જગડુશા

૧૩મી સદીના કચ્છી જૈન વ્યાપારી

જગડુશા અથવા જગડુ શાહ એ તેરમી શતાબ્દીના કચ્છના ભદ્રેસરમાં થઈ ગયેલા જૈન વ્યાપારી હતા.[૧]

માહિતી સ્રોત ફેરફાર કરો

તેરમી શતાબ્દીમાં સર્વાનંદ સુરી દ્વારા લખાયેલી જગડુચરિત્ર નામનું પદ્ય જીવનચરિત્ર જગડુશા અને તેમની દાનવીરતાને દર્શાવતી ઘટનાઓનું વર્ણન કરે છે.[૨][૩] આ એક વ્યાપારીના જીવનની કથા છે, તેમાં કોઈ રાજાનો ઉલ્લેખ નથી. અલબત્ત આ જીવનચરિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ સચોટ માહિતી આપતું નથી પણ તે સમયે વ્યાપાર અને સમાજ પર વ્યાપારીઓની ધાક આદિની માહિતી આપે છે.[૪] આ સિવાય જગડુશા વિશેની માહિતિ રત્નમંદિરગણિ દ્વારા લખાયેલ ઉપદેશ તરંગિણીમાંથી પણ મળી આવે છે.

પૂર્વજો ફેરફાર કરો

વિયથ્થુ એ દક્ષિણ મારવાડમાં આવેલ શ્રીમાળ (હવે ભીનમાલ, રાજસ્થાન)માં એક શ્રીમાળી જૈન વ્યક્તિ હતા. ૧૧મી સદીના અમુક શિલાલેખોમાં પણ શ્રીમાળીઓનો ઉલ્લેખ મળી આવે છે. વિચથ્થુનો પુત્ર વરાંગ, ચાલુક્યોના શાસન કાળમાં પૂર્વી કચ્છના કંથકોટમાં રહેતો હતો. વરાંગના પૌત્રનું નામ વિસાલા હતું. વિસાલાનો પુત્ર સોલાકા અથવા સોલાશા તેમની પત્ની શ્રી સાથે માંડવીથી સ્થળાંતર કરી ભદ્રેસરમાં આવી વસ્યા. તેમને ત્રણ પુત્રો જગડુ, રાજા અને પદ્મા હતા.[૫]

જીવન ફેરફાર કરો

 
વસઈ જૈન મંદિર, ભદ્રેસર. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં ધરાશાયી થયા બાદ ફરી બંધાવાયા છે.
 
કોયલ ટેકરી પર આવેલું હરસિદ્દિ દેવીનું મંદિર બાંધકામ જગડુશાએ કરાવાયેલું મનાય છે.

તેમના પિતાના મૃત્યુ પછી પરિવારની જવાબદારી જગડુશા પર આવી પડી અને તેમના પિતાનો વારસાગત ધંધો તેમને મળ્યો. તેમના લજ્ઞ યશોમતિ નામની કન્યા સાથે થયા અને તેમણે તેમના ભાઈઓને પણ પરણાવ્યા.[૬]

તેમને મળેલી અપાર સંપત્તિ વિશે ઘણી દંત કથાઓ પ્રચલિત છે. એક દંતકથા અનુસાર એક ભરવાડે તેમને અમુક જાદુઈ વસ્તુ આપી તેને કારણે તેઓ ધનવાન બયા અને તેમની દાનધર્મ પણ વિસ્તર્યા વધી. તેમને કોઈ સંતાન ન હોવાથી તેમની પત્નીએ તેમને ભગવાનની પ્રાર્થના કરવા જણાવ્યું. તેમને દરિયાના દેવે વરદાન આપ્યું કે તેમને પુત્ર તો નહિ જન્મે પણ તેમના વહાણ ક્યારેય ડૂબશે નહિ અને સલામત બંદરે પહોંચશે. એક અન્ય કથા અનુસાર ઉપકેશ કુળના તેમના એક અનુચર જયંતસિંહને પર્શિયન અખાતના તેમના વહાણવટા સમયે હોર્મઝમાંથી એક પથ્થર મળ્યો હતો.[૭] એક શૈવ યોગિએ જગડુશાને તે તોડવા જણાવ્યું. તે તોડતાં તેમાંથી રત્નો મળી આવ્યા હતા.

