પુત્રંજીવા અથવા પુત્રજીવક એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક વૃક્ષ છે.

પુત્રંજીવાનું વૃક્ષ

મધ્યમ કદ ધરાવતું આ ઝાડ અનૂકુળ પરિસ્થિતિઓમાં આશરે ૨૫ મીટર સુધી મહત્તમ ઊંચાઇ સુધી પહોંચે છે. મુખ્ય થડ સીધું, ટટ્ટાર તેમ જ અનેક શાખાઓ અને ઉપશાખાઓ ધરાવતું હોય છે. ઉપશાખાઓ નીચે તરફ લટકતી હોય છે, આથી આ આકર્ષક દેખાવ અને ગાઢ છાંયડો ધારણ કરે છે. તેનાં પાન ચળકતાં, ઘેરા લીલા રંગનાં હોય છે. તેનું ફળ અપકવ હોય ત્યારે લીલા, કઠણ અને અંડાકારનું તેમ જ પરિપકવ અવસ્થામાં આછા પીળા-સફેદ રંગનું અને નરમ માવાવાળું હોય છે. અંદરનું બીજ દેખાવમાં બોરના ઠળિયા જેવું અને સખત હોય છે.

ભારતનું મૂળ વતની ગણાતું આ ઝાડ હિમાલયની તળેટીથી લઈને દક્ષિણ ભારત સુધી લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળે છે, પણ તે છુટાછવાયા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત સદાહરિત (બારેમાસ લીલુંછમ રહેતું), ઘટાદાર તથા આકર્ષક દેખાવ ધરાવતું હોવાને લીધે ઉદ્યાનોમાં પણ ઉગાડવામાં આવે છે.

આયુર્વેદમાં આ વૃક્ષનાં અંગોનો (છાલ, પર્ણ, ફૂલ વગેરેનો) ઉપયોગ પરંપરાગત રીતે પુત્ર જીવે તે માટે કરવામાં આવે છે, આથી પુત્રંજીવાનું બોટોનિકલ નામ પણ સંસ્કૃત નામ પુત્રંજીવા અને તેના પર સંશોધન કરનાર વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્ષબર્ગ (સુપ્રીટેંન્ડંટ, રોયલ બોટનિકલ ગાર્ડન, કલકતા, જે વર્તમાન સમયમાં આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન તરીકે ઓળખાય છે.) ના નામ પરથી Putranjiva roxburghii પડ્યુ છે[૧].

સંદર્ભો ફેરફાર કરો

  1. Book:Common Tree - Dr. H. Santapau, NBT

બાહ્ય કડીઓ ફેરફાર કરો