અંજારિયા ભૃગુરાય દુર્લભજીઃ (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્ય-સંશોધક, વિવિચેક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં, માતા-પિતાના અવસાનને કારણે મેટ્રિક સુધીનું, પછીનું શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૫માં બી.એ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ મુંબઈમાં કર્યો, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામો કર્યા અને થોડાં વર્ષ પીએચ.ડી.ના અભ્યાસ માટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં જ નિવાસ. ખાનગી ટ્યુશનો, ચિલ્ડ્રન્સ અકેડમી અને ફાર્બસ ગુજરાતી સભામાં (અનુક્રમે મંત્રી તથા ત્રૈમાસિકના તંત્રી તરીકે) કામગીરી અને કૉલેજમાં અધ્યાપનકાર્ય-એમ વિવિધ પ્રકારની ને વિક્ષેપભરી વ્યાવસાયિક કારકિર્દી. ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અવસાન મુંબઈમાં.

સંશોધક વિદ્વાનની તીક્ષ્ણ તથ્યદ્રષ્ટિ અને સાહિત્યવિવેચકની રસજ્ઞતા તથા વિશ્લેષણશક્તિ ધરાવતાં આ લેખકે જોડણી, શબ્દાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના અને કર્તાજીવનના સમગ્ર અભ્યાસક્ષેત્રમાં અવિરતપણે અને ખંતપૂર્વક કામ કર્યા કર્યું ને અનેક લેખો લખ્યા, જે ગ્રંથસ્થ ધરાર ન કર્યા. ‘કાન્ત વિશે’ (૧૯૮૩) એમનો, લેખક-અભ્યાસનો એક અસાધારણ નમૂનો રજૂ કરતો, મરણોત્તર પ્રકાશિત લેખસંચય છે. ઉમાશંકર જોશી સંપાદિત ‘કલાન્ત કવિ’માં સંઘરાયેલાં કાવ્યોના કર્તૃત્વના કોયડાને અપૂર્વ સજ્જતા ને સામથર્યથી ચર્ચાતો સંશોધનલેખ અને અન્ય ઘણા લેખો હજુ સામયિકોમાં જ રહ્યા છે. એમણે નરસિંહરાવ દીવેટિયા કૃત ‘કવિતાવિચાર’ (૧૯૬૯), પ્રહલાદ પારેખ કૃત ‘બારી બહાર’ (ત્રી.આ.૧૯૭૦) અને ‘શ્રીધરાણી અને પ્રહલાદનાં કાવ્યો’ (૧૯૭૫)નું સંપાદન પણ કર્યું છે. (- જયંત કોઠારી)

કાન્ત વિશે (૧૯૮૩): ભૃગુરાય અંજારિયાનો મરણોત્તર પ્રકાશિત વિવેચનલેખસંગ્રહ. એમાં ૧૯૪૩ થી ૧૯૬૭ સુધીમાં લખાયેલા લેખો ને અપાયેલાં વ્યાખ્યાનો ઉપરાંત કાન્ત-થીસિસ નિમિત્તે થયેલી નોંધો-‘કાન્તઃસાલવારી’, ‘કાન્તનાં કાવ્યોની આનુપૂર્વી’ અને ‘કાન્તના જીવન અંગેની મુલાકાત નોંધો’ છે. આ નોંધો હકીકતોમાં રસ લેવાની, એ માટેની વિશાળ દસ્તાવેજી સામગ્રીને સાધનોમાં ઘૂમી વળવાની અને ખરી હકીકત સુધી પહોંચવાની લેખકની શક્તિનો પરિચય કરાવે છે. તેઓ પ્રમાણભૂત હકીકતોને આધારે પોતાનું દર્શન પણ રચે છે, જે એમના ‘પૂર્વાલાપઃછંદની દ્રષ્ટિએ’ જેવા લેખો બતાવે છે. ઉક્ત લેખ કાવ્યગત છંદ-અભ્યાસની એક નૂતન દિશા ઉઘાડનારો છે, તેમ અન્ય ઘણા લેખોમાં પણ એમની તથ્યદ્રષ્ટિની સાથે સાથે એમનાં રસજ્ઞતા અને માર્મિક વિવેચકત્વનાં પ્રભાવક ઉદાહરણો મળી આવે છે. (- જયંત કોઠારી)

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય