મહાદેવભાઈની ડાયરી

મહાદેવભાઈ દેસાઈએ લખેલી રોજનીશી

મહાદેવભાઈની ડાયરી અથવા મહાદેવભાઈની ડાયરીઓમહાદેવભાઈ દેસાઈએ લખેલી રોજનીશી છે. જેમાં તેમણે તારીખવાર ગાંધીજીના જીવન-કાર્યોને નોંધ્યા છે.[૧]

પુસ્તક ફેરફાર કરો

મહાદેવભાઈએ ૧૯૧૭ના નવેમ્બર મહિનામાં ગાંધીજી સાથે કાર્ય કરવાની શરૂઆત કરી ત્યારથી મહાત્મા ગાંધીના અવસાન સુધીની ઘટનાઓ આ રોજનીશીઓમાં ઉતારવામાં આવી છે. ૧૩મી નવેમ્બરે જ ડાયરીમાં મહાદેવે પહેલી નોંધ લખી હતી.[૨]

આ રોજનીશીના ૨૩ ભાગ છપાયા છે, તેમજ ૭ ભાગ હજી પ્રકાશિત થયા નથી.[૧] તેમાં ભાગ ૧ થી ૧૯ તેમણે જાતે લખ્યા છે.[૩]

મહાદેવભાઈની ડાયરી આમ તો એક રોજનીશી છે પરંતુ વિષયના મહત્ત્વ અને રોચક શૈલીને કારણે સાહિત્ય રચના પણ ગણી શકાય છે. આ કૃતિના પ્રકાશનથી થકી ગુજરાતી સાહિત્યમાં ડાયરી એ સાહિત્યપ્રકર પ્રચલિત બન્યો. આ કૃતિમાં આ ડાયરી આમ તો મુખ્ય રૂપે ગાંધીજીના જીવન અને કાર્ય પર જ આધારિત છે તેમ છતાં તેમાં તેમણે પોતાના જીવન વિષે અને આસપાસની ઘટનાઓની પોતાના પર થયેલી અસર પણ વર્ણવી છે. આ કૃતિ રચવા પાછળનો ઉદ્દેશ્ય ગાંધીજીના જીવન અને કાર્યને લગતી કાચી સામગ્રી સાચવવાનું હતું. [૧]

મહાદેવ ભાઈ બૉઝવેલે લખેલું જૉનસનના જીવન ચરિત્ર થકી પ્રેરિત થઈ ગાંધીજીનું આદર્શ જીવનચરિત્ર લખી સવાયા બૉઝવેલ બનવા માંગતા હતા. પણ આ ડાયરીઓ દ્વારા તેમની ઇચ્છ મહદ્અંશે પૂર્ણ થઈ હશે. આ ડાયરીઓ ગાંધીજીના આદર્શ પાલન, ચીવટાઈ આદિનું દર્શન કરાવે છે. આ ડાયરીઓમાં એક વિચાર ઘણા મોટા પ્રમાણમાં પુનરાવર્તિત થતો દેખાય છે: પણ એમ થયું છે તે યોગ્ય જ છે.[૧]

ગાંધીજીએ ભારત ત્રણેક વાર દેશવ્યાપી પ્રવાસો કર્યા અને અસંખ્ય પ્રવચનો કર્યાં, તેમના સાથીઓ, સ્વજનો, પરદેશી પ્રશંસકો અને જિજ્ઞાસુઓને એમણે અસંખ્ય પત્રો લખ્યા; દેશી-વિદેશી મહાનુભાવોને મુલાકાતો આપી હતી; એ બધાં ભાષણો, પત્રો, વાર્તાલાપો અને ચર્ચાઓની ચોકસાઈથી મહાદેવભાઈએ આ કૃતિમાં નોંધીને સમાવી લીધી હતી આ ઉપરાંત ગાંધીજીનાં વિચક્ષણ રાજનીતિજ્ઞ, સત્યાગ્રહી નેતા, ધર્મપુરુષ, ક્રાંતિકારી કેળવણીકાર, સમાજસુધારક, અહિંસાના કળાકાર, પ્રેમમૂર્તિ, આજીવન પ્રયોગકાર, ગરીબોના મસીહા, સાધક જેવા ભિન્ન ભિન્નસ્વરૂપોનું આ ડાયરીઓમાં અક્ષરાલેખન થયું છે. મહાદેવભાઈએ આ ડાયરીઓમાં એમણે વાંચેલી વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં અવલોકનો અને અવતરણો પણ મુક્યા છે. દર અઠવાડિયે ગાંધીજીનાં કાર્યોની માહિતી આપતા એમના સાપ્તાહિક પત્રો પણ તેમાં સમાવાયેલા છે. આ સાથે તેમાં અમુક ખાસ વ્યક્તિઓના જેમ કે દીનબંધુ ઍન્ડ્રુઝ, શ્રીનિવાસ શાસ્ત્રી, મદનમોહન માલવીયજી, મૌલાના આઝાદ તથા દેશબંધુ દાસ તથા અનેક નાનામોટા કાર્યકરો અને બે બરદાસીઓનાં પણ જીવન ચરિત્રો લેવામાં આવ્યા છે. [૧]

સમર્થ સાહિત્યકારની સ્વતંત્ર કૃતિઓમાં મહાદેવભાઈની ડાયરીનું સ્થાન સૌથી આગળ પડતું છે. ભવિષ્યના કેટલાય ગાંધીચરિત્રકારો અને વિવિધ વિષયના સાહિત્યકારો માટે એમાં તત્કાલીન રાજકીય ઘટનાઓનો પ્રમાણભૂત અનન્ય-અલભ્ય એવો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. સંખ્યાબંધ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં ચરિત્રો માટેની સામગ્રી એમાં ભરી પડી છે અને ઠેર ઠેર વીર કે કરુણ, અદભુત કે હાસ્ય રસ વહાવતું સુવાચન છે. આ બધાંને કારણે મહાદેવભાઈની ડાયરીઓ જગત-સાહિત્યમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કરે તેવી છે. મહાદેવ દેસાઇ ગાંધીજીના અનુયાયી હતા, છતાં તેમની ઊણપો તરફ ઇશારો કરતા કે એમના વિચારો સાથે મતભેદ વ્યક્ત આ ડાયરીઓમાં જોવા મળ્યો છે.[૧]

પ્રકાશન ફેરફાર કરો

  • ભાગ ૧ થી ૫ નવજીવન પ્રકાશન મંદિર, સંપાદક : નરહરિ પરીખ
  • ભાગ ૬ થી ૧૭ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સંપાદક : ચંદુલાલ દલાલ
  • ભાગ ૧૮ થી ૨૩ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સંપાદક : મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈ

સન્માન ફેરફાર કરો

આ પુસ્તકને ૧૯૫૫નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. [૪]

