દહાણુ કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લા ખાતે પશ્ચિમ રેલવેના દહાણુ રોડ સ્ટેશન પરથી ૪-૫ કિ. મી. જેટલા અંતરે પસાર થતી ખાડીના કિનારા પર આવેલ એક પુરાતન ગઢ છે. દહાણુ ખાડીના ઉત્તર ભાગમાં આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. આ ખાડીની દક્ષિણમાં મુખ્યત્વે કોળી સમાજની વસ્તી છે અને ઉત્તર તરફ મોટા દહાણુ આવેલ છે[૧].

પોર્ટુગીઝોએ સન ૧૫૩૩-૩૪ના સમયમાં આ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલોએ ૧૫૮૨ના સમયમાં તેના પર આક્રમણ કર્યું હતું, પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં પરત ફર્યા હતા. સને ૧૭૩૯ના સમયમાં ચિમાજી અપ્પાએ આ પરિસરમાંથી પોર્ટુગીઝોને હટાવ્યા હતા અને ત્યારે આ કિલ્લો મરાઠાઓ પાસે આવ્યો હતો. સને ૧૮૧૮ના સમયમાં બ્રિટિશ-મરાઠા કરાર પછી દહાણુ ફોર્ટ અંગ્રેજોના તાબામાં રહ્યો હતો.

આ કિલ્લામાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર બાજુએ આવેલ છે. ચાર મજબૂત મિનારાઓ(બુરજ) કિલ્લાને સુરક્ષિત કરે છે. આ કિલ્લા ખાતે બાર મીટર ઊંચી કિલ્લેબંધી હતી એવો ઉલ્લેખ જોવા મળે છે. સને ૧૮૧૮ના સમયમાં એક અંગ્રેજી સાધન દ્વારા આ કિલ્લાની દિવાલો ત્રણ મીટર પહોળી અને ૧૧-૧૨ મીટર ઊંચી હોવાનું કહેવાય છે. બાકીનો ગઢ નિર્જન અને પડતર છે, પણ પછી અહીં તહસીલદારની ઓફિસ ખોલવામાં આવી હતી. થોડા દિવસ પછી તે બંધ કરવામાં આવી હતી.

પ્રાચીન કાળમાં દહાણુ એક મોટું બંદર હતું. નાસિક ખાતે દહાણુકા નગર અને નદીનો ઉલ્લેખ જોવા મળે છે. નહપાન રાજાના જમાઈ ઉશવદત્તે દહાણુ ખાડીથી હોડીમાર્ગ દ્વારા જવાની સવલત કરી હતી એમ ઉલ્લેખ થયેલ છે[૨].

સંદર્ભ ફેરફાર કરો

  1. જલદુર્ગાચ્યા સહવાસાત (મરાઠીમાં). પૃષ્ઠ ૨૪-૨૬.
  2. ડોંગરયાત્રા (મરાઠીમાં). પૃષ્ઠ ૮૯.