કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે).

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.