બહુચર માતા

હિંદુ દેવી
(બહુચરાજી માતા થી અહીં વાળેલું)

બહુચર માતા, બહુચરાજી કે બેચર માહિંદુ દેવી છે જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે.

બહુચર માતા
બહુચર માતાજી
જોડાણોદેવી
શસ્ત્રતલવાર, ત્રિશૂલ
વાહનકૂકડો

માતાજી પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે.[][] એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામા આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણ ને આંગણે ચાર દેવી બુટભવાની માતા, બલાડ માતા, બહુચર માતા, બાલવી માતાનો વિક્રમ સંવત ૧૪૫૧, ઈસવીસન ૧૩૯૫,‌ શાક સંવત ૧૩૧૭ અષાઢ સુદ ૨ ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ ૧૫ ના દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને "ત્રાગું" કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી.[] હાલમાં ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.

બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. તેમનું વાહન કૂકડો છે, જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે.

બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.

મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.

અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે ૯.૩૦ કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે. તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજી થી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે.

નવરાત્રી દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નીજ મંદિરેથી નિકળીને બહુચરાજી પાસે આવેલ સમીવૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે.

આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટરને અંતરે આવેલું છે. ત્યાર બાદ જુનુ શંખલપુર પણ અહીંથી પાંચ કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખુબ જ જૂનુ હોવાને લીધે કેટલાયે ગરબા, ગીતો અને ભજનો આની પર લખાયા છે.

અહી બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવ છે. જ્યાં શુધ્ધ, સાત્વિક, શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રી રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે.

અહીંયા પહોચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખુબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી.

સંદર્ભો

ફેરફાર કરો
  1. દિવ્યભાસ્કર અખબારનો લેખ
  2. "માતાજી પ્રાગટ્ય વિશેની કેટલીક કથાઓ, vishvagujarativikas.com પર". મૂળ માંથી 2012-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-01.
  3. Pattanaik, Devdutt (૨૦૦૨). The Man Who was a Woman and Other Queer Tales from Hindu Lore. Haworth Press, Binghamton, NY, USA. પૃષ્ઠ ૧૬૫. ISBN 1-56023-181-5.