તેમની પાસે ઘણાં વહાણ હતાં. તેને તેઓ પર્શિઆ, અરેબિયા અને આફ્રિકા સુધી મોકલતા. તે મુખ્યત્વે અનાજ, કપાસ અને મસાલાનો વેપાર કરતા હતા. તેમનો સમુદ્રિક વેપાર ઘણો બહોળો હતો.[૮][૯]

તેઓ અમુક રાજનૈતિક ખટપટમાં પણ અટવાયા હતા અને પણ છેવટે તેમના નગરને બચાવી લેવામાં સફળ રહ્યા હતા. પીઠા દેવે (પ્રાયઃ પારાનો સુરમા રાજાએ) કચ્છ પર આક્રમણ કર્યું હતું અને તે ભદ્રેસર સુધી પહોંચી ગયો હતો. તેણે નગરની દિવાલોનો ધ્વંસ કર્યો હતો. જગડુએ તે દીવાલોનું ચણતર ફરી કરાવ્યું આથી પીઠાદેવના સંદેશવાહકે જગડુશાને ચેતવણી આપી. સંદેશવાહકે કહ્યું કે "જ્યારે ગધેડાના માથા પર બે શિંગડા ઉગશે ત્યારે જ તું નગરની દિવાલ બાંધી શકીશ !" જગડુશાએ દીવાલનું ચણતર રોકવાની ના પાડી અને તેઓ અણહીલવાડ (પાટણ) ચાલુક્ય વંશના રાજા ભીમ-૨ ના સેનાપતિ લવણપ્રસાદની મુલાકાત લીધી. તેમણે તેમની પાસે મદદ માગી. સેનાપતિએ તેમને સેના આપી અને છેવટે પીઠાદેવે પીછેહઠ કરી. તેમણે નગરની દીવાલનું ચણતર પુરું કર્યું અને પીઠાદેવને તેમની માતાનું વિકૃત શિલ્પ અને સોનાના શિંગડા ધરાવતા ગધેડાનું શિલ્પ મોકલ્યું. આને કારણે પીઠાદેવનો અન્ય દુશ્મન સિંધના સામાઓનો રાજા, સામા જામ ખુશ થયો અને તેમણે જગડુને ભેટ સોગાદ મોકલી.[૧૦]

તેણે ઘણાં જૈન વિદ્વાનોને પોતાના નગરમાં તેડાવ્યા હતા. તેમના ગુરુ પુર્ણિમા ગચ્છના પરમદેવ સુરિની સલાહથી વાઘેલા રાજા વિશળદેવની રજા લઈ તેમણે શત્રુંજય અને ગિરનાર જેવા જૈન તીર્થોની તીર્થયાત્રાઓ પણ કરાવી હતી. ત્યાંથી પાછા ફરી તેમણે ઘણાં જૈન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને અભિષેક કરાવ્યા. ભદ્રેસરમાં આવેલ વસઈ જૈન મંદિરના જીર્ણોદ્ધારનો શ્રેય પણ તેમને જાય છે. ઈ.સ. ૧૨૫૦-૭૦ની વચમાં તેમણે ધાનકાનું ઋષભમંદિર, ૨૪ દેવકુલિકા સહિતનું વઢવાણનું મંદિર, શત્રુંજય ટેકરી ઉપર એક મંદિર અને સેવાડીનું ૫૨ દેવકુલિકા સાથેનું મંદિર જેવા નોંધનીય બાંધકામો કરાવ્યા હતા.[૧૧] આ સિવાય તેમને ઘણાં કૂવા, બગીચા, તળાવો, ધર્મશાળાઓ અને રુગ્ણાલયો બંધાવ્યા હતા. તેમણે અમુક હિંદુ મંદિરો બંધાવવા માટે પણ દાન આપ્યું હતું અને એક શૈવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ભદ્રેસરમાં તેમણે શિમલી કે ખીમલી (ઈસ્માઈલી) તરીકે ઓળખાતા મુસલમાન વ્યાપારીઓ માટે એક મસિતી (મસ્જીદ) પણ બંધાવડાવી હતી. [૧૨] ભદ્રેસરમાં આજે પણ ઈસ્માઈલી મસ્જીદ આવેલી છે અને તે ભારતમાંની સૌથી પ્રારંભિક ઈસ્લામિક સ્મારક ગણાય છે.[૧૩][૧૪]

