ભારતીય મહાકાવ્ય મહાભારત પ્રમાણે સહદેવ (સંસ્કૃત सहदेवः, શબ્દાર્થ : સહસ્ત્ર દેવતા), પાંડુ તથા માદ્રીનો પુત્ર અને પાંડવોમાં સૌથી નાનો ભાઈ હતો. સહદેવ તથા નકુળ જોડીયા ભાઈ હતા જે અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાત હતા. સહદેવ એક મહાન જ્યોતિષી પણ હતો.

જાવાનિઝ છાયા કઠપુતળી ખેલમાં સહદેવનું પાત્ર

શસ્ત્રવિદ્યામાં સહદેવ ખાસ કરીને તલવારબાજીમાં નિપૂણ હતો.[૧] સહદેવની ઓળખ ઋજુ સ્વભાવ વાળા, શરમાળ અને નીતિમાન તરીકેની ગણાય છે.[૨] અન્ય ભાઈઓની જેમ સહદેવને પણ દ્રૌપદીથી શ્રુતકર્મા નામનો એક પુત્ર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સહદેવે પોતાના મામા, મદ્રનરેશ દ્યુતિમાતની પુત્રી વિજયા સાથે પણ લગ્ન કર્યા હતા જેનાથી પણ તેમને સુહોત્ર નામનો પુત્ર હતો.[૩]

પાંડવોના ગુપ્તવાસ દરમ્યાન તેઓ વિરાટ રાજાના રાજ્યની ગૌશાળામાં ગૌપાલક તરીકે રહ્યો હતો. જુગટામાં હાર અને અપમાન સમયે તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે ગંધાર રાજા શકુનીની હત્યા કરશે. યુદ્ધના છેલ્લેથી બીજા દિવસે તેણે શકુનીનો વધ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.

મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે સહદેવ અને નકુળને મદ્રપ્રદેશના રાજાનું પદ આપ્યું હતું.[૪]

અંતકાળે પાંડવો જ્યારે અર્જુનના પૌત્ર પરિક્ષિતને રાજકાજ સોંપી હિમાલય પર હેમાળો ગળવા (હેમાળો ગળવો = હિમાલયમાં જઈ દેહત્યાગ કરવો[૫]), સદેહે સ્વર્ગે જવા, નીકળી પડ્યા ત્યારે દ્રોપદી પછી બીજા ક્રમે દેહત્યાગ કરનાર સહદેવ હતો. ભીમે આશ્ચર્યવત્‌ યુધિષ્ઠિરને પુછ્યું કે સહદેવ કેમ સદેહે સ્વર્ગનો ભાગી ન થયો ? ત્યારે યુધિષ્ઠિરે જણાવ્યું કે સહદેવને પોતાના ડહાપણનું અભિમાન હતું, તે માનતો હતો કે ડહાપણ બાબતે જગતમાં પોતાની તોલે આવે એવું કોઈ નથી.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. A. van Nooten, Barend. The Mahābhārata; attributed to Kṛṣṇa Dvaipāyana Vyāsa Volume 131 of Twayne's world authors series: India.
  2. "Mahabharata Text".
  3. "Mahabharata Text".
  4. "Mahabharata Text".
  5. ભગવદ્‌ગોમંડળ[હંમેશ માટે મૃત કડી]
  6. Mahabharata Text

બાહ્ય કડીઓ ફેરફાર કરો