નિકલ એક રાસાયણીક તત્વ છે જેની રાસાયણીક સંજ્ઞા Ni અને અણુ ક્રમાંક ૨૮ છે. આ એક ચાંદી જેવી ચળકતી સફેદ ધાતુ છે જેમાં હલકી સોનેરી ઝાંય હોય છે. આ ધાતુ સખત અને પ્રસરણશીલ હોય છે. શુદ્ધ નિકલ રાસયણીક દ્રષ્ટીએ સક્રિય ધતુ છે. જોકે આ ધાતુના મોટા ટુકડાઓ સામાન્ય વાતાવરણમાં તેની સપાટી પર જામી જતા ઑક્સાઈડના થર ને હવા વગેરેની રાસાયણીક પ્રક્રિયાને કારણે સલામત રહે છે. ઓક્સિજન સાથે નિકલની સક્રિયતાનું પ્રમાણ નહીવત હોય છે કેમકે પૃથ્વીની સપાટી પર નિકલ અલ્પ માત્રામાં ઉપલબ્ધ છે. પૃથ્વીના અંતરાળમાં તે મોટા નિકલ લોહ મેટિઓરાઈટમાં અસ્તિત્વ ધરાવે છે, જે હવા વગેરે દ્વારા થતાં ઓક્સિડેશનથી સુરક્ષિત હોય છે. આવા નિકલને નેટીવ નિકલ કહે છે. તે પ્રાયઃ ખનિજમાં લોખંડ સાથે મળે છે. લોખંડ સાથે આ ધાતુની ઉત્પતિ પણ સુપરનોવાના ન્યુક્લિઓસિંથેસિસની અંતિમ પેદાશ માનવામાં આવે છે. પૃથ્વીનો કેન્દ્ર ભાગ કે ગર્ભ લોહ-નિકલનો બનેલો હોવાનું મનાય છે.

નિકલનો ઉપયોગ (પ્રાકૃતિક નિકલ -લોહ ખનિજમાંથી) ઈ.પૂ. ૩૫૦૦ સુધી થતો હોવાના પુરાવા મળ્યા છે. ૧૭૫૧માં એક્સેલ ફ્રેડરિક ક્રોન્સટેન્ડ દ્વારા સૌપ્રથમ વખત એક રાસાયણિક તત્વ તરીકે નિકલને અલાયદું પાડવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકે આ ખનિજને તાંબાની ખનિજ સમજી લીધી હતી. આની સૌથી મહત્ત્વની ખનિજ લેટેરાઈટ છે તે સિવાય લિમોનાઈટ, ગાર્નિરાઈટ અને પેન્ટલેંડાઈટ પણ આની ખનિજો છે. આના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રો છે કેનેડાનું સડબરી ક્ષેત્ર અને રશિયાના નોરીલ્સ્ક અને ન્યુ કોલેડોનીયા.

ઓરડાના સામાન્ય તાપમાને નિકલનું ઓક્સિડેશન ખૂબ ધીમી ગતિએ થાય છે જેને કારણે તેને કાટ રોધક સમજાય છે. આવા ગુણ ધર્મને પરિણામે નિકલનો ઉપયોગ લોખંડ અને પિત્તળ જેવી વસ્તુઓ પર ઢોળ ચઢાવવા અને રાસાયણીક પ્રક્રિયાના ઉપકરણો બનાવવા અને ચળકાટ ધરાવતી મિશ્ર ધાતુઓ જેવીકે જર્મન સીલ્વર વગેરે બનાવવા માટે થાય છે. વિશ્વનો ૬% નિકલનો ઉપયોગ કાટ રોધક નિકલનો ઢોળ ચઢાવવા માટે થાય છે. એક સમયે નિકલ સિક્કાઓ બનાવવા વપરાતું પણ હાલમાં લોખંડનો ઉપયોગ થાય છે કેમકે અમુક લોકોની ચામડી નિકલ પ્રત્યે સંવેદનશીલ હોવાનું જણાયું છે.

નિકલ એ ચાર તત્વોમાંનો એક છે જે ઓરડાના ઉષ્ણતામાને લોહચુંબકીય ગુણધર્મો ધરાવે છે. આંશિક ભાગે નિકલ પર આધારિત એલનિકો કાયમી ચુંબક લોખંડ આધારિત ચુંબક અને દુર્લભ-મૃદા ચુંબક વચ્ચેના સ્તરનું બળ ધરાવે છે.

આધુનિક યુગમાં નિકલ તેના વડે બનતી મિશ્રધાતુના કારણે મહત્વનું છે. વિશ્વનો ૬૦% નિકલનો ઉપયોગ નિકલ પોલાદ ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાટે થાય છે. ઉત્પાદિત નિકલનો અન્ય ભાગ અન્ય સામાન્ય મિશ્રધાતુઓ અને અમુક નવા સુપર એલોય કે શ્રેષ્ઠ મિશ્રધાતુઓ બનાવવા માટે થાય છે. ૩% નિકલનો ઉપયોગ રાસાયણીક પદાર્થ બનાવવામાટે થાય છે.[]

નિકલના સંયોજનોના ઘણા ઔદ્યોગિક ઉપયોગ છે જેમકે રેની નિકલ હાયડ્રોજીનેશન માટે. અમુક જીવાણુઓ અને વનસ્પતિની કોષીકાઓના સક્રીય કેંદ્રમાં નિકલ હોય છે. આમ નિકલ તેમની માટે આવશ્યક તત્વ બની જાય છે.

  1. Derek G. E. Kerfoot. Nickel. doi:10.1002/14356007.a17_157.