મહેશ ચોક્સી
ચોકસી મહેશ હીરાલાલ (૩-૧૨-૧૯૩૧) : વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૫૨માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. હાલ ભાષા નિયામકની કચેરીમાં પ્રકાશન અધિકારી.
ગુજરાતી નાટ્યસાહિત્યના વિકાસના તબક્કાઓની અને નાટ્યલેખકો તેમ જ કૃતિઓની છણાવટ કરતો મહત્ત્વનો નાટ્યવિવેચનનો ગ્રંથ ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદભવ અને વિકાસ’ (૧૯૬૫) લોકનાટ્ય, વ્યવસાયી રંગભૂમિ, પદ્યનાટક તેમ જ એકાંકીની સૂઝપૂર્વક વિવેચના કરે છે. વિવિધ લેખોનો સંચય ‘નાનાલાલ શતાબ્દી ગ્રંથ’ (૧૯૭૩) તથા સંશોધનસૂઝની દ્રષ્ટિએ નોંધપાત્ર ‘બિબ્લિઓગ્રાફી ઓવ ઈંગ્લિશ સ્ટેજેબલ પ્લેયુઝ’ (૧૯૫૬) નામનો સંદર્ભગ્રંથ એમના નામે છે.
ગુજરાતની નાટ્યસાહિત્યનો ઉદભવ અને વિકાસ (૧૯૬૫) : મહેશ ચોકસીનો મહાનિબંધ. નાટકનો ઉદભવ, વિકાસ અને ગુજરાતી સાહિત્યમાં તેની ગતિવિધિનું અહીં સવિસ્તર નિરૂપણ છે. સાથે સાથે નાટ્યરૂપ, નાટ્યવિધાન, લોકનાટ્ય, વ્યવસાયી રંગભૂમિ, કવિ નાટ્યકારો, એકાંકી, દીર્ઘ નાટકો વગેરે મુદ્દાઓની સદૃષ્ટાંત છણાવટ પણ છે. ગુજરાતી નાટકની સાંપ્રત સ્થિતિને મૂલવતા ભરતવાક્યમાં, કદ અને પથરાટના મોહમાં, ગુજરાતી નાટકનું સઘન અને સિદ્ધિમૂલક ખેડાણ ઓછું થયું છે એવો નિર્દેશ મળે છે.