ઘોડો નહિ વાગોળનારાં પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશું છે. તે તુરગ; હય, અશ્વ, તોખાર; વાજી; વીતિ અર્વા વગેરે નામો થી પણ ઓળખાય છે. ઘોડાને પગે ફાટ નથી હોતી. તેને ખરી નહિ પણ ડાબલા જેવો આખો નખ હોય છે. સિંહની માફક એની ગરદન ઉપર વાળ હોય છે, જેને કેશવાળી કહેવાય છે. આ પ્રાણી સવારી કરવામાં અને ગાડીએ તથા હળે જોડવાના કામમાં આવે છે. બધાં પ્રાણીઓમાં ઘોડો ખરેખરો નર ગણાય છે. કારણકે તેને એકલાને જ સ્ત્રીચિહ્ન એટલે સ્તન હોતાં નથી. બધાં જાનવરોમાં સુંદર બાંધો અને દેખાવપણાનો ગુણ ઘોડામાં જ જોવામાં આવે છે. તે રંગે ધોળો, કાળો, રાતો, પીળો અથવા મિશ્ર રંગનો હોય છે. તેના અવાજને ખોંખારવું કે હણહણવું કહે છે. સ્વભાવે તે ગરીબ, હુકમ ઉઠાવનાર અને વફાદાર પ્રાણી છે. ખડ અને ધાન્ય તેનો ખોરાક છે. ઘોડી ગર્ભાધાનથી ૧૧ મહિને અથવા તો ૩૪૫ દિવસે એક બચ્ચાંને જન્મ આપે છે. ઘોડાની આયુમર્યાદા ૨૭ વર્ષની મનાય છે.

ઘોડાનો પોલો જેવી રમતોમાં ઉપયોગ થાય છે.

માન્યતા

ફેરફાર કરો

એમ કહેવાય છે કે ઘોડા પાસે શેતાન આવી શકતો નથી માઠા બનાવની ૪૦ દિવસ અગાઉ તેને ખબર પડે છે. જે ઘરમાં ઘોડો હોય ત્યાંથી બલા તથા દુ:ખ દૂર થઈ ઘ઼ણી આઝાદી ભોગવવાનું મનાય છે.

ઘોડાની નાળ કે જે ઘોડાના ડાબલા પર ઘસાઇ હોય તેને ઘર ના મુખ્ય દ્વાર પર રાખવાથી મેલી વસ્તુ ઘરમાં પ્રવેશી શકે નહિ.

ઘોડા માટે એક કહેવત પણ છે: "ઘોડા તુજ મેં તીન ગુણ, અવગુણ પણ ભરપુર.
છેટેથી ભેળા કરે, (પાછા) લઈ જાય દુરમ દુર."

ઘોડાની વિવિધ પ્રણાલી પ્રમાણે જાતો નક્કી કરવામાં આવે છે. જેમકે,

રંગ અને ગુણ

ફેરફાર કરો

રંગ અને ગુણ ઉપરથી ઘોડાની ચાર મુખ્ય જાતો માનેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
બ્રાહ્મણ: આ ઘોડાના શરીરની વાસ ફળ અથવા દૂધ જેવી હોય. તે સ્વભાવે ગરીબ અને દયાળુ હોય. પાણીમાં મોઢું ડૂબાડી પાણી પીએ. તેને ઘેર રાખ્યાથી ધનવૃદ્ધિ થાય.
ક્ષત્રિય: તેના શરીરની વાસ બકરા કે અગરૂ જેવી હોય. તે ચંચળ અને બળવાન હોય છે. પાણી પીતાં હોઠ બીડી ખરી ઠોક્યા કરે છે. તે લડાઈ માટે પસંદ થાય છે.
વૈશ્ય: તેના શરીરની વાસ ઘી જેવી હોય છે. પાણી પીતાં તે નાકને પાણીમાં ડૂબાડે.
શૂદ્ર: તેના શરીરની વાસ માછલી જેવી હોય. પાણી પીતાં તે પાણીને નાક અડાડતો નથી. સ્વભાવે તે ગુસ્સાબાજ અને બોજો ઉપાડવાના કામનો છે.

ઊંચાઈ પ્રમાણે ઘોડા સાત જાતના છે: સાઠ આંગળ ઊંચો સાધુ, ચોસઠ આંગળ શ્રીવત્સ, અટસઠ આંગળ અહિલાદ, બોતેર આંગળ મનોહારી, છોતેર આંગળ વિજય, એંશી આંગળ વૈભવ અને ચોરાશી આંગલ ઊંચો ઘોડો શાન્ત કહેવાય છે.

આ જાતોને કુલ ૫૧ પેટા જાતોમાં વિભાજીત કરવામાં આવેલી છે, જે નીચે મુજબ છે.

ઘોડો ખરીદતી વખતે તેના ગુણદોષ તેના રંગ ઉપરથી પારખવામાં આવે છે. ખજૂરના જેવા રંગવાળો, અબલકી, જેનો આગલો અર્ધો ભાગ હરતાલના જેવા રંગનો પીળો હોય, જેનું માથું, કાન, ચારે પગ લાલ અને છાતી સફેદ હોય, જેના જમણો કાન લાલ અથવા કાળો હોય તે સારો ઘોડો ગણાય છે. ચક્રવાક, મલ્લિકાક્ષ, શ્યામકર્ણ, પંચકલ્યાણી અને અષ્ટમંગળ એ શુભ લક્ષણવાળા ઘોડા છે. ચક્રવાકનું શરીર પીળું અને પગ ધોળા મલ્લિકાક્ષનું શરીર જાંબુઆ રંગનું અને પગ ધોળા, શ્યામકર્ણનું શરીર ધોળું અને બીજા રંગ મિશ્રિત, પંચકલ્યાણીનું મોં અને પગ ધોળા તથા અષ્ટમંગળનાં મોં, કપાળ, પૂછડું, પગ અને છાતી સફેદ હોય છે. જુદા જુદા દેશમાં ઉત્પત્તિ મુજબ પણ ઘોડાને નામ અપાય છે: જેમકે, સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબૂલી દક્ષિણી, પહાડી, પેગુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે. સિંધી ઘાડનું નાક બકરા જેવું ઊંચું હઈ તેની ચાલ રેતીમાં ચાલવા જેવી છે. કાઠિયાવાડી ઘોડો તીખો, શરીરે પાતળો અને દેખાવડો હોય છે. ઘોડાની સંખ્યાબંધ જાત છે: ફૂલમાળિયો, માણેક, બોરિયો, તાજણિયો, કેસરી, રેડિયો, માલિયો, બોદલિયો, લખિયો, કેશિયો, શિંગાળિયો, બાદરિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગડિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણી, પરૈયો, પોપટ, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, ઘૂમટી, કાલડી, કાગડિયો, પંખાળિયો, હસળિયો, મણિયો, આખાડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિઓ વગેરે. આ પ્રાણી મનુષ્યને જીવતાં જેમ ઉપયોગી છે તેમ મુઆ પછી તેની લાશમાંથી પણ ઉપયોગી ચીજો બને છે. પગનાં હાડકાંમાંથી છરીકાંટાના હાથા, પૂછડીના વાળનું કપડું, પાંસળી અને ગરદનને બાળીને તેનાં હાડકાંનો કોલસો અને ચામડામાંથી શિકારી બૂટ બને છે. તેની ખરી સાફ કરી તેમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલી કઠણ ચીજનાં લિખિયાં અને દાંતખોતરણી બને છે.

સ્ત્રોત

ફેરફાર કરો