સૌરાષ્ટ્ર સમુદ્રકાંઠે આવેલા પોરબંદર શહેર મિયાણી ગામ નજીક આવેલી કોયલ ટેકરી પર આવેલ હર્ષદ કે હરસિદ્ધિ દેવીનું મંદિર પણ જગડુશાએ બંધાવ્યું હતું. આ મંદિરમાં દેવીની જમણી બાજુએ જગડુશાનું પુતળું ઊભું છે. આ મંદિરને સાંકળી લેતી એક દંતકથા છે: આ ટેકરી પર ખાડી તરફ મુખ કરીને મંદિરના દેવ સ્થાપિત હતા. એવી કથા પ્રચલિત હતી કે જો તે દેવીની નજરની હરોળમાં કોઈ વહાણ આવ્યું તો તેનો બળીને કે અન્ય રીતે નાશ થઈ તે ડૂબી જતું હતું. એક વખત જગડુશાના વહાણ પણ ડૂબી ગયા હતા પણ તે જાતે બચી ગયા હતા. જગડુશા તે મંદિરે ગયા અને ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરી દેવીને પ્રસન્ન કર્યા. દેવી પ્રસન્ન થયા ત્યારે જગડુશાએ દેવીને ટેકરીએથી નીચે આવવા વિનંતી કરી કે જેથી તેમની નજર અન્ય વહાણો પર ન પડે અને તે ડૂબી ન જાય. ત્યારે દેવીએ તે વિનંતિ પૂર્ણ કરતા ટેકરીના દરેક પગથિયે ઉતરવા માટે એક એક ભેંસના બલિદાનની શરત મૂકી. જગડુશા અહિંસામાં માનનાર જૈન ધર્મી વ્યક્તિ હતા, આથી આવી શરત સાંભળી તેઓ મૂંઝાયા. પોતે આપેલા વચન પૂર્તિ માટે જગડુશા ભેંસો લાવ્યા પણ મંદિર સુધી પહોંચવા ભેંસોની સંખ્યા દાદરાઓ કરતા ઓછી પડી આથી તેમણે પોતાની અને પોતાના પરિવારની બલિ આપવાનો નિશ્ચય કર્યો. આ જોઈ દેવી અતિ પ્રસન્ન થયા અને તેમના પરિવારને જીવનદાન આપ્યું. તેણે એ પણ વરદાન આપ્યું કે તેના વંશનો ક્યારેય અંત આવશે નહિ.[૧૫]

દેવ સુરિ નામના એક જૈન સાધુએ જગડુશાને અમુક વર્ષ બાદ આવનારા ભૂખમરાની આગાહી કરી અને તેને અનાજનો સંગ્રહ કરવા અને તેની ધન સંપદાનો લોકહિત માતે ઉપયોગ કરવા જણાવ્યું. આથી જગડુશાએ અનાજનો મોટો જથ્થો સંગ્રહ કરવા માંડ્યો. બે વર્ષ પછી ભૂખમરો આવ્યો અને રાજના કોઠારો પણ ખાલી થઈ ગયા. અનાજનો ભાવ આસમાને પહોંચ્યો. ૧ દ્રમના ગણીને ચણાના ૧૩ દાણા મળતા. રાજા વિશળદેવે જગડુશાને બોલાવ્યા અને તેના અનાજથી ભરેલા સાતસો કોઠારો વિષે પૂછ્યું. જગડુએ કહ્યું કે તે અનાજ તેમણે ગરીબો માટે સંગ્રહ્યું હતું અને જો લોકો ભૂખમરાથી મરે તો તે તેના પાપે લેખાય. તેમણે વિશળદેવને ધાન્યના ૮૦૦ મટકા (અથવા મુટકા) આપ્યા. સિંધના રાજા હમીરને ૧૨૦૦ મટકા, અવંતીના રાજા મદનવરમનને ૧૮૦૦૦ મટકા દિલ્હીના રાજા ગરજનેશ મોજદીનને ૨૧૦૦૦ મટકા, કાશીનારાજા પ્રતાપસિંહને અને રસ્કંદીલ રાજાને ૧૨૦૦૦ મટકા ધાન્ય આપ્યા. તેમણે ઈ.સ. ૧૨૫૬ થી ૧૨૫૮ (વિક્રમ સંવત ૧૩૧૩ સુધી ૧૩૧૫) સુધીના ત્રણ વર્ષોમાં લોકોને અન્નનું દાન કર્યુ.[૧૬] [૪][૮][૧૭]

ભૂખમરાનો અંત આવતા વિશળદેવના મંત્રી નાગદાએ તેમની મુલાકાત લીધી. તે સમયે ઘોડાઓ એક અતિ મૂલ્યવાન વસ્તુ ગણાતી હતી. ખાસ કરીને સૈન્ય વપરાશ માટે મોંઘી કિંમત ચૂકવી તેમને પર્શિયાથી મંગાવવામાં આવતા હતા. પર્શિયાથી ઘોડા લઈ આવતું એક વહાણ ભદ્રેસર આગળ ડુબી ગયું અને એમાં માત્ર એક જ ઘોડો બચીને કિનારે આવ્યો. તે ઘોડાને ગળે જગડુશાને ઉદેશીને એક કાગળ બાંધેલો હતો. આ ઘોડાને નાગદાએ રાજની સંપત્તિ ગણાવી, જ્યારે જગડુશાએ તેને પોતાનો ગણાવ્યો. આ તેમની વગનો પુરાવો આપે છે.

તેમનું જીવન ચરિત્ર જગડુશાના મૃત્યુ સાથે પૂરું થાય છે. તેમના અંતિમ સંસ્કારમાં રાજા રજવાડા શામિલ થયા હતા.

તેમને ચાંપશી નામે એક દત્તક પુત્ર હતો. તે મહમદ બેગડાના સમયમાં એક જાણીતો વ્યાપારી હતો.[૧૬]

વારસો ફેરફાર કરો

જગડુશા એક દાનવીર તરીકે, ખાસ કરીને ભૂખમરાના સમયે અન્નદાન માટે પ્રસિદ્ધ છે. તેમના જીવનની અમુક ઘટનાક્રમને દર્શાવતા નાટકો બન્યા છે.[૧૮][૧૯][૨૦]

પોરબંદર નજીક જુંદાલામાં આવેલી બરડાઈ બ્રાહ્મણ ધર્મશાળામાં તેમને સમર્પિત એક પાળિયો છે.[૨૧] રાજકોટની બાજુમાં આજી નદીને સામે કાંઠે એક ખંડેરમય મિનારો છે તે જગડુશાને સમર્પિત છે. મુંબઈના ઘાટકોપરમાં એક પરગણાને જગડુશા નગર એવું નામ અપાયું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Mahanta, Vinod (૩ એપ્રિલ ૨૦૦૯). "The evolution of the Sethiaji to the CEOji". The Economic Times. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  2. Winand M. Callewaert; Rupert Snell (૧૯૯૪). According to Tradition: Hagiographical Writing in India. Otto Harrassowitz Verlag. પૃષ્ઠ 137. ISBN 978-3-447-03524-8.
  3. Kailash Chand Jain (૨૦૧૦). History of Jainism. D. K. Print World (P) Limited. પૃષ્ઠ 645. ISBN 978-81-246-0547-9.
  4. ૪.૦ ૪.૧ Sheikh, Samira (૨૦૦૪). "Trade and politics in Kacch - the Jagadu carita". State and Society in Gujarat, c. 1200-1500 : The Making of a Region (DPhil). Wolfson College, Oxford University. પૃષ્ઠ 119–120, 140–143.
  5. Chimanial Bhailal Sheth (૧૯૫૩). Jainism in Gujarat (A.D. 1100 to 1600) With a Foreword by H.D. Sankalia. Shree Vijaydevsur Sangh Gnan Samiti. પૃષ્ઠ 152–161.
  6. Acharya Vatsalyadeep Suri (૧૧ નવેમ્બર ૨૦૧૦). "કચ્છની ધીંગી ધરાનું અણમોલ અને મહામુલું પુષ્પ એટલે દાનવીર જગડૂશાહ". Gujarat Samachar. મૂળ માંથી ૧૪ મે ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૭. સંગ્રહિત ૨૦૧૭-૦૫-૧૪ ના રોજ વેબેક મશિન
  7. Brajadulal Chattopadhyaya (૧૯૯૮). Representing the other?: Sanskrit sources and the Muslims (eighth to fourteenth century). Manohar. પૃષ્ઠ 62–63. ISBN 978-81-7304-252-2.
  8. ૮.૦ ૮.૧ Vardhman Kumar Jain (૧૯૯૦). Trade and Traders in Western India, A.D. 1000-1300. Munshiram Manoharlal. પૃષ્ઠ 107, 79. Jagdu had regular trade relation with Persia, was so rich that during a terrible famine lasting for three years, he was able to distribute gram free to the people. Jagdu had also built a mosque for the use of Muslims.
  9. હસમુખ ધીરજલાલ સાંકળિયા; Bhaskar Chatterjee; Rabin Dev Choudhury; Mandira Bhattacharyya; Shri Bhagwan Singh (૧૯૮૯). History and Archaeology: Prof. H.D. Sankalia felicitation volume. Ramanand Vidya Bhawan. પૃષ્ઠ 405.
  10. Asoke Kumar Majumdar (૧૯૫૬). Chaulukyas of Gujarat: A Survey of the History and Culture of Gujarat from the Middle of the Tenth to the End of the Thirteenth Century. Bharatiya Vidya Bhavan. પૃષ્ઠ 160, 338, 352.[હંમેશ માટે મૃત કડી]
  11. ઢાંકી, મધુસૂદન એ. (૧૯૬૧). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. : ૮૨.
  12. Sheikh, Samira (૨૦૦૯). The Regions of Gujarat, c. 100–1200 (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ 54. doi:10.1093/acprof:oso/9780198060192.003.0002. ISBN 9780198060192.
  13. Dalpatrām Prānjīvan Khakhar (૧૯૭૮). Report on the architectural and archaeological remains in the provinces of Kachh, under the direction of J. Burgess. Government Central Press. પૃષ્ઠ 65.
  14. Romila Thapar (૨૦૦૫). Somanatha: The Many Voices of a History. Verso. પૃષ્ઠ ૧૧૫–૧૧૬. ISBN 978-1-84467-020-8.
  15. Gazetteer of the Bombay Presidency: Káthiáwar. Government Central Press. ૧૮૮૪. પૃષ્ઠ 190–191, 439.
  16. ૧૬.૦ ૧૬.૧ Indian Culture: Journal of the Indian Research Institute. I.B. Corporation. ૧૯૮૪. પૃષ્ઠ 89.
  17. Acyuta Yājñika; Suchitra Sheth (૨૦૦૫). The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond. Penguin Books India. પૃષ્ઠ 45–46. ISBN 978-0-14-400038-8.
  18. "'ઉમંગ'ની ઝલકમાં ઝળકયું ગુજરાત". દિવ્ય ભાસ્કર. ૧૬ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  19. "વસઇ તીર્થમાં 'કચ્છના દાનવીર શેઠ જગડુશા' નાટકની જમાવટ". દિવ્ય ભાસ્કર. ૩ જૂન ૨૦૧૦. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  20. "જમાદાર ફતેહમહંમદ અને શેઠ જગડુશા રણમાં પહોંચ્યા!". દિવ્ય ભાસ્કર. ૨૯ ડિસેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  21. "૧૩ કવચના ગરબા ગાઈ નાગર, સોની અને વણિક જ્ઞાાતી દ્વારા થતી માંની ભક્તિ". ગુજરાત સમાચાર. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી ૧૪ મે ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૭. સંગ્રહિત ૨૦૧૭-૦૫-૧૪ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ ફેરફાર કરો