વેદોથી પ્રારંભ કરીને સાંપ્રદાયિક ગ્રંથો સુધીની પરંપરાને ‘નિગમ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પરંપરા પણ છે. તેને ‘આગમ’ પરંપરા કહે છે. આગમના બે ભાગ છે. દક્ષિણાગમ (સમયમત) અને વામાગમ (કૌલમત) સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે. દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ, તેમના મંત્રો અને મંત્રોના ઉદ્ગાર, ધ્યાન, પૂજાવિધિ વગેરેનું વિવેચન આગમગ્રંથોમાં થાય છે.