ભદ્રંભદ્ર

ગુજરાતી હાસ્ય નવલકથા

ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની એક હાસ્ય નવલકથા છે. આ નવલકથા સૌપ્રથમ માસિક પત્ર જ્ઞાનસુધામાં ધારાવાહિક સ્વરૂપે છપાયેલી અને પછી સળંગ નવલકથા તરીકે બહાર પડેલી.

અવલોકન ફેરફાર કરો

ભદ્રંભદ્ર ઇસવીસન ૧૯૦૦ની સાલમાં પ્રકાશિત થયેલી અને રમણભાઈ નીલકંઠે લખેલી વ્યંગાત્મક નવલકથા છે. તેને ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યાત્મક નવલકથા ગણવામાં આવે છે.[૧] રમણભાઈ નીલકંઠને મણિલાલ દ્વિવેદી સાથે લાંબા સમયથી સાહિત્ય, જ્ઞાન, ધર્મ, સમાજ સુધારણા, અને તત્વજ્ઞાન પર વિવાદ ચાલતો હતો.[૨] રમણભાઈ પોતે ઉદારમતવાદી હતા અને પાશ્ચાત્ય પ્રભાવ માટે ખુલ્લા હતા જ્યારે મણિલાલ રૂઢિચુસ્ત હતા.[૨] રમણભાઈએ સમાજસુધારાનો વિરોધ કરનારના ઢોંગ, હઠધર્મિતા અને ક્ષુદ્રતા પર આ પુસ્તક વડે વ્યંગ કસ્યો છે.[૧]

ઇતિહાસ ફેરફાર કરો

આ નવલકથા સૌપ્રથમ રમણભાઈ નીલકંઠ દ્વારા સંપાદિત જ્ઞાનસુધા માસિકમાં એપ્રિલ ૧૮૯૨થી જૂન ૧૯૦૦ સુધીના અંકોમાં ૫૬ હપ્તામાં પ્રગટ થઈ હતી.[૩] ત્યારબાદ ૧૯૦૦ના વર્ષમાં તેને વધુ સુધારા સાથે પ્રકાશિત કરવામાં આવી. રમણભાઈ પ્રથમ આવૃત્તિને સચિત્ર પ્રકાશિત કરવા માંગતા હતા પણ તે સમયે કરી શક્યા નહિ. બાદમાં ત્રીજી આવૃત્તિ રવિશંકર રાવળનાં દોરેલાં ચિત્રો સાથે ૧૯૧૮માં પ્રકાશિત થઈ પરંતુ સાતમી આવૃત્તિમાં જ્યોતીન્દ્ર દવેની પ્રસ્તાવના હતી પણ કોઈ ચિત્રો ન હતા, સિવાય કે રમણભાઈ અને પ્રકાશક અંબાલાલનો ફોટો.[૪]

કથા ફેરફાર કરો

 
ભદ્રંભદ્ર નાટકની ભજવણી એચ. કે. આર્ટસ્ કૉલેજ, અમદાવાદ ખાતે, ૧ સપ્ટેમ્બર ૨૦૧૮

સર્વાન્તીસની કૃતિ ડૉન કિહોટેને અનુલક્ષીને અંબારામ અને ભદ્રંભદ્ર જેવા બે હાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કથા વિકસી છે. એનું નિરૂપણ અંબારામ દ્વારા થયું છે. પ્રથમપુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે. ભદ્રંભદ્રને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે અને તે આ ગુજરાતી ભાષાને શુદ્ધ બનાવી રાખવા માટે બનતા બધા પ્રયત્નો કરે છે. નવલકથાનું કથાનક એવું છે કે, ભદ્રંભદ્ર તેમના એક અનુયાયીની સાથે મુંબઈ (તેમની ભાષામાં મોહમયી) શહેરમાં એક સભાને સંબોધવા જાય છે. રસ્તામાં અને સભામાં તેમની સાથે જે જે ઘટનાઓ બને છે તેનું વર્ણન કરે છે. તેઓના શુદ્ધ ગુજરાતીના આગ્રહને કારણે તેઓ અનેક નવા શબ્દોની રચના કરે છે. જેમ કે,

ભદ્રંભદ્રનો શબ્દ વ્યવહારમાં વપરાતો શબ્દ
મોહમયી નગરી મુંબઇ
અગ્નિ રથ ટ્રેન/રેલ ગાડી
અગ્નિ રથ વિરામ સ્થાન રેલ્વે સ્ટેશન
અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા રેલ્વે સિગ્નલ
શ્વાન કુતરું
અશ્વદ્વયા કૃષ્ટચતુષ્ચક્ર કાચગવાક્ષ સપાટાચ્છાદન સમેત રથ ગાડી/કાર
કંઠલંગોટ ટાઈ

