ગોળમેજી પરિષદ

અંગ્રેજ સરકાર દ્વારા સંવૈધાનિક સુધારાઓ પર ચર્ચા કરવા માટે ૧૯૩૦–૩૨ દરમિયાન આયોજીત સંમેલનોની એક

ગોળમેજી પરિષદ એ અંગ્રેજ સરકાર દ્વારા સંવૈધાનિક સુધારાઓ પર ચર્ચા કરવા માટે ૧૯૩૦–૩૨ દરમિયાન આયોજીત સંમેલનોની એક શૃંખલા હતી. મે ૧૯૩૦માં સાઇમન કમિશન દ્વારા પ્રસ્તુત અહેવાલ તથા તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવીન અને બ્રિટીશ પ્રધાનમંત્રી રામસે મેકનોડાલ્ડને મહમદ અલી ઝીણાએ કરેલી ભલામણોને આધારે[][] નવેમ્બર ૧૯૩૦થી ડિસેમ્બર ૧૯૩૨ના ગાળામાં બ્રિટીશ સરકાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે ત્રણ ગોળમેજી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહમદ અલી ઝીણા, મહાત્મા ગાંધી, તેજ બહાદુર સપ્રૂ, વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી, સર મહમદ ઝફરઉલ્લા ખાન અને મીરાંબહેન પ્રમુખ ભારતીય પ્રતિનિધિ હતા. ૧૯૩૦ના દશક સુધી કેટલાક બ્રિટીશ રાજનેતાઓનું માનવું હતું કે ભારતની સ્વાયત્તતાની સ્થિતિ વધારવાની જરૂર છે પરંતુ ભારતમાં પૂર્ણ સ્વરાજની માંગ બળવતર બની રહી હતી. ભારતીય અને બ્રિટીશ રાજનૈતિક દળો વચ્ચે વૈચારિક મતભેદોનું આ પરિષદો દરમિયાન સમાધાન થઈ શક્યું નહી.

પ્રથમ ગોળમેજી પરિષદ (૧૨ નવેમ્બર ૧૯૩૦ - ૧૩ જાન્યુઆરી ૧૯૩૧)

ફેરફાર કરો

ગોળમેજી પરિષદનું અધિકારીક ઉદ્‌ઘાટન ૧૨ નવેમ્બર ૧૯૩૦ના રોજ લંડન ખાતે હાઉસ ઓફ લોર્ડ્સની રોયલ ગેલેરીમાં મહામહિમ જ્યોર્જ પંચમ દ્વારા કરવામાં આવ્યું.[] પરિષદની અધ્યક્ષતા બ્રિટીશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડ દ્વારા કરવામાં આવી. આ બેઠકમાં ત્રણ બ્રિટીશ રાજનૈતિક દળોના સોળ પ્રતિનિધિઓએ ભાગ લીધો. બ્રિટીશ ભારત તરફથી ૪૭ રાજનૈતિક નેતાઓ અને દેશી રજવાડાઓના ૧૬ પ્રતિનિધિઓ સામેલ થયાં. સવિનય કાનૂનભંગની ચળવળના કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ નેતાઓ જેલમાં હતા.[] પરિણામે કોંગ્રેસ તથા અન્ય વ્યાપારી પ્રતિનિધિમંડળોની ગેરહાજરીને કારણે પરિષદ નિષ્ફળ રહી.

જાન્યુઆરી ૧૯૩૧માં ગાંધીજીની જેલમુક્તિ બાદ વાઇસરોય સાથેની બેઠકોમાં ગાંધી–ઇરવીન સમજૂતી પર સહમતી બની. સમજૂતીની શરતો અનુસાર સવિનય કાનૂનભંગની ચળવળને પાછી ખેંચવી, બધા જ રાજનૈતિક કેદીઓને મુક્ત કરવા તથા તટીય ક્ષેત્રોમાં મીઠાના ઉત્પાદનની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. ચરમપંથી રાષ્ટ્રવાદીઓએ આ સમજુતિની આલોચના કરી કારણ કે ગાંધીજી વાઇસરોય પાસેથી ભારતની રાજનૈતિક સ્વાયત્તતા મેળવવાનું આશ્વાસન મેળવી શક્યા નહોતા.

બ્રિટીશ પ્રતિનિધિ

  • લેબર પાર્ટી — રામસે મેકડોનાલ્ડ, લોર્ડ સેન્કી, વિલિયમ બહેન, આર્થર હેન્ડરસન, વિલિયમ જોવિટ, હેસ્ટીંગ્ઝ લીઝ-સ્મીથ, ફ્રેન્ક રસેલ.
  • કન્ઝર્વેટીવ પાર્ટી — વિલિયમ પીલ, લોરેન્સ, સેમ્યુઅલ હોરે, ઓલિવર સ્ટેન્લી.
  • લિબરલ — રુફુઝ આઇઝેક, ફિલિપ કેર, રોબર્ટ હેમિલ્ટન, આઇઝેક ફૂટ.

ભારતીય પ્રતિનિધિ

  • મુસ્લિમ લીગ — આગાખાન, મૌલાના મોહમદ અલી જૌહર, મોહમદ શફી, મહમદ અલી ઝીણા, સર મહમદ ઝફરઉલ્લા ખાન, એ. કે. ફઝલુલ હક, હફીઝ ગુલામ હુસેન હિદાયત ઉલ્લા, ડૉ. શફાખત અહેમદ ખાન []
  • હિંદુ મહાસભા— બી. એસ. મુંજે અને એમ. આર. જયકર
  • ઉદારવાદી — તેજ બહાદુર સપ્રૂ, સી. વાય. ચિંતામણી અને શ્રીનિવાસ શાસ્ત્રી
  • શીખ — સરદાર ઉજ્વલસિંઘ
  • ઈસાઈ — એ. ટી. પન્નીરસેલ્વમ
  • દલિત વર્ગ — ડૉ. બાબાસાહેબ આંબેડકર
  • પારસી — ફિરોજ શેઠના, કોવાસ્જી જહાંગીર, હોમી મોદી
  • મહિલા — બેગમ જહાંઆરા શાહનવાજ, રાધાબાઇ સુબ્બારયન

દેશી રજવાડાં

  • અકબર હૈદરી (હૈદરાબાદના દીવાન), સર મિર્ઝા ઇસ્માઇલ (મૈસૂરના દીવાન), ગ્વાલિયરથી કૈલાસ નારાયણ હક્સર, પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય, જમ્મુ–કશ્મીરના મહારાજા હરિસિંહ, બિકાનેરના મહારાજા ગંગાસિંહ, ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન,નવાનગરના કે. એસ. રણજીતસિંહજી, અલવરના મહારાજા જય સિંહ પ્રભાકર, ઇન્દોર, સાંગલી, સરિલા, કોરિયા, ધોલપુર, રિવાના શાસક.

બીજી ગોળમેજી પરિષદ (૭ સપ્ટેમ્બર - ૧ ડિસેમ્બર ૧૯૩૧)

ફેરફાર કરો
 
બીજી ગોળમેજી પરિષદ (૭ સપ્ટેમ્બર ૧૯૩૧)

કોંગ્રેસની ગેરહાજરીને કારણે પ્રથમ પરિષદ નિષ્ફળ જતાં તેજબહાદુર સપ્રૂ, એમ. આર. જયકર, વી. એસ. શ્રીનિવાસે લંડન ખાતેની બીજી પરિષદમાં હાજર રહેવા કોંગ્રેસને અનુરોધ કર્યો. બીજી પરિષદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્ત્વ ગાંધીજીએ સંભાળ્યું. ગાંધીજીનું કહેવું હતું કે તેમનો પક્ષ (કોંગ્રેસ) સમગ્ર ભારતનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેમના આ દાવાને મુસ્લીમ લીગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને દેશી રાજ્યોએ ફગાવી દીધો. મુસ્લીમ લીગે જણાવ્યું કે તે મુસ્લીમ અલ્પસંખ્યકો માટે કામ કરે છે. આંબેડકરનું માનવું હતું કે ગાંધીજી અને કોંગ્રેસ પછાત અને નીચલી જાતિઓનું પ્રતિનિધિત્ત્વ નથી કરતા. રાજા–રજવાડાઓનો દાવો હતો કે તેમના ભૂભાગ પર કોંગ્રેસનો કોઇ અધિકાર નથી. લંડનમાં આયોજીત આ પરિષદ કોઇ પણ સ્પષ્ટ નિર્ણય સુધી ન પહોંચી શકી અને ગાંધીજીએ ખાલી હાથે ભારત પાછા ફરવું પડ્યું.

ત્રીજી ગોળમેજી પરિષદ (૧૭ નવેમ્બર - ૨૪ ડિસેમ્બર ૧૯૩૨)

ફેરફાર કરો

ત્રીજી અને અંતિમ પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨ના રોજ યોજાઈ. ભારતની મહત્ત્વની રાજકીય હસ્તીઓની ગેરહાજરીમાં ફક્ત ૪૬ પ્રતિનિધિઓએ ભાગ લીધો. બ્રિટનની લેબર પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. સપ્ટેમ્બર ૧૯૩૧ થી માર્ચ ૧૯૩૩ સુધી, ભારતના રાજ્યમંત્રી સેમ્યુઅલ હોરેની દેખરેખ હેઠળ પ્રસ્તાવિત સુધારાઓએ ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫નું સ્વરૂપ લીધું.

  • દેશી રજવાડાં : અકબર હૈદરી (હૈદરાબાદના દીવાન), સર મિર્ઝા ઇસ્માઇલ (મૈસૂરના દીવાન), વી. ટી. ક્રિષ્ણામાચારી (વડોદરાના દીવાન), વજાહતુલ્લા હુસૈન (જમ્મુ કશ્મીર), સર સુખદેવ પ્રસાદ (ઉદયપુર, જયપુર, જોધપુર), જે. એ. સુર્વે (કોલ્હાપુર), રાજા અવધ નારાયણ બિસર્યા (ભોપાલ), મનુભાઇ મહેતા (બિકાનેર), નવાબ લિયાકત હયાત ખાન (પટિયાલા), ફતેહ નસીબ ખાન (અલવર), એલ. એફ. રુશબ્રુક વિલિયમ્સ (નવાનગર), સરિલા રાજ્યના રાજા.
  • બ્રિટીશ ભારતીય પ્રતિનિધિ : આગાખાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર, રામાક્રિષ્ના રંગારાવ (બોબીલી), સર હર્બટ કાર (યુરોપીયન), નાનકચંદ પંડિત, એ. એચ. ઘુઝાનવી, હેનરી ગિડ્ને (આંગ્લ-ભારતીય), હફીઝ હિદાયત હુસેન, મોહમદ ઇકબાલ, એમ. આર. જયકર, કોવાસ્જી જહાંગીર, એન. એમ. જોશી, નરસિંહા સી. કેલકર, બેગમ જહાંઆરા શાહનવાજહુસેન, એ. પી. પાત્રો, તેજ બહાદુર સપ્રૂ, ડૉ. શફાત અહેમદ ખાન, તારાસિંઘ મલ્હોત્રા, સર નૃપેન્દ્રનાથ સરકાર, પુરુષોત્તમ ઠાકુરદાસ, સર મહમદ ઝફરઉલ્લા ખાન.[]
  1. ૧.૦ ૧.૧ Wolpert, Stanley (2013). Jinnah of Pakistan (15 આવૃત્તિ). Karachi, Pakistan: University Press. પૃષ્ઠ 107. ISBN 978-0-19-577389-7.
  2. Wolpert, Stanley (2012). Shameful Flight (1st આવૃત્તિ). Karachi, Pakistan: Oxford University Press. પૃષ્ઠ 5. ISBN 978-0-19-906606-3.
  3. Indian Round Table Conference Proceedings. Government of India. 1931.
  4. Prof M. Ikram, Rabbani. Pakistan studies (2nd આવૃત્તિ). Lahore, Pakistan: Caravan Book house. પૃષ્ઠ 100–101.
  5. "ROUND TABLE CONFERENCE (DELEGATES). (Hansard, 31 October 1932)". મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 જાન્યુઆરી 2020.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો