બહેરામજી મલબારી

ભારતીય કવિ અને સમાજ સુધારક

બહેરામજી મહેરવાનજી મલબારી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨) કવિ, ગદ્યકાર અને સમાજસુધારક હતા.

બહેરામજી મલબારી
જન્મ૧૮ મે ૧૮૫૩ Edit this on Wikidata
વડોદરા Edit this on Wikidata
મૃત્યુ૧૨ જુલાઇ ૧૯૧૨ Edit this on Wikidata
શિમલા Edit this on Wikidata
વ્યવસાયલેખક, કવિ, સમાજ સુધારક Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી સર જમશેદજી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થતા નહિ; છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. શરૂમાં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. ટેલરનું પ્રોત્સાહન. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૮૭૯ થી મરણપર્યંત ‘ઈન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ‘વોઈસ ઑવ ઈન્ડિયા’ નામે પત્ર દ્વારા પણ પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન અને પુનર્લગ્ન બાબતે સુધારાવાદી વિચારોની અભિવ્યક્તિ. ૧૮૯૦માં યુરોપના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ.

સર્જન ફેરફાર કરો

સંસારસુધારો, દેશદાઝ અને નીતિબોધને લક્ષ્ય કરતી રચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’ (૧૮૭૫) મધુર અને કરુણ ગરબીઓનો સંગ્રહ છે. એમાં બાળવિધવા, કજોડાવાળી સ્ત્રી, પરણેલી બાળપત્ની વગેરેના સ્ત્રીદુઃખના વિલાપો છે. ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮) મિત્ર ડૉ. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શોકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના ‘ફોર્બસવિરહ’ને જ અનુસર્યા છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’ (૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે. આ ઉપરાંત એમના ‘અનુભવિકા’ (૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’ (૧૮૯૮), અને ‘સાંસરિકા’ (૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસરિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે.

એમણે અંગ્રેજી ભાષામાં જે રચનાઓ કરી તેનો સંચય ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાર્બ’ (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિંગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિંદને લગતા દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે. ૧૯૭૮ માં કરેલા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળતું ‘ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિશ લાઈફ’- બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ ધર્મની ફિલસૂફીને લગતાં મેકસમૂલરનાં ‘હિબર્ટ લૅકચર્સ’નું મનચેરજી મોબેદજીના સહયોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે.

સાંસરિકા (૧૮૯૮) : બહેરામજી મહેરવાનજી મલબારીનો, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતો સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી પિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. ‘કજોડું-સ્વભાવનું’ અને ‘કજોડું-ઉંમરનું’, ‘સુઘડ-ફૂવડનો ઘર સંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી’ વગેરે રચનાઓ આનાં ઉદાહરણો છે. ‘સુરતી લાલા સહેલાણી’માં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાનો ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી’માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મૌનની મઝા’માં છેડાતો મૌન જેવો વિષય એ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો