રસિકલાલ પરીખ

ગુજરાતી લેખક

રસિકલાલ છોટાલાલ પરીખ, ‘મૂસિકાર’, ‘સંજય’ (૨૦ ઓગસ્ટ ૧૮૯૭ - ૧ નવેમ્બર ૧૯૮૨) ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક હતા.

રસિકલાલ પરીખ
જન્મ(1897-08-20)20 August 1897
પેથાપુર, વર્તમાન ગાંધીનગર, ગુજરાત
મૃત્યુ1 November 1982(1982-11-01) (ઉંમર 85)
અમદાવાદ, ગુજરાત
ઉપનામમૂસિકાર, સંજય
વ્યવસાયકવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક, પ્રાચ્યવિદ્યાશાસ્ત્રી, ઇતિહાસકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણકલા સ્નાતક
માતૃ શિક્ષણ સંસ્થાફર્ગ્યુસન કૉલેજ
નોંધપાત્ર સર્જનો
  • શર્વિલક
  • મેના ગુર્જરી
નોંધપાત્ર પુરસ્કારો
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શૈક્ષણિક માર્ગદર્શકો
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓ

જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજ્યજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં આચાર્ય. અહીં ‘પુરાતત્વ’, ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦ થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧ થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી પરિષદના પ્રમુખ. અમદાવાદમાં અવસાન.

સર્જન ફેરફાર કરો

‘સ્મૃતિ’ (૧૯૫૨) એમની રંગદર્શી કાવ્યરચનાઓનો સંગ્રહ છે. છંદોબદ્ધ રચનાઓ, ખંડકાવ્યો, સંવાદ-કથાકાવ્યો, રંગભૂમિનાં ગીતોનો ઢાળ પર લખાયેલાં ગીતો વગેરેમાં સર્જકતાની મધ્યમ માત્રા જોવા મળે છે. સુદીર્ઘ કાવ્ય ‘શિખરણીશતક’ તત્કાલીન કાવ્યસાહિત્યમાં નોંધપાત્ર ઠરેલું છે. એમના ‘જીવનનાં વહેણો’ (૧૯૦૧) વાર્તાસંગ્રહમાં જીવનનાં અનેક પાસાંઓનું નર્મ-મર્મ નિરીક્ષણ છે; પણ એક પ્રકારની પ્રતિબદ્ધતાનો અંશ તથા લાંબાંલાંબાં સંભાષણો સમગ્ર કથાનિરૂપણને અરૈખિક તેમ જ શિથિલ બનાવે છે.

એમનું પહેલું નાટક ‘રૂપિયાનું ઝાડ’ (૧૯૩૧) પ્રયોગાભિમુખતા, પાશ્ચાત્ય નાટ્યપદ્ધતિનો સક્ષમ વિનિયોગ, માર્મિક નિરૂપણશૈલી વગેરેના કારણે ધ્યાનાકર્ષક છે. ‘પહેલો કલાસ’ (૧૯૩૧) તથા ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) એ બે એમનાં અનૂદિત નાટકો છે. ‘શર્વિલક’ (૧૯૫૭) તેમ જ ‘મેના ગુર્જરી’ (૧૯૭૭) એમનાં પ્રાણવાન સર્જનો ગણાયાં છે. શિષ્ટ નાટ્યસાહિત્યની પરંપરામાં ‘શર્વિલક’ એક મહત્વપૂર્ણ પ્રદાન છે. શૂદ્રકના ‘મૃચ્છકટિક’માંના રાજપરિવર્તનના ગૌણ વસ્તુને મુખ્ય કથાઘટના બનાવી શર્વિલકના દ્રષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ દરિદ્ર ચારુદત્ત તથા મૃચ્છકટિકનાં મહત્વનાં પાત્રો તેમ જ કથાતંતુઓને ગૂંથીને આ નાટક રચાયું છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈશૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ બાની, વિલક્ષણ નર્મશક્તિ, ગતિશીલ ઘટનાઓ વગેરેથી આ નાટક ગુજરાતી નાટ્યસાહિત્યનાં મહત્વનાં નાટકોમાં સ્થાન પામ્યું છે. ‘મેનાગુર્જરી’માં અભિનયક્ષમતા ‘શવિંલક’ કરતાં વધુ છે, જેમાં એમનો નાટ્યકાર તરીકેનો વિશેષ જોવા મળે છે.

