પ્લાસીની લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો હતો.

પ્લાસીની લડાઇ પછી મીર જાફર સાથે ક્લાઇવ.

પ્લાસીની લડાઈ બંગાળના નવાબ અને અંગ્રેજો વચ્ચે થયેલ નિર્ણાયક લડાઈ. ૧૭૫૬માં અલીવર્દીખાનના અવસાન પછી તેનો દૌહિત્ર સિરાજ-ઉદ્-દૌલા (સિરાજુદ્દૌલા) ગાદીએ આવ્યો. અંગ્રેજો બંગાળમાં વેપારી લાભો માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે થોડા વેપારી લાભો આપવામાં આવ્યા હતા તેનો તેઓ દુરુપયોગ કરતા હતા. તેથી અલીવર્દીખાને તેમની વસાહતની આસપાસ કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી હતી.

ક્લાઇવને એવી માહિતી મળી કે સિરાજુદ્દૌલાના કેટલાક ઉમરાવો તેનાથી અસંતુષ્ટ છે અને નવાબની સત્તા ઉથલાવી પાડવા માગે છે. વળી તેના સેનાપતિ મીરજાફરને નવાબ બનવાની ઇચ્છા હતી. નવાબનો ખજાનચી દુર્લભરાય અને બંગાળનો શ્રીમંત શરાફ જગતશેઠ નવાબ વિરુદ્ધ હતા. ક્લાઇવે બંગાળના શ્રીમંત વેપારી અમીચંદ મારફતે સિરાજ-ઉદ્-દૌલાને સત્તા પરથી ઉથલાવી પાડવા એક યોજના ઘડી. આ યોજના પ્રમાણે ક્લાઇવે પ્લાસી તરફ કૂચ કરવી અને ત્યાં જ મીરજાફર હેઠળની સિરાજુદ્દૌલાની સેના લડે નહિ અને ક્લાઇવ સાથે મળી જાય. તેના બદલામાં મીરજાફરને ત્યાંનો નવાબ બનાવવો અને તેણે કંપનીને મળેલા અધિકારો મંજૂર રાખવા એવું નક્કી થયું. આ યોજના નક્કી થયાની નવાબને જાણ કરવાની અમીચંદે અંગ્રેજોને ધમકી આપતાં તેને પણ 30 લાખ રૂપિયા આપવાની કલમ એ યોજનામાં ઉમેરવામાં આવી. ક્લાઇવે આ યોજનાની–સંધિની બે નકલો બનાવડાવી. તેમાં સાચી નકલમાં ૩૦ લાખ રૂપિયા આપવાની કલમ લખવામાં ન આવી. આ બનાવટી દસ્તાવેજ પર ક્લાઇવ અને સમિતિના સભ્યોએ સહી કરી, પણ વૉટસનને આવી બનાવટ યોગ્ય નહિ લાગતાં તેણે બનાવટી દસ્તાવેજ પર સહી કરવાની ના પાડી. તેણે સાચા દસ્તાવેજ પર સહી કરી. ક્લાઇવે વૉટસનની સહી એ બનાવટી દસ્તાવેજ પર કરી. આમ અમીચંદને આ દસ્તાવેજથી મૂર્ખ બનાવવામાં આવ્યો.

ક્લાઇવે નવાબની વિરુદ્ધની યોજના તૈયાર કર્યા પછી નવાબ પર સંધિનો ભંગ કર્યાનો આક્ષેપ કર્યો તેમજ અંગ્રેજો વિરુદ્ધ ફ્રેન્ચો સાથે પત્રવ્યવહાર કરવાનો તેના પર આરોપ મૂક્યો. ક્લાઇવે અંગ્રેજોની નાની ૩,૨૦૦ની સેના સાથે મુર્શિદાબાદ તરફ પ્રયાણ કર્યું. નવાબ પોતાની ૫૦,૦૦૦ની સેના સાથે પ્લાસીના મેદાનમાં આવી પહોંચ્યો.

પ્લાસીના મેદાનમાં ૨૩મી જૂન ૧૭૫૭ના દિવસે વિશ્વાસઘાતી સેનાપતિ મીર જાફરની આગેવાની હેઠળ નવાબની મોટાભાગની સેના તટસ્થ રહી. સૈન્યમાં રહેલા કેટલાક ફ્રેન્ચોએ અંગ્રેજ સેનાનો મુકાબલો કર્યો, પણ નવાબની હાર થઈ. તે યુદ્ધનું મેદાન છોડી નાસી ગયો. તેને પકડવામાં આવ્યો અને મીરજાફરના પુત્રના હુકમથી મારી નાખવામાં આવ્યો. ક્લાઇવની કૂટનીતિએ અંગ્રેજોની સામાન્ય ખુવારી પછી વિજય અપાવ્યો.

પ્લાસીના યુદ્ધે હિન્દુસ્તાનના ભાવિ ઇતિહાસને બદલી નાખ્યો. એનાં પરિણામો દૂરગામી આવ્યાં. આ યુદ્ધને પરિણામે મીરજાફરની નામની જ સત્તા સ્થપાઈ. તે સાર્વભૌમ સત્તા ધરાવતો ન હતો. અંગ્રેજોની ઇચ્છા મુજબ તે કામ કરતો હતો. ખરી સત્તા તો અંગ્રેજ કંપનીના અધિકારીઓ જ ભોગવતા હતા. મીરજાફરને કંપનીએ જે મદદ કરી હતી તેના બદલામાં તેણે અંગ્રેજોને મોટી રકમ તથા ચોવીસ પરગણાનો પ્રદેશ આપ્યાં હતાં. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોના વિજયને કારણે ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર વેપારી પેઢી ઉપરાંત સૌપ્રથમ વાર અમુક પ્રદેશની માલિક બની. ત્યારબાદ ભવિષ્યમાં તો આ રીતે ભારતનો ઘણો મોટો પ્રદેશ તેણે પોતાના કબજા હેઠળ આણ્યો.