આ નવલકથામાં સૂચવેલા આવા શબ્દોને કારણે વધુ પડતું શુદ્ધ ગુજરાતી બોલનાર માટે ભદ્રંભદ્રનું ગુજરાતી શબ્દ પ્રયોગ થાય છે.[સંદર્ભ આપો]

પ્રતિસાદ ફેરફાર કરો

આ નવલકથાને ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ માનવામાં આવે છે અને તેને વાચકો તથા વિવેચકો દ્વારા સારો આવકાર પ્રાપ્ત થયો હતો.[૪] જો કે એન્સાયકલોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર નોંધે છે કે તેમાં પાત્રનો વિકાસ થયો નથી કારણ કે વિવિધ પરિસ્થિતિઓ ખૂબ જ ઓછી છે, અને હાસ્યને છેક સુધી જાળવવામાં આવ્યું નથી તેથી પાછળના ભાગમાં નીરસ બની જાય છે.[૫] કનૈયાલાલ મુનશીએ તેના વિશે મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો જ્યારે આનંદશંકર ધ્રુવે તેની ટીકા કરી હતી તથા તેને સમાજ સુધારણાની કામગીરીમાં અડચણરૂપ ગણાવી હતી.[૬][૭]

વારસો ફેરફાર કરો

રમણભાઈના જીવન દરમિયાન ભદ્રંભદ્રનું પાત્ર ઘણું પ્રસિદ્ધ થઈ ગયું અને જે પણ સંસ્કૃતપ્રચુર ગુજરાતી બોલતા હોય તેમનું નામ ભદ્રંભદ્ર પડવા લાગ્યું. આ શબ્દ હજુ પણ રૂઢિચુસ્ત લોકો માટે વપરાય છે.[૫]

૧૯૯૪માં ગુજરાતી હાસ્યકાર રતિલાલ બોરીસાગરે સંભવામિ યુગે યુગે પ્રકાશિત કરી જેમાં ભદ્રંભદ્રને પ્રવર્તમાન સ્થિતિમાં દર્શાવ્યો છે અને સરદાર સરોવર પ્રકલ્પની હળવી ટીકા કરી છે. ૨૦૧૪માં પણ તેમણે ભદ્રંભદ્ર અમર છે નામથી લૈંગિક સમાનતા પર આધારિત એક હાસ્ય નવલકથા પ્રકાશિત કરી.[૮]

ભદ્રંભદ્રનું પાત્ર લઈને ગુજરાતી લેખક વિઠ્ઠલ પંડ્યાએ 'ભદ્રંભદ્ર અને હું' નામની ટૂંકીવાર્તા લખી છે, જેમાં લેખકે ભદ્રંભદ્રના પાત્રને વીસમી સદીમાં લાવી અને સિનેમા-હોટેલ જેવાં નવાં સ્થાનો તેમ જ નવાં રાજકીય-સામાજિક વાતાવરણ વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.[૯]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Mansukhlal Maganlal Jhaveri (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. p. 116.
  2. ૨.૦ ૨.૧ Thaker, Dhirubhai (1983). Manilal Dwivedi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. pp. 14–16, 35–36, 51. OCLC 10532609.
  3. મહેતા, હસિત (૨૦૧૨). "પંડિતયુગનાં સાહિત્યિક સામયિકો". માં મહેતા, હસિત (સંપાદક). સાહિત્યિક સામયિકો : પરંપરા અને પ્રભાવ. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૬૬. ISBN 9789382456018. OCLC 824686453.
  4. ૪.૦ ૪.૧ Borisagar, Ratilal; Daru, Manoj (2001). Gujarati Vishwakosh (Gujarati Encyclopedia). Vol.14. Ahmedabad: Gujarati Vishwakosh Trust. p. 309.
  5. ૫.૦ ૫.૧ Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. p. 418. ISBN 978-81-260-1803-1. Retrieved 8 May 2018.
  6. Thaker, Dhirubhai (2016). અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા: સાક્ષરયુગ. 3. Ahmedabad: Gurjar Grantharatna Karyalaya. p. 69. ISBN 978-93-5162-325-0.
  7. Munshi, Kanaiyalal Maneklal (1935). Gujarat and Its Literature. Calcutta: Longmans, Green & Co. Ltd. pp. 281–282.
  8. Mehta, Hasit (November 2018). Chaudhari, Raghuveer; Desai, Parul Kandarp (eds.). ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: ૮ (ખંડ ૧) સ્વાતંત્રયોત્તર યુગ - ૨ Ahmedabad: Gujarati Sahitya Parishad. pp. 308–313. ISBN 978-81-93884-9-4.
  9. ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર., સંપાદકો (June 2008). ગુજરાતી ટૂંકી વાર્તાકોશ (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૬૪. OCLC 24870863.

બાહ્ય કડીઓ ફેરફાર કરો