અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે. ૐ અ+ઉ+મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. વર્તમાનમાં પ્રાપ્ય દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ૠગ્વેદમાં ૐનો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે. ઓમકારનો આકાર આગળથી ત્રગડા જેવો હોય છે અને ઉપરના ભાગે બિન્દુ હોય છે.

ॐ

ઓમકાર વિશે સંસ્કૃતના એક શ્લોકમાં જણાવ્યા અનુસાર:-

ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना:।
कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥

અર્થાત 'ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે. એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું. ' એવો અર્થ થાય છે.

અર્થ અને મહત્વ

ફેરફાર કરો

ગુજરાતમાં થઇ ગયેલા સંત યોગેશ્વરે પોતાના પુસ્તક સાધના[]માં ઓમકારનું રહસ્ય લેખમાં જણાવ્યું છે કે, ' ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ એકાંતમાં વાસ કરીને પોતાની જાતની શુદ્ધિ સાધી, અને પોતાના સ્વરૂપોનું અનુસંધાન કર્યું, ત્યારે એ અનવરત અનુસંધાનના ફળરૂપે એમને પોતાની અંદર રહેલા પરમાત્મતત્વનું દર્શન થયું. પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો, પોતાની શોધ એમણે कोङहम् થી શરૂ કરી હતી. એટલે કે હું કોણ છું ? મારૂં મૂળભૂત કે સત્ય સ્વરૂપ શું છે ? આ શરીરની અંદર કોઈ તત્વ કે ચેતના છે જે મારી સાથે સંકળાયેલી હોય ? એ એમના અન્વેષણનો આરંભ હતો. અને એની પૂર્ણાહુતિ થઈ. सोङहम् માં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મારૂપ છું. એ પરમાત્મા કેવા છે ? તો એમણે કહ્યું કે સત્યરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, મંગલ છે; સુંદરતાની મૂર્તિ છે, પ્રેમમય છે, સમસ્ત સંસારમાં વ્યાપક છે, સર્વજ્ઞ છે, તથા સર્વસમર્થ છે; માયાના અધીશ્વર ને મૃત્યુંજય છે, નિર્ભય છે, શોક તથા મોહથી રહિત છે, ને સર્વોત્તમ છે. એ પરમાત્મા મારું રૂપ છે અથવા હું જ છું. એટલે સમસ્ત ભારતીય સાધનાનો નિષ્કર્ષ અથવા તો ભારતીય તત્વજ્ઞાનનો આત્મા સોઙહ મ્ માં સમાઈ ગયો છે, અને ૐ એનું મિતાક્ષરી, સંક્ષિપ્ત રૂપ છે. સોઙહ મ્ માંથી આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કેવળ ૐ બાકી રહેશે. ૐની અંદર એવી રીતે ભારતના વૈદિક કાળના મહાપુરૂષોની સમસ્ત તાત્વિક વિચારધારા સમાયેલી છે, યુગોની અંતરંગ સાધના સાકાર બનેલી છે, અને જ્ઞાનદ્રષ્ટિ આવિર્ભાવ પામી છે. ૐ ના એક જ મંત્રમાં ભારતીય સાધનાનું હૃદય કેવું ધડકી રહ્યું છે, ભારતીય વિચારધારા કેટલી બધી પરિસીમાએ પહોંચી છે, તેની કલ્પના આટલા વિચારવિમર્શ પછી સહેજે આવી શકશે. ૐમંત્રને ભારતીય તત્વજ્ઞાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં કોઈ પણ પ્રકારની હરકત નથી, તેની પ્રતીતિ પણ આટલા પરથી સહેલાઈથી થઈ શકશે.'

વધુમાં તેમણે જણાવ્યું કે, 'આ સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી પ્રકટ થયેલી છે એટલે તેમાં બધી વસ્તુઓ ત્રિવિધ છે. પ્રકૃતિના ગુણ પણ ત્રણ છે : સત્વ, રજ અને તમ. ત્રણ લોક : ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. ત્રણ અવસ્થાઓ : જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણ રૂપ : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણ જાતનાં શરીર : સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો : વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત. એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે, તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ - ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે, અને ઓમકારમાં જે બિંદુ છે તે સૃષ્ટિના સ્વામી, સર્વસત્તાધીશ કે સૂત્રધાર પરમાત્માનું વાચક છે. અવસ્થા, લોક, કાળ કે ગુણધર્મોથી અતીત અવસ્થાનો અથવા તો પરમાત્માનો તે નિર્દેશ કરે છે. '[]

વિવિધ ભાષાઓમાં ૐ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. સાધના, લે.યોગેશ્વર, પ્રકાશક:-પોતે, પ્રાપ્ય સ્થાન: સ્વર્ગારોહણ અંબાજી, ગુજરાત, ભારત.
  2. ઓમકારનું મહત્વ, યોગેશ્વર, સ્વર્ગારોહણ.ઓઆરજી પર લેખ, પ્રાપ્ય:૨૨ જૂન ૨૦૧૬