી. ૧ સપ્ટેબર ૧૮૬૪માં શરૂ થયેલું આ પખવાડિક ૧૮૬૯ની આખરમાં 'સન્ડે રિવ્યુ' સાથે ભેળવી દેવામાં આવ્યું હતું.[૧]:૩૭

ડાંડિયો
સંપાદકનર્મદાશંકર લાભશંકર દવે
આવૃત્તિપખવાડિક
સ્થાપકનર્મદાશંકર લાભશંકર દવે
પ્રથમ અંકSeptember 1, 1864 (1864-09-01)
છેલ્લો અંકDecember 1869 (1869-12)
દેશબ્રિટીશ ભારત
મુખ્ય કાર્યાલયસુરત
ભાષાગુજરાતી

ઈતિહાસ ફેરફાર કરો

ઇંગ્લેન્ડમાં ૧૮મી સદીમાં પ્રકાશિત 'ટેટલર' અને 'સ્પેક્ટેટર' જેવાં સમાજ સુધારક સામયિકોની તરાહ પર તત્કાલીન સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિજડતા જેવી બદીઓ અને સામાજિક દુષણોનો સામનો કરવા નર્મદ અને તેમના સાથી મિત્રોને જરૂરિયાત જણાઈ, જેના પરિણામે ૧ સપ્ટેબર ૧૮૬૪ના રોજ ડાંડિયો સામયિકનું પ્રકાશન શરૂ થયું.[૧]:૩૭-૩૮

'ડાંડિયો'ના પ્રકાશન સંબંધે નર્મદે લખ્યું હતું કે :[૧]:૩૭-૩૮

હમે એકઠા મળી એવો વિચાર કર્યો કે આપણે દર અઠવાડિયે મળવું ને વિષયો લખી લાવ્યા હોઈએ તે તપાસી નક્કી કરી પંદર દહાડે ચોપાનિયાના આકારમાં છાપી પ્રગટ કરવા. પખવાડિયે એટલા સારુ કે લખવું બની આવે ને ખરચ પણ ઓછો થાય. લોકોને ગદ્ય વાંચવાનો શૉખ બિલકુલ નહીં તેથી તેઓ અગરવગર ખુશામતે પૈસો ખરચી આપણું છાપુ લેવાના નહીં. ગાંઠથી ખરચ તો કરવો પડશે તો પણ 'સ્પેક્ટેટર' જેવું લખાણ કહાડવું તો ખરું જ.

— નર્મદ.

સામયિકનું નામ નર્મદના મિત્ર નગીનદાસ મારફતિયા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. "મ્હોટું નામ રાખી હલકું કામ કરવું, તેના કર્તાં હલકું નામ રાખી મોટું કામ કરવું વધારે સારું" — એ વિચારે નર્મદે આ નામકરણ મંજૂર રાખ્યું હતું.[૨]

પ્રકાશિત સામગ્રી ફેરફાર કરો

'દાંડિયો' ડેમી કદનાં ૮ થી ૧૨ પાનાઓમાં પ્રકટ થતું હતું. તેની વાચનસામગ્રીમાં પ્રથમ પાને પ્રાસંગિક વિષય પરનો લેખ છપાતો. આ ઉપરાંત સમાજ, ઇતિહાસ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ, શેરસટ્ટા, વ્યંગચિત્રો, સ્થાનિક વહીવટદારોના ભ્રષ્ટાચાર, સામાજીક બદીઓ સંદર્ભે નીતિબોધ, વિખ્યાત વ્યક્તિઓના સંક્ષિપ્ત જીવનચરિત્રો જેવા વૈવિધ્યસભર વિષયોને તેમાં આવરી લેવામાં આવતા હતા.[૧]:૩૮

નર્મદની જુસ્સાદાર વેધક ગદ્યશૈલી અને 'ડાંડિયો'માં પ્રકાશિત અન્ય લેખોની ભાષાશૈલી વિશે જણાવતાં વિજયરાજે લખ્યું છે કે :[૧]:૩૯

ગદ્ય વાંચવા અણટેવાયેલી પ્રજાને વાંચતી કરવા 'ડાંડિયો' એ પોતાના સમયના પત્રકારત્વે ગદ્યની જે શૈલીનાં બીજ રોપ્યાં અને જેને યથાસંસ્કાર ખીલવી તેમાં આજના રસજ્ઞ વાચકોને સુઘડતા ઓછી જણાશે અને લાલિત્ય તો બિલકુલ નહીં જડે. એ મર્યાદાઓને જો વાચક ધૈર્યથી નભાવી લે તો પછી ગુણપક્ષે તેને એ લખાણોમાં પ્રાથમિક ઉછળતું જોમ અને કેટલોક મજેદાર તરવરાટ જણાશે અને તાક્યું તીર માર્યે જ રહેનારી સચોટતા ને તીક્ષ્ણતા પણ જણાશે.

— વિજયરાજ.

'ડાંડિયો'ની કુલ ત્રણ શ્રેણીઓ પ્રકટ થઈ હતી. પ્રથમ શ્રેણીમાં ૩૨ અંકો, દ્વિતીય શ્રેણીમાં ૨૭ અંકો અને તૃતીય શ્રેણીમાં ૫૮ અંકો પ્રકાશિત થયા હતા. ૧૮૬૯ની આખરમાં આ ચોપાનિયું 'સન્ડે રિવ્યુ' સાથે ભેળવી દેવામાં આવ્યું હતું.[૧]:૩૯

'ડાંડિયો' અંગે રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય અને રમેશ શુક્લએ સંશોધન કાર્ય કર્યું છે. વિજયરાયે આ સામયિકને 'ગુલામ પ્રજાનું આઝાદ પત્ર' કહેલું. રમેશ શુક્લએ 'ડાંડિયો'ના ઉપલબ્ધ ૬૩ અંકોનું સંપાદન કરીને વિસ્તૃત સંશોધનાત્મક પ્રસ્તાવના સહિત પ્રકાશિત કરેલ છે. આ સંપાદન કવિ નર્મદ યુગવર્તક ટ્રસ્ટે (સુરત) પ્રકાશિત કરેલ છે.[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ વ્યાસ, કિશોર (૨૦૦૯). સાહિત્યિક પત્રકારત્વ (સંવિવાદના તેજવલયો) ૨૦મી સદી પૂર્વાર્ધના સાહિત્ય-સામયિકોનો અભ્યાસ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 308.
  2. શુક્લ, રમેશ મ. (૨૦૦૨). "મારફતિયા, નગીનદાસ તુલસીદાસ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૬૭–૭૬૮. OCLC 248968453.
  3. દરુ, મનોજ (૧૯૯૭). "ડાંડિયો (૧૮૬૪)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૮. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૬૨–૩૬૩. OCLC 164810484.