એમની લેખનવૃત્તિમાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન વગેરેના અભ્યાસથી સંમાજિત રુચિને કારણે એમની દ્રષ્ટિ તુલનાત્મક રહી છે; ઉપરાંત સંકુલ કહી શકાય તેવી વિચારણા અને મુદ્દાસર ને વિશદ નિરૂપણ એમની વિવેચક તરીકે આગવી પ્રતિભા ઉપસાવે છે. ‘આનંદમીમાંસા’ (૧૯૬૩) એમમે મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાનાં ત્રણ વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. ભારતીય તત્વજ્ઞાનની પ્રમુખ ભૂમિકારૂપ ‘સત્, ચિત્ અને આનંદ’માંના આનંદતત્વ પર અહીં દાર્શનિક મીમાંસા થઈ છે અને એના કેન્દ્રમાં અભિનવગુપ્તની રસમીમાંસા તેમ જ તેમાંના ‘આનંદમય સંવિદ’ નો ખ્યાલ છે; ઉપરાંત પશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના ‘સૌંદર્ય’ના ખ્યાલનો પણ સમુચિત વિનિયોગ છે. પારિભાષિક ચોકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્વવિચાર ને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ આ ગ્રંથના મહત્વના ગુણો છે. ‘આકાશભાષિત’ (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર આપેલા રેડિયોવાર્તાલાપો છે. ‘સંસ્કૃત નાટક સાહિત્ય’ (૧૯૮૦)માં મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની સવિગત સમીક્ષા છે. ‘પુરોવચન અને વિવેચન’ (૧૯૬૫) એ એમનો પ્રત્યક્ષ વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘સરસ્વતીચંદ્રનો મહિમા-એની પાત્રસૃષ્ટિમાં’ (૧૯૭૬)માં એમનાં ૧૯૭૨માં અપાયેલાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે.

તત્વજ્ઞાન-ઇતિહાસના ઊંડા અભ્યાસને કારણે સાહિત્ય ઉપરાંત તત્વજ્ઞાન તેમ જ ઇતિહાસના ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા છે. ‘તત્વજિજ્ઞાસા’ (૧૯૪૧) ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના તત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય પ્રવચન છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં ‘ગુજરાતની રાજધાનીઓ’ (૧૯૫૮) અને ‘ઇતિહાસ-સ્વરૂપ અને પદ્ધતિ’ (૧૯૬૯) ઉલ્લેખનીય છે. વ્યાકરણ તેમ જ દર્શનશાસ્ત્રના કેટલાક ગ્રંથોના અનુવાદ-સંપાદન નિમિત્તે એમણે કરેલું સંશોધન-સંપાદનકાર્ય પણ મહત્વનું છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’નો અનુવાદ (૧૯૨૪), વૈદિક્સંહિતા અને બ્રાહ્મણગ્રંથોમાંથી કરેલુ સટિપ્પણ સંપાદન ‘વૈદિક પાઠાવલી’ (૧૯૨૭), ‘હેમચંદ્રનું કાવ્યાનુંશાસન’ (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત ‘તત્વોપપ્લવસિંહ’ (અન્ય સાથે, ૧૯૪૦), સિદ્ધિચંદ્રકૃત ‘કાવ્યપ્રકાશ ખંડન’ (૧૯૫૩), ભટ્ટ સોમેશ્વરનું ‘સંકેત’ સહિતનું ‘કાવ્યાદર્શ’ (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકોશ’- ભા.૧, ૨ (અન્ય સાથે, ૧૯૫૭, ૧૯૬૮) વગેરે એમનાં મહત્વનાં પ્રદાન છે. ‘ગુજરાતનો રાજ્કીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’- ગ્રંથ ૧ થી ૬ (અન્ય સાથે) એમનું અન્ય સંપાદન છે.

શર્વિલક (૧૯૫૭) ફેરફાર કરો

‘દરિદ્રચારુદત્ત’ અને ‘મૃચ્છકટિક’ને આધારે ઘડાયેલું આ પાંચ અંકનું નાટક અનુવાદ નથી તેમ રૂપાંતર પણ નથી; પરંતુ મૂળ સંસ્કૃત નાટકોમાં જે ગૌણકથા તરીકે શર્વિલકની સાહસકથા અને ક્રાંતિકથા આવે છે તેને અહીં સ્વતંત્ર નાટ્યસ્વરૂપ આપવામાં આવ્યું છે અને નાયક તરીકે શર્વિલકની સ્થાપના કરવામાં આવી છે. શર્વિલક રાજ્યપરિવર્તન માટે ષડયંત્ર રચે છે એ ષડયંત્રનો પ્રારંભ તેમ જ વિકાસ આ નાટકમાં જોઈ શકાય છે. સંસ્કૃતશૈલીને ચુસ્તપણે અનુસરતું આ, એક રીતે જોઈએ તો સ્વતંત્ર નાટક છે.

મેના ગુર્જરી (૧૯૭૭) ફેરફાર કરો

૧૯૩૦ ના ‘પ્રસ્થાન’- માર્ચના અંકમા ‘એક કથા : પાંચ દ્રશ્યો’ એવી ઓળખે છપાયેલી રસિકલાલ છો. પરીખની સાહિત્યિક નાટ્યરચનાનો આ નવો વિકસિત ઘાટ છે. ‘મેના ગુર્જરી’ નો લોકગરબો આ નાટકની મૂળ પ્રેરણા છે. સાસુની વારી છતાં કુતૂહલથી બાદશાહની છાવણી જોવા ગયેલી મેના કેદ થાય છે; ગુર્જરનો શૌર્યથી છૂટી પાછી ફરેલી મેના સાસુ-નણંદના મહેણાના તિરસ્કારથી અંતે મહાકાળીમાં ભળી જાય છે-એવા કથાનકના નિર્માણમાં લેખકે કાવ્ય, નાટક, પાત્ર અને સંવાદની નિર્મિતિમાં કૌશલ દાખવ્યું છે અને તળપદા લોકનાટ્યને ઉપસાવ્યું છે.

સન્માન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો