માજુલી બેટ
માજુલી અથવા માજોલી બેટ એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા આસામ રાજ્યમાંથી વહેતી બ્રહ્મપુત્રા નદીમાં આવેલો એક દ્વીપ છે, કે જે રાજ્યના જોરહટ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલો છે. ઈ. સ. ૧૮૫૩ના વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એ. જે. મિફેટમીલ્સ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ આ ટાપુ ૧,૨૪૬ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ હતો[૧]. પરંતુ પ્રતિવર્ષ આવતી રેલને કારણે થતા જમીનના ધોવાણને કારણે ઈ. સ. ૨૦૦૧માં કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર હવે આ દ્વીપનું ક્ષેત્રફળ ૪૨૯.૬૫ ચોરસ કિલોમીટર જેટલું રહી જવા પામ્યું છે. આમ આ બેટના અસ્તિત્વ પર પ્રાકૃતિક તેમ જ માનવનિર્મિત કારણોને લીધે ખતરો મંડરાય રહ્યો છે[૨][૩]. અહીં આવવા જવા માટે મોટી નૌકાઓ (ફેરી બોટ) ચાલે છે, જે આ ટાપુ પર વાહન સહિત લોકોને ટાપુ પર પહોંચાડે છે.
માજુલી વિસ્તાર વાસ્તવમાં એક લાંબો જમીનનો પટ્ટો છે, જેની બંને બાજુ નદી વહે છે. માજુલી ટાપુનું સર્જન ધરતીકંપને પરિણામે થયેલું છે. ઈ.સ. ૧૬૬૧થી ૧૬૯૬ સુધીમાં આ વિસ્તારમાં ધરતીકંપ, પૂર જેવી કુદરતી આફતો આવી હતી. આ ઉપરાંત અન્ય ધાર્મિક દંતકથાઓ પણ આ સ્થળ સાથે જોડાયેલી છે. સ્થાનિક લોકો દ્વારા એમ પણ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ તેમના મિત્રો સાથે અહીં રમતા હતા.
અહિંયા વસવાટ કરતા લોકો પર આસામી સંસ્કૃતિનો બહુ મોટો પ્રભાવ છે. અહીંના લોકો આસામી ભાષાનો જ વ્યવહારમાં ઉપયોગ કરે છે.
આ દ્વીપ પર વસવાટ કરતા લોકોની રોજીરોટીનો મુખ્ય આધાર કૃષિ-ઉત્પાદન છે. અહીં એકસોથી વધુ જાતના ડાંગરના પાકનું ઉત્પાદન થાય છે. અહીં જમીન ફળદ્રુપ અને કુદરતી રીતે રસાળ હોવાને કારણે ખેડૂતો જમીનમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. ચોખાની આટલી બધી જાતમાં પણ કોલમ સોલ માજુલીમાં વસતા લોકોના પ્રિય આહારમાં સ્થાન ધરાવે છે. હાથ-વણાટ (હેન્ડલૂમ) અહીંનો મુખ્ય વ્યવસાય છે. આ સિવાય અહીં સુતરાઉ અને રેશમી (સિલ્ક) કાપડનું પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે[૪][૫].
કુદરતી સંપદા વડે સમૃદ્ધ માજુલી દ્વીપમાં કલાનો વારસો પણ આજ સુધી સચવાયેલો રહ્યો છે. અહીં કઠપૂતળીના ખેલ, રાસ ઉત્સવ પણ યોજાય છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
ચિત્ર દર્શન
ફેરફાર કરો-
કમલાબારી સત્ર
-
દક્ષિણપાટ સત્ર
-
દક્ષિણપાટ સત્ર ખાતે પૂજનકાર્ય
-
આઉનીઆટી સત્ર
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-26.
- ↑ A Capricious River, an Indian Island’s Lifeline, Now Eats Away at It April 14, 2013 New York Times
- ↑ http://majulilandscape.gov.in/geography.php
- ↑ http://www.majuli.info/economy_of_majuli.html
- ↑ http://aboutmajauli.blogspot.in/2010/03/economy-of-majuli.html
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- [૧] માજુલી વિષયક માહિતી
- [૨] આસામ પર્યટન વિભાગનું અધિકૃત વેબસાઇટ
- [૩] સંગ્રહિત ૨૦૧૫-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન સ્થાનિક માજુલી પર્યટન વિભાગ
- [૪] સંગ્રહિત ૨૦૧૫-૦૩-૨૧ ના રોજ વેબેક મશિન MIPADC, (માજુલી દ્વીપ સંરક્ષણ અને વિકાસ પરિષદ)
- [૫] વસ્તી ઘનતા અધ્યયન