નિરંજન વર્મા

ગુજરાતી લેખક

વર્મા નિરંજન માવલસિંહ, ‘અશ્વિનીકુમાર’, ‘જયવિજય’ (૧૯૧૭-૧૯૫૧) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા (જિ. જામનગર)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ માસનો જેલવાસ. જયમલ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી. આંધ્રના મદનપલ્લી ગામે અવસાન.

પોતાનું સઘળું લેખનકાર્ય જયમલ પરમાર સાથે કરનાર આ લેખકે આઝાદી અને રાષ્ટ્રધર્મ સંબંધી વિષયવસ્તુ ધરાવતી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) નામની નવલકથાઓ આપી છે. કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનની લોકકથાઓ ઉપરાંત ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુ રાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’ અને ‘ફૂલવંતી’ જેવી બાળવાર્તાઓ ધરાવતી ‘લોકકથા ગ્રંથાવલિ’ : ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૬) પણ એમણે આપી છે. ‘આંગણાના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણા’ અને ‘પ્રેમી પંખીડા’ નામની પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)ની પુસ્તિકાઓ તથા ‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહનવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષ સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૪૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ એમના નામે છે. ‘સાંબેલાં’ (૧૯૪૨), ‘અમથી ડોશીની અવળવાણી’ (૧૯૪૬) નામનાં વ્યંગચિત્રો તેમ જ ‘ગગનને ગોખે’ (૧૯૪૪), ‘આકાશપોથી’ (૧૯૫૦) વગેરે વિજ્ઞાન-પુસ્તકો એમણે લખ્યાં છે. આ ઉપરાંત, ‘સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) એમનું અનુવાદપુસ્તક છે. (-રમેશ ર. દવે)

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય