પરાશર સરોવર (હિમાચલ પ્રદેશ)
પરાશર સરોવર (હિન્દી:पराशर झील; અંગ્રેજી:Prashar Lake) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું કુદરતી સરોવર છે. આ સરોવર નજીક પરાશર મુનિની યાદમાં ત્રણ મજલી પેગોડા શૈલીનું મંદિર આવેલું છે, જેનું નિર્માણ ૧૪મી સદીમાં મંડી રિયાસતના રાજા બાણસેને કરાવ્યું હતું[૧]. આ સરોવર ચંડીગઢ-મનાલી ધોરીમાર્ગ પર આવેલા મંડી થી ઉત્તર દિશામાં આશરે ૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. મંડીથી અહીં પહોંચવા માટે ખાનગી વાહનો બે કલાકથી વધુ સમય લે છે. મંડી ૨, ૬૬૦ ફૂટ (૮૦૦ મીટર) ઊંચાઈ પર આવેલું છે, જ્યારે આ પરાશર સરોવર ૯, ૧૦૦ ફૂટ (૨, ૭૩૦ મીટર) ની ઉંચાઈ પર સ્થિત છે. આ દુર્ગમ ભૂપ્રદેશ કારણે વધુ લોકો અહીંની મુલાકાતે આવતા નથી. અહીં સમગ્ર વર્ષ દરમિયાન આવી શકાય છે.
આ સરોવરમાં એક જમીનનો ટુકડો તરતો રહે છે, જેને સ્થાનિક ભાષામાં ટાહલા કહેવાય છે.
પિરામિડ પેગોડા શૈલીના મંદિરો પૈકીનું અહીંનું મંદિર લાકડાના બનેલ એક આકર્ષક ઉદાહરણ છે. પથ્થરો અને લાકડાની કડીઓની મદદથી અનન્ય અને અમૂલ્ય કલાકારી કરી પરંપરાગત શૈલીમાં આ મંદિરની દિવાલો બનાવવામાં આવેલ છે. મંદિરની બહારની બાજુ પર તેમ જ સ્તંભો પર કરાયેલા કોતરકામ પણ આકર્ષક છે. આ કોતરકામમાં દેવતાઓ, સાપ, વૃક્ષો, છોડ, ફૂલો, વેલો-પાન, માટીકામ અને પક્ષીઓના પ્રાદેશિક કસબ વડે બનાવાયેલાં ચિત્રો છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Temples in the Clouds", film by Jim Mallinson and Chicco Patuzzi, 2008, http://www.filmsouthasia.org/archive/details.php?id=1016[હંમેશ માટે મૃત કડી]