રણછોડભાઈ ઉદયરામ દવે (૯ ઓગસ્ટ ૧૮૩૭ - ૯ એપ્રિલ ૧૯૨૩) નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી હતા.

જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લઈ ૧૮૫૨માં અંગ્રેજીના અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં ‘લૉ કલાસ’માં દાખલ થયા. પહેલા સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહેચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર અને ઈડર રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનઃસુખરામ ત્રિપાઠી સાથે અન્નય મૈત્રી. ૧૮૮૪માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુરે પહેલાં ‘હુઝૂર આસિસ્ટન્ટ’ નું માનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪ માં નિવૃત્ત. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૧૫માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઈલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન.

સાહિત્ય સર્જન ફેરફાર કરો

ગુજરાતીના આદ્ય નાટ્યકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટ્યપરંપરાના સંસ્કારોથી નાટકને લોકશિક્ષણના સાધનમાં પલટાવ્યું; અને દશેક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો. નાટ્યકલાની દ્રષ્ટિએ એમનાં નાટકો ઊંચી કક્ષાનાં નથી, પરંતુ ગુજરાતી નાટકની સ્થાપનામાં એમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાજિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. ‘જયકુમારીવિજય નાટક’ (૧૮૬૪), ‘લલિતાદુઃખદર્શક નાટક’ (૧૮૬૬), ‘તારામતીસ્વયંવર’ (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’ (૧૮૭૧), ‘પ્રેમરાય અને ચારુમતી’ (૧૮૭૬), ‘બાણા્સુર મદમર્દન’ (૧૮૭૮), ‘મદાલસા અને ઋતુધ્વજ’ (૧૮૭૮), ‘નળદમયંતી નાટક’ (૧૮૯૩), ‘નિંદ્ય શૃંગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરનો વાંસે વશ્યો વારસો’ (૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કૂંડા કૃત્યો’ (૧૯૨૩) વગેરે એમનાં સ્વતંત્ર નાટકો છે.

નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિંગળ અંગેનું આકર અને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’- ભા.૧, ૨, ૩ (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ પંદરસો કરતાં વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જયારે ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તપાસે છે.

એમણે ‘આરોગ્યતાસૂચક’ (૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ’ (૧૮૬૭) અને ‘નાટ્યપ્રકાશ’ (૧૯૯૦) જેવા નિબંધગ્રંથો આપ્યા છે; તો ‘સંતોષસુરતરુ’ (૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’ (૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથો પણ આપ્યાં છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ ભા.૧, ૪, ૩ (૧૯૧૬), ભા. ૨ (૧૯૧૫), ભા. ૫ (૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે.

એમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી રાસમાળા- ભા. ૧,૨ (૧૮૭૦, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારેલાં ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૭૦), ‘વિક્રમોર્વશીયત્રોટક’ (૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતોપદેશ’ (૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ (૧૮૭૪) મુખ્ય છે. ‘શૅક્સપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’ (૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે.

લલિતાદુઃખદર્શક (૧૮૬૬) ફેરફાર કરો

રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈનો કજોડાનો વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. નંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ ભૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના રાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે અથડાતી-કુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પોતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો