ડાહ્યાભાઇ દેરાસરી
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (ઉપનામ: બુલબુલ) (૧૧ ઓક્ટોબર ૧૮૫૭ - ૧૪ માર્ચ ૧૯૩૮) ગુજરાતી સાહિત્યકાર, શિક્ષક અને ભૂસ્તરશાસ્ત્રી હતા.
તેમનો જન્મ સુરતમાં થયો હતો. ૧૮૮૭માં પૂનાની કૉલેજ ઑવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ-ગમન. ત્યાં બાર એટ લૉની ઉપાધિ પણ મેળવી. અમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો. રૉયલ એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય. રાજકોટની લૅન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી.
સર્જન
ફેરફાર કરોપંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસ્કાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભોગ્ય રચનાઓ ઉતારનારા આ કવિનાં ‘ચેમલી’ અને ‘બુલબુલ’ (૧૮૮૩) મહત્વનાં સળંગ કાવ્યો છે. ‘ચમેલી’ પંદર ખંડોમાં વિભક્ત સળંગ હરિગીતમાં ત્રણસો પંક્તિનું કાવ્ય છે; તો ‘બુલબુલ’ માં હરિગીત સાથે દોહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચારસો પંક્તિમાં રચાયું છે. એક જ છંદમા વિસ્તારથી લખાયેલાં આ કાવ્યોમાં શિષ્ટ શૃંગારનું નિરૂપણ છે. એકના એક ભાવોની પુનરાવૃત્તિથી ક્યાંક એકતાનતા આવી જતી હોવા છતાં વિષય અને રજૂઆતમાં આ રચનાઓ લાક્ષણિક બની છે. ‘હરિધર્મશતક’ (૧૮૮૪) ની બસો પંક્તિઓમાં, ધર્મગ્રંર્થોનાં અનિષ્ટ તત્વોનો ઉપહાસ કર્યો છે. ‘અમારાં આંસુ’ (૧૮૮૪) અને ‘મધુભૂત’ પણ એમનાં કાવ્યો છે.
‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧) એ એમનું સુપ્રતિષ્ઠ વિવેચન છે. એમાં ૧૮૫૦ થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાનો પહેલો પ્રયત્ન છે. ‘કાન્હદેપ્રબંધ’ નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એનો સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૪ ? ૧૯૩૪ ? ૧૯૩૬ ?) નોંધપાત્ર છે.
મરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ’ (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજ્યોર્જ’ (૧૯૩૦) જેવા અનુવાદગ્રંથો પણ એમના નામે છે.
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) : ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ લખેલા આ ગ્રંથમાં, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન થયું છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું આ પહેલું ગુજરાતી પુસ્તક છે. સાઠ વર્ષનો ગાળો ટૂંકો હોવાથી પ્રગટ થયેલા સાહિત્ય વિશે અભિપ્રાય વ્યક્ત કરવા લેખકે એકલાનો અભિપ્રાય ન લેતાં, જે તે પુસ્તકોને માટે અન્ય દ્વારા શું કહેવાયું છે અને કેવી એની કિંમત અંકાયેલી છે તે જણાવવાની કાળજી રાખી છે. પહેલા ખંડનાં પાંચ પ્રકરણોમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત, અમદાવાદમાં સાહિત્યને અંગે ચળવળ, તે સમયના અમદાવાદ, મુંબઈ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો વગેરેની ચર્ચા છે; અને એ રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવી છે. બીજા ખંડનાં દશ પ્રકરણોમાં સાઠીનું વાઙમય તપાસ્યું છે; એમાં વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોનાં અવલોકનો અને છેવટે સામયિક પત્રો અને છાપખાનાંની માહિતી આપ્યાં છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં પ્રકાશનોની મુલવણીનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં ડાહ્યાભાઇ દેરાસરી.
- ડાહ્યાભાઇ દેરાસરી - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |