બ્રિજ કૃષ્ણ ચાંદીવાલા
બ્રિજ કૃષ્ણ ચાંદીવાલા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય સહયોગી હતા, જેમને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ૧૯૬૩માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
બ્રિજ કૃષ્ણ ચાંદીવાલા | |
---|---|
જન્મની વિગત | બ્રિજ કૃષ્ણ બનારસીદાસ ચાંદીવાલા ૧૯૦૦ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતા-પિતા |
|
પ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોબ્રિજ કૃષ્ણનો જન્મ ૧૯૦૦માં થયો હતો. તેઓ બનારસીદાસ ચાંદીવાલા અને જાનકી દેવીના છઠ્ઠા સંતાન હતા.[૧] ચાંદીવાળા એ દિલ્હીના ચાંદની ચોકના ચાંદીના વેપારીઓનો પરિવાર હતો. તેમનું શિક્ષણ સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીની ખાતે થયું હતું. ૧૯૧૮માં કોલેજના આચાર્ય એસ. કે. રુદ્રના અતિથિ તરીકે મહાત્મા ગાંધીએ કોલેજની મુલાકાત કરી હતી ત્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા.[૨]
ગાંધીજીના સહયોગી
ફેરફાર કરોગાંધીજી સાથેની તેમની મુલાકાતથી ચાંદીવાલા પર ઊંડો પ્રભાવ પડ્યો હતો અને તેઓ ગાંધીજીના પ્રખર અનુયાયી અને નજીકના સહયોગી બન્યા હતા. ચાંદીવાલાએ ગાંધીજીના પ્રભાવ હેઠળ સંયમી ભોજન લેવાની અને ખાદી પહેરવાની શરૂઆત કરી હતી. વળી, જ્યારે પણ તેઓ દિલ્હીમાં રોકાયા ત્યારે ગાંધીજીને તેમના બકરીનું દૂધ પહોંચાડવાનું કામ તેમણે પોતાની જાત પર લીધું અને આ બાબતમાં તેમની નિષ્ઠાને કારણે તેમને ડો.એમ. એ. અન્સારી દ્વારા ગોવાલણ ઉપનામ મળ્યું હતું.[૩]
૧૯૩૦ના દાયકામાં, ચાંદીવાલાએ દિલ્હીના પથ્થર તોડનારાઓને એક સંઘમાં સંગઠિત કરવામાં મદદ કરી હતી અને દિલ્હીના વહીવટકર્તાઓ અને કાયદાની અદાલતોમાં તેમના કામ અંગેના સરકારી નિયમોનું વધુ સારું પાલન સુનિશ્ચિત કરવા અને તેમના માટે વળતર મેળવવા માટે તેમના અધિકારોના ઉલ્લંઘનના કેસો હાથ ધર્યા હતા.[૩] જ્યારે પણ ગાંધીજી દિલ્હીમાં રોકાતા ત્યારે મોટેભાગે તેઓ ચાંદીવાલાના ઘરે રહેતા હતા. ૧૯૨૪માં કોમી એખલાસ માટે ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસ પણ ચાંદીવાલાના ઘરે જ હાથ ધરવામાં આવ્યા હતા. ચાંદીવાલા તેમની હત્યાના દિવસે ગાંધીજી સાથે હતા અને તેમણે જ ગાંધીજીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તૈયાર કર્યો હતો.[૨][૪]
સામાજીક કાર્ય
ફેરફાર કરોસ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ચાંદીવાલા સામાજિક કાર્યમાં સક્રિય બન્યા હતા. તેઓ 'ભારત સેવક સમાજ' અને 'સદાચાર સમિતિ'ના સ્થાપક સભ્ય અને પ્રમુખ બન્યા હતા. ૧૯૫૨માં તેમણે શ્રી બનારસીદાસ ચાંદીવાલા સેવા સ્મારક ટ્રસ્ટ સોસાયટીની સ્થાપના કરી હતી, જેનું નેતૃત્વ શરૂઆતમાં ગાંધીજીના પુત્ર દેવદાસ કરી રહ્યા હતા. આ ટ્રસ્ટ દિલ્હીની અનેક હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ જ તેમની માતાના સન્માનમાં 'જાનકી દેવી મહિલા કોલેજ'નું સંચાલન પણ કરવામાં આવે છે.[૫][૬][૭] સામાજિક કાર્યક્ષેત્રે તેમના યોગદાન માટે ચાંદીવાલાને ૧૯૬૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[૨]
પુસ્તકો
ફેરફાર કરોચાંદીવાલાએ હિન્દીમાં બાપુ કે ચરણોં મેં નામનું પુસ્તક (ત્રણ ખંડ) લખ્યું હતું, જેનો પાછળથી અંગ્રેજીમાં એટ ધ ફીટ ઓફ બાપુ તરીકે અનુવાદ કરવામાં આવ્યો હતો.[૨][૮] તેમનું અન્ય નોંધપાત્ર કાર્ય ગાંધીજી કી દિલ્હી ડાયરી છે જે દિલ્હીમાં ગાંધીના દિવસોનો ઇતિહાસ ધરાવે છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ 'Family History of Chandiwala Family', Manuscript in Nehru Memorial Museum & Library, Individual Collections, B.K. Chandiwala, Instalment II-III Subject Files, F no. 6
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "The league of quiet, extraordinary gentlemen". The Hindu. 11 January 2013. મેળવેલ 13 January 2013.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૩.૦ ૩.૧ "Gandhiji and Delhi". Gandhi Research Foundation. મેળવેલ 13 January 2013.
- ↑ ૪.૦ ૪.૧ "The Last Hours Of Mahatma Gandhi". Gandhi Research Foundation. મૂળ માંથી 31 મે 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2013.
- ↑ "Janki Devi Memorial College - About Us". મૂળ માંથી 2 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2013.
- ↑ "Shri Banarsidas Chandiwala Sewa Smarak Trust Society - About Us". મેળવેલ 13 January 2013.
- ↑ BCIP Today - August 2010 (PDF). Banarsidas Chandiwala Institute of Physiotherapy. 2010. પૃષ્ઠ 2. મૂળ (PDF) માંથી 2011-03-04 પર સંગ્રહિત.
- ↑ Carter, April (1995). Mahatma Gandhi: A Selected Bibliography. Greenwood Press. પૃષ્ઠ 74. ISBN 9780313282966.