માયાનો ઉલ્લેખ આધ્યાત્મ જગતમાં સવિશેષ થતો જોવા મળે છે. આ દૃશ્ય જગતનું મૂળ માયા ગણાય છે એટલે કે જગત માયામાંથી ઉત્પન્ન થયું છે તેમ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવે છે. માયા ભગવાનની શક્તિ ગણવામાં આવે છે છતાં તેના પાશમાંથી છૂટ્યા વિના પરમપદની પ્રાપ્તિ થતી નથી.

આ માયાના સ્વરૂપની મીમાંસા શ્રી શંકરાચાર્યથી લઇને અત્યાર સુધીના દરેક ધર્માચાર્યો દ્વારા કરવામાં આવી છે. આ માયા ગુણમયી છે અર્થાત્ સત્વ, રજ અને તમોમયી છે એમ ભગવદ્ ગીતામાં કહેવાયું છે. માયાને ભગવાન કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિ તરિકે વર્ણવે છે. દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા (ગીતા ૭.૧૪) પ્રમાણે મુમુક્ષુતા અને ભગવદાશ્રય વિના તેનો પાર પામી શકાતો નથી. શંકરાચાર્ય સ્વરુપથી માયાને સ્વપ્નવત્ મિથ્યા માને છે, રામાનુજાચાર્ય પ્રત્યક્ષ પ્રમાણના બળ પર માયાને સત્ય માને છે અને ભગવાન સ્વામિનારાયણ તેને નિત્ય તત્વ માને છે. માયાનો નાશ ક્યારેય થતો નથી. જ્ઞાન દ્વારા તેના સ્વરૂપને સમજીને ભગવદાશ્રય કરીને માત્ર માયા પાર જ કરી શકાય છે તેમ પણ ઉપરોક્ત શ્લોકમાં ભગવાને કહ્યું છે.