કસ્તુરભાઈ લાલભાઈ

ભારતીય ઉદ્યોગપતિ

કસ્તુરભાઇ લાલભાઇ (૧૯ ડિસેમ્બર ૧૮૯૪ - ૨૦ જાન્યુઆરી ૧૯૮૦) ગુજરાતી ઉદ્યોગપતિ હતા. તેઓ જી. ડી. બિરલાની જેમ રાષ્ટ્રીય દેશભક્ત ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. તેમણે તેમનાં ભાઇઓની સાથે અરવિંદ મિલ અને અન્ય ઉદ્યોગોની સ્થાપના કરી હતી.

કસ્તુરભાઈ લાલભાઈ
વ્યવસાયઉદ્યોગ સાહસિક Edit this on Wikidata
બાળકોSiddharth Lalbhai Edit this on Wikidata
માતા-પિતા
  • Mohiniben Edit this on Wikidata

કુટુંબ ફેરફાર કરો

તેઓ અમદાવાદના મુગલ, મરાઠાઓ અને બ્રિટિશ રાજ દ્રારા માન્ય એવા નગરશેઠ કુટુંબમાંથી હતા.

તેઓ અકબરના ઝવેરી શાંતિદાસ ઝવેરીના વારસ હતા. ખુશાલચંદ, જેઓ શાંતિદાસનાં પૌત્ર હતા (૧૬૮૦-૧૭૪૮) જેમણે ૧૭૨૫માં મરાઠાઓથી અમદાવાદને બચાવવા માટેની રકમ અદા કરી હતી. ખુશાલચંદના પુત્ર વખતચંદ (૧૭૪૦ - ૧૮૧૪) પણ જાણીતા ઉદ્યોગપતિ હતા.[૧] તેમના દાદા દલપતભાઇ ભગુભાઇ ૧૮૭૦ના દાયકામાં કપાસના જાણીતાં ઉદ્યોગપતિ હતા. તેમના પિતા લાલભાઇ દલપતભાઇ (૧૮૬૩ - ૧૯૧૨) એ ૧૮૯૬માં સરસપુર કોટન મિલની સ્થાપના કરી હતી.[૨] તે સ્વદેશી ચળવળનો એક ભાગ બની હતી.

પ્રારંભિક જીવન ફેરફાર કરો

કસ્તુરભાઇનો જન્મ મોહિની અને લાલભાઇ દલપતભાઇનાં ઘરે જૈન કુટુંબમાં ૧૮૯૪માં અમદાવાદનાં ઝવેરીવાડમાં થયો હતો.[૨]

તેમણે પાંચમાં ધોરણ સુધી ત્રણ દરવાજાની નજીક મ્યુનિસિપલ શાળા નંબર ૮ માં અભ્યાસ કર્યો. પછી તેમણે રણછોડલાલ છોટાલાલ સરકારી માધ્યમિક શાળામાં જોડાયા. તેમણે ૧૯૧૧માં મેટ્રિકની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી. ૧૯૧૨માં જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમનાં પિતાનું મૃત્યુ થયું અને તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા.[૩] તેમનાં પિતા લાલભાઇને કૌટુંબિક વારસામાં નવી સ્થપાયેલ રાયપુર મિલ મળી હતી.

મે ૧૯૧૫માં તેમનાં લગ્ન શારદા ચિમનલાલ ઝવેરી સાથે થયાં અને તેમને બે સંતાનો, શ્રેણિક અને સિદ્ધાર્થ હતાં.[૩]