પ્રતિભાવ ફેરફાર કરો

  • નરહરી પરીખ: "ગાંધીજીની જીવનકળા ઉપરાંત મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા, અનેક વિષયોમાં તેમનો રસ આ ડાયરીઓમાં પ્રગટ થાય છે. મહાદેવભાઈમાં ઊંચા પ્રકારની સાહિત્યશક્તિ હતી. બીજાના ગુણ જ જોવાનો તેમનો સ્વભાવ પડી ગયો હતો. તેમની નમ્રતા, પોતાની જાતને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ, એ તેમના જીવનસાર્થક્યની મુખ્ય ચાવી હતી. એ વસ્તુનું દર્શન આ ડાયરીઓમાં થાય છે. વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ તે રજૂ કરવાની શૈલીની ચિત્તાકર્ષકતાને લીધે ‘મહાદેવભાઈની ડાયરી’નું સ્થાન દુનિયાના આ જાતના સાહિત્યમાં બહુ ઊંચું રહેશે." (‘મહાદેવભાઈની ડાયરી’ : પુસ્તક પહેલું)[૫]
  • ઉમાશંકર જોશી: આ ડાયરીમાંથી ગાંધીજીની છબી સુરેખ ઊઠી આવે છે. ગાંધીજી જીવનની પળેપળ કેવી ઊંચાઈએ જીવતા હતા, ક્ષણેક્ષણને કાર્યથી ભરી દઈ દરેકેદરેક કાર્યને કેવા અલૌકિક મહત્ત્વથી અંકિત કરતા હતા, તે આ ડાયરીમાંથી આપણને પ્રતીત થાય છે. જાણે ગાંધીજીની પાસે રહીને આપણે નજરોનજર એમની એકધારી મહાનુભાવિતાનું દર્શન કરી રહ્યા ન હોઈએ ! એવો અનુભવ થાય છે. આ ‘મહાદેવભાઈની ડાયરી’નો વિષય મહાદેવભાઈ નથી. મહાદેવભાઈનું હૃદય તો એક વાત જાણે છે : સ્વચ્છ થઈને બાપુની સામે ઊભા રહેવું, જેથી બાપુની યથાર્થ છબી એમાં સ્ફુરી રહે. આ ડાયરીમાં ગાંધીજીનું પ્રતિબિંબ જોઈ, સ્થિર પ્રસન્ન જલાશય જેવા લેખકના ચિત્તનો પણ આહ્લાદક અનુભવ થાય છે. (અભિરુચિ)[૫]
  • યશવંત શુક્લ: "જગત-સાહિત્યમાં ડાયરીઓ ઘણી મળશે, તથાપિ [19મી સદીના સ્વિટ્ઝર્લેન્ડના કવિ અને ફિલસૂફ] એમિયલનું ‘જર્નલ’ અને ‘મહાદેવભાઈની ડાયરી’ જેવી રચનાઓ વિરલ ગણવી રહેશે. સમયના વિશાળ પટ પર પથરાયેલી, આવડા ઊંચા સાહિત્યગુણવાળી ડાયરી બીજી એકે આપણા સાહિત્યમાંથી બતાવી શકાશે નહીં.જીવનની પળેપળને પોતાની મહત્તાથી અંકિત કરતા ગાંધીજીના પ્રેમમય વ્યવહારના કેટલા બધા પ્રસંગો [ડાયરીમાં] આવ્યા જ કરે છે. પ્રજાના સમુદ્ધારનો હિમાલય જેવડો કર્તવ્યબોજ ઉપાડનારને અનેકના અંગત-બિનંગત પ્રશ્નો પર જીવનવિધાયકની દૃષ્ટિથી સલાહસૂચન આપતા કે લમણાઝીક કરતા, મૂર્ખ દલીલોને ધીરજપૂર્વક સાંભળતા ને તુચ્છકાર્યા વિના એનું ખંડન કરતા, એને રીઝવીને એમને કાઢતા, કોઈને ટપારતા, કોઈની ટીખળ કરતા, વિદેશી સરકારની અવળાઈઓને સતત લડત આપતા… અને આ બધાંને અંતે નિર્દોષ બાળકની જેમ ઘસઘસાટ ઊંઘતા આપણે જોઈએ છીએ.ગંગાની જેમ નિત્ય, પ્રવાહમાન એક અલૌકિક વ્યક્તિના ઠેઠ સાંનિધ્યમાં ડાયરી આપણને મૂકી દે છે અને એની પુનિત વિચારધારાનું આપણા અંતરમાં સતત સિંચન થતાં આપણે પણ પાવન થઈએ છીએ." (ઉપલબ્ધિ)[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "મહાદેવભાઈની ડાયરીઓ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-10-09.
  2. "સમયાંતર- લલિત ખંભાયતા". raijmr.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-09.
  3. "મહાદેવભાઈ દેસાઈ અને મહાદેવભાઈની ડાયરી" (PDF) (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-09.
  4. "Akademi Awards (1955-2015)". Sahitya Akademi. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૭.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ મેઘાણી, સંપાદકઃ મહેન્દ્ર. "મહાદેવભાઈની ડાયરી-યશવંત શુક્લ". Cite journal requires |journal= (મદદ)

બાહ્ય કડી ફેરફાર કરો