ગાંઠિયો વા, વાતરક્ત (અંગ્રેજી: ગાઉટ - Gout) એ એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજાના ફરી ફરીને હુમલા થાય છે. આ સોજા લાલ, કુમળાં, ગરમ અને દુખાવો કરતા હોય છે.[૧] આ દુખાવો ઝડપથી શરુ થાય છે અને મોટા ભાગના કિસ્સામાં આ સમય બાર કલાક કરતા ઓછો હોય છે. તે પૈકીના અડધા કિસ્સામાં પગના અંગુઠાના સાંધામાં સોજા હોય છે.[૨] આ રોગ આગળ વધતા ટોફસ (સાંધામાં યુરિક એસિડની પથરી), મુત્રપિંડ (કિડની) માં પથરી, અથવા મુત્રપિંડની કાર્યક્ષમતા યુરિક એસિડના કારણે ઘટી જવાની સ્થિતિમાં પરિણમે છે.[૩]

side view of a foot showing a red patch of skin over the joint at the base of the big toe
પગના અંગુઠાના સાંધામાં ગાંઠિયા વાના કારણે આવેલ થોડો સોજો
યુરિક એસિડનું રસાયણિક બંધારણ
યુરિક એસિડના સ્ફટિક સુક્ષ્મદર્શક યંત્ર વડે ફ્લોરોસંટ લાઈટ હેઠળ જોતા આમ ચમકે છે.
પગના અંગુઠાના સાંધામાં વાનો સોજો

ગાંઠિયો વા થવાનું મુખ્ય કારણ લોહીમાં યુરિક એસિડનું સતત ઊંચું પ્રમાણ છે. આવું થવાનું કારણ ભોજન અને કેટલાક જનીનિક કારણોનો સંયોગ છે. યુરિક એસિડનું ઊંચું પ્રમાણ રહેવાથી તે સ્ફટિકમાં ફેરવાય છે જે સાંધા, સ્નાયુના છેડા, તેની આસપાસની પેશીઓમાં જમા થાય છે જેના કારણે ગાંઠિયો વાનો હુમલો આવે છે. જે લોકો દરરોજ માંસાહાર કરતા હોય અથવા દરિયાઈ જીવોનો ભોજન તરીકે ઉપયોગ કરતા હોય, બીયર પીતાં હોય, અથવા ભારે શરીર ધરાવતા હોય તેમનામાં ગાંઠિયો વા વધુ જોવા મળે છે. આ વાનું નિદાન યુરિક એસિડના સ્ફટિકની સાંધાના પ્રવાહીમાં હાજરી અથવા ટોફસમાં તેની હાજરી વડે ચોક્કસ કરવામાં આવે છે. વાના હુમલા વખતે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ સામાન્ય હોઈ શકે છે.[૩]

ગાંઠિયા વાની સારવારમાં નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લામેટરી ડ્રગ્સ/દુખાવાની દવા (nonsteroidal anti-inflammatory drugs - NSAIDs), સ્ટીરોઇડ અને કોલ્ચીસીન તેના લક્ષણોમાં આરામ આપવા વપરાય છે. એક વાર હુમલો ચાલ્યો જાય એ પછી ખાણીપીણી અને જીવનક્રિયામાં ફેરફાર કરી યુરિક એસિડના પ્રમાણને ઘટાડી શકાય છે. જેઓને ફરી ફરીને હુમલા આવ્યા કરતા હોય એમને એલોપુરીનોલ અને પ્રોબેનેસીડ વડે લાંબા સમય માટે હુમલા અટકાવી શકાય છે. વિટામીન સી (ખાટ્ટા ફળો વગેરે) અને ઓછી ચરબી ધરાવતી દુધની વાનગીઓ આ રોગ અટકાવવામાં કદાચ મદદરૂપ નીવડી શકે.[૪]

પશ્ચિમ દેશોમાં ૧થી ૨% લોકો તેમના જીવનમાં ગાંઠિયો વાનો અનુભવ કરે છે. હમણાનાં દાયકાઓમાં આ રોગ વધુ સામાન્ય થતો જાય છે. આમ થવાનું કારણ જોખમો જેવા કે ચયાપચાયને લગતા રોગો, લાંબુ આયુષ્ય અને ભોજનમાં ફેરફારો વગેરેમાં વધારો થવો છે. વૃદ્ધ પુરુષોમાં આ રોગ સૌથી વધુ જોવા મળે છે. ઐતિહાસિક રીતે આ રોગ "રાજાઓના રોગ" અને "ધનવાનોના રોગ" તરીકે ઓળખાતો હતો.[૩][૫] આ રોગની જાણ છેક પ્રાચીન ઈજીપ્તના સમયથી છે.[૩]

લક્ષણો ફેરફાર કરો

ગાંઠિયો વા ઘણી રીતે હુમલો કરી શકે છે પણ લાલાશ પડતો, કુમળો, ગરમ એવો સાંધાનો સોજો એ સૌથી સામાન્ય લક્ષણ છે.[૧] પગના અંગુઠાનો સાંધો (મેટાટારસલ-ફેરીન્જીયલ સાંધો) કુલ કિસ્સાના અડધો અડધ કિસ્સામાં અસરગ્રસ્ત જોવા મળે છે.[૨] અન્ય સાંધા જેવા કે એડી, ઘૂંટણ, કાંડા અને આંગળીઓના સાંધા પણ અસરગ્રસ્ત થઇ શકે છે.[૨] સાંધાનો દુખાવો સામાન્યત: ૨-૪ કલાકમાં અને રાતે ઉપડે છે.[૨] આનું કારણ રાતે શરીરનું તાપમાન નીચું હોવાનું છે.[૬] સાંધાના દુખાવા સાથે અન્ય લક્ષણો જેવા કે થાક અને વધારે તાવ પણ જોવા મળી શકે છે.[૨][૬] યુરિક એસિડનું પ્રમાણ લાંબો સમય ઊંચું રહે તો (હાયપરયુરીસેમીયા)અન્ય લક્ષણો દેખાવા લાગે છે જેમકે સાંધામાં યુરિક એસિડના સ્ફટિકની પથરીઓ (ટોફસ અથવા ટોફી) જમા થાય જે સખત અને દુખાવારહિત હોય છે. બહુ મોટી પથરીઓ હાડકાંને ઘસારો પહોંચાડે છે જેના લીધે હાડકામાં કાયમી કળતર થવા લાગે છે.[૭] યુરિક એસિડના સ્ફટિક મુત્રપિંડ (કિડની)માં જમા થાય તો ત્યાં પથરી કરે છે અને જેના લીધે પછી મુત્રપિંડની કાર્યક્ષમતા ઘટવા લાગે છે.[૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Chen LX, Schumacher HR (October 2008). "Gout: an evidence-based review". J Clin Rheumatol. 14 (5 Suppl): S55–62. doi:10.1097/RHU.0b013e3181896921. PMID 18830092.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Schlesinger N (March 2010). "Diagnosing and treating gout: a review to aid primary care physicians". Postgrad Med. 122 (2): 157–61. doi:10.3810/pgm.2010.03.2133. PMID 20203467.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Richette P, Bardin T (January 2010). "Gout". Lancet. 375 (9711): 318–28. doi:10.1016/S0140-6736(09)60883-7. PMID 19692116.
  4. "Questions and Answers about Gout". National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases. June 2015. મૂળ માંથી 15 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 February 2016. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  5. "Rich Man's Disease – definition of Rich Man's Disease in the Medical dictionary". Free Online Medical Dictionary, Thesaurus and Encyclopedia.
  6. ૬.૦ ૬.૧ Eggebeen AT (2007). "Gout: an update". Am Fam Physician. 76 (6): 801–8. PMID 17910294.
  7. Terkeltaub R (January 2010). "Update on gout: new therapeutic strategies and options". Nature Reviews Rheumatology. 6 (1): 30–8. doi:10.1038/nrrheum.2009.236. PMID 20046204.
  8. Tausche AK, Jansen TL, Schröder HE, Bornstein SR, Aringer M, Müller-Ladner U (August 2009). "Gout—current diagnosis and treatment". Dtsch Arztebl Int. 106 (34–35): 549–55. doi:10.3238/arztebl.2009.0549. PMC 2754667. PMID 19795010.