વ્યવસાય ફેરફાર કરો

તેઓ રાયપુર મિલના ચેરમેન તરીકે ૧૯૧૨માં જોડાયા. શરૂઆતનાં સમયમાં મિલનું અંગત ધ્યાન રાખ્યા બાદ તેઓએ મિલનાં માલના ઉત્પાદકો સાથે કામ કરવાનું શરુ કર્યું અને ૧૯૧૮માં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે તેમનો વ્યાપાર વિસ્તૃત થયો અને તેમણે ૧૯૨૦માં અશોક મિલની સ્થાપના કરી.[૪] તેમણે ૧૯૨૪ થી ૧૯૩૮ની વચ્ચે પાંચ મિલોને હસ્તગત કરીને વ્યાપારને બહોળો બનાવ્યો. આમાં ૧૯૩૧માં અરવિંદ અને નુતન મિલ અને ૧૯૨૮માં અરુણા મિલ, ૧૯૩૮માં અમદાવાદ ન્યૂ કોટન મિલનો સમાવેશ થતો હતો.[૫] મહાત્મા ગાંધી દ્રારા શરુ કરાયેલ સ્વદેશી ચળવળ અને બીજા વિશ્વયુદ્ધની શરુઆતને કારણે ૧૯૩૯માં ભારતનો કાપડ ઉદ્યોગ વિકાસ પામ્યો.[૬] તેમણે બધી સાત મિલોનું નવીનીકરણ કર્યું. તેમની પાસે ભારતની કુલ ૧૨ ટકા સ્પિનિંગ ક્ષમતા અને અમદાવાદની ૨૪ ટકા વણાટ ક્ષમતા હતી જેને કારણે તેઓ ૧૯૩૯માં ભારતનાં સાતમાં કપાસ વેપારી તરીકે સ્થાન પામ્યા.[૭]

૧૯૪૮માં, તેમનાં ઉદ્યોગનું નામ કાળા બજારમાં સંડોવાયું હતું. આ કારણે કસ્તુરભાઇના મિત્ર, આર. કે. સનમુખમ ચેટ્ટીએ, જેઓ નાણાં પ્રધાન હતાં, રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ આવકવેરા વિભાગ દ્રારા ૧૦ વર્ષો સુધી વિવિધ તપાસો થતી રહી હતી.[૮]

૧૯૫૨માં, તેમણે અતુલ લિમિટેડ ની સ્થાપના કરતી હતી, જે ભારતની પ્રથમ ડાઇ બનાવનાર કંપની હતી. તેમણે આ માટે અમેરિકન સાયનામાઇડ કંપની સાથે સહયોગ કર્યો હતો. અતુલનું ઉદ્ઘાટન ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્રારા કરવામાં આવ્યું હતું.[૯]

રાજકારણ ફેરફાર કરો

 
ખાદીના વસ્ત્રોમાં કસ્તુરભાઇ લાલભાઇ

તેઓ ડિસેમ્બર ૧૯૨૩માં મધ્યસ્થ સભામાં ચૂંટાયા હતા. તેમની ત્રણ વર્ષની મુદ્દત દરમિયાન તેમણે કાપડ ઉદ્યોગમાં લાગુ પડતી એક્સાઇઝ જકાત ઓછી કરવા પર ધ્યાન આપ્યું હતું.[૧૦] ૧૯૩૦ના દાયકામાં તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને સ્વદેશી ચળવળમાં ભાગ ભજવ્યો હતો.[૧૧]

ભારતની સ્વતંત્રતા પછી તેઓ વિવિધ સંસ્થાઓમાં મહત્વના પદો પર રહ્યા હતા. તેઓ મહાત્મા ગાંધી મેમોરિયલ ફંડના ટ્રસ્ટી અને ચેરમેન પણ રહ્યા હતાં. જૈન પ્રતિનિધિત્વ તરીકે તેઓ લઘુમતી સમિતિનાં સભ્ય રહ્યા હતા.[૧૨]

સંસ્થાઓની સ્થાપના ફેરફાર કરો

૧૯૩૬માં અમૃતલાલ હરગોવિનદાસ અને ગણેશ માવલંકરની સાથે તેમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES)ની સ્થાપના કરી હતી, જે ૨૦૦૯માં અમદાવાદ યુનિવર્સિટી તરીકે ફેરવવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા બાદમાં એમ. જી. સાયન્સ કોલેજ, એલ. એમ. ફાર્મસી કોલેજની શરુઆત કરવામાં આવી હતી. સંસ્થાએ અન્ય સંસ્થાઓને જમીન મેળવવામાં મદદ કરી હતી. સંસ્થાએ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના સમયે ફાળો આપ્યો હતો અને અમદાવાદની ગુફાના નિર્માણમાં મદદ કરી હતી.[૧૩]

તેમણે અને વિક્રમ સારાભાઈએ અટીરા (અમદાવાદ ટેક્સટાઇ ઇન્ડસ્ટ્રિઝ રીસર્ચ એશોશિએશન)ની સ્થાપના કરી હતી.[૧૩]

૧૯૪૭માં તેમનાં દ્રારા લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ સ્થાપવામાં આવી હતી. ૧૯૬૨માં તેમણે લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ની પણ સ્થાપના કરી હતી. આ સંસ્થા વિવિધ પ્રાચીન હસ્તપ્રતો, દુર્લભ પુસ્તકો અને માઇક્રોફિલ્મો ધરાવે છે.[૧૪]

૧૯૪૯માં તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રિઝ (GCCI)ની સ્થાપના કરી હતી.

અમદાવાદમાં આ વિવિધ સંસ્થાઓની સ્થાપના માટે તેમણે વિશ્વના પ્રખ્યાત સ્થપતિઓ લુઇસ કાંન, લી કોર્બુશિઅર, બી. વી. દોશી અને ચાર્લ્સ કોરિયાને કામ સોંપ્યું હતું.[૧૫]

પાછલું જીવન ફેરફાર કરો

૧૯૬૦ પછી, કસ્તુરભાઇએ તેમનો કૌટુંબિક વ્યવસાય સોંપવાની શરુઆત કરી દીધી. જાન્યુઆરી ૧૯૭૭માં તેઓ નિવૃત થયા અને ૨૦ જાન્યુઆરી ૧૯૮૦ ના રોજ અમદાવાદમાં તેમનું મૃત્યુ થયું.[૧૬]

ધાર્મિક પ્રવૃત્તિઓ ફેરફાર કરો

તેઓ ચુસ્ત જૈન હતા. ૩૦ વર્ષની વયે તેઓ આનંદજી કલ્યાણજી પેઢીના ચેરમેન બન્યા અને ૫૦ વર્ષો સુધી સેવા આપી.[૧૭] તેમનાં હાથ નીચે, મોટી સંખ્યામાં જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેમાં રાણકપુર, દેલવાડા, ગિરનાર, તારંગા અને શંત્રુજ્ય પર્વતોનો સમાવેશ થાય છે.[૧૮]

સન્માન ફેરફાર કરો

  • ૧૯૬૯માં તેમને ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એનાયત થયું હતું.

નોંધ ફેરફાર કરો

  1. "The Lalbhais –A Historical Perspective". Arvind Mills. મૂળ માંથી 2011-12-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૧.
  2. ૨.૦ ૨.૧ Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૦૯.
  3. ૩.૦ ૩.૧ Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૧૦.
  4. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૧૨–૩૧૪.
  5. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૩૭.
  6. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૪૭–૩૪૮.
  7. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૪૯.
  8. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૪૦૩–૪૦૫.
  9. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૫૦.
  10. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૨૯–૩૩૧.
  11. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૩૫૦–૩૯૩.
  12. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ 406–407.
  13. ૧૩.૦ ૧૩.૧ "Dynamic leadership & Contributions". AES. મૂળ માંથી 2013-07-11 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ એપ્રિલ ૨૦૧૩.
  14. Yagnik, Bharat (૮ નવેમ્બર ૨૦૧૧). "India gets its first e-library of ancient manuscripts". The Times of India. TNN. મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ એપ્રિલ ૨૦૧૩.
  15. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ 424.
  16. Piramal, Gita. Business Legends. પૃષ્ઠ ૪૨૧.
  17. The dynamics of a tradition: Kasturbhai Lalbhai and his entrepreneurship, Dwijendra Tripathi, Manohar, 1981, p. 50
  18. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ Sheth Anandji Kalyanji Pedhino Itihas 1, Ratilal Dipchand Desai, Shilchandrasuri, Anandji Kalyanji Pedhi Ahmedabad 1983

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો