માઈક્રોસોફ્ટ વિન્ડોઝ

ઓપરેટિંગ સિસ્ટમનો સમૂહ

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ (અંગ્રેજી: Microsoft Windows) એ કેટલીક ગ્રાફિકલ ઓપરેટિંગ સિસ્ટમ સમૂહોનું જૂથ છે, જે તમામ માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવી છે તેમજ તેમનું માર્કેટિંગ અને વેચાણ પણ માઇક્રોસોફ્ટ દ્વારા થયું છે. ગ્રાફિકલ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રત્યેક સમૂહ કમ્પ્યુટિંગ ઇન્ડસ્ટ્રીના કોઈ ચોક્કસ સેક્ટરને સુવિધા પૂરી પાડે છે. સક્રિય વિન્ડોઝ સમૂહોમાં વિન્ડોઝ એનટી (Windows NT) અને વિન્ડોઝ એમ્બેડેડ (Windows Embedded)નો સમાવેશ થાય છે, જે વિન્ડોઝ એમ્બેડેડ કોમ્પેક્ટ (વિન્ડોઝ સીઈ - Windows CE) અથવા વિન્ડોઝ સર્વર (Windows Server) જેવા કેટલાક પેટાસમૂહોને પોતાનામાં સમાવી લે છે. નિષ્ક્રિય વિન્ડોઝ સમૂહોમાં વિન્ડોઝ નાઇનએક્સ (Windows 9x), વિન્ડોઝ મોબાઇલ (Windows Mobile) અને વિન્ડોઝ ફોન (Windows Phone)નો સમાવેશ થાય છે.

એમએસ-ડોસ માટે ગ્રાફિકલ ઓપરેટિંગ સિસ્ટમ શેલ તરીકે માઇક્રોસોફ્ટે 20 નવેમ્બર 1985ના રોજ વિન્ડોઝ નામનું ઓપરેટિંગ એન્વાયર્ન્મેન્ટ લોન્ચ કર્યું હતું. આ પગલું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસીસ (GUIs) પ્રત્યે વધતા જતા રસના અનુસંધાનમાં ભરવામાં આવ્યું હતું.[] માઇક્રોસોફ્ટ વિન્ડોઝે 1984માં દાખલ થયેલા મેક ઓએસ (Mac OS)ને પાછળ રાખી દઈને પર્સનલ કમ્પ્યુટરની વૈશ્વિક માર્કેટ પર 90 ટકા કરતાંય અધિક હિસ્સો કબ્જે કરીને એકાધિકાર જમાવ્યો. એપલ (Apple) કંપનીએ આ ગતિવિધિને પોતે શોધેલા અને લિસા (Lisa) તેમજ મેકિન્ટોશ (Macintosh) જેવી પ્રોડક્ટસમાં દાખલ કરેલા જીયુઆઈ ડેપલપમેન્ટ પર વિન્ડોઝ દ્વારા અયોગ્ય રીતે થયેલા અતિક્રમણ તરીકે જોઈ. (આ મામલાનો નિવેડો આખરે 1993માં અદાલતે માઇક્રોસોફ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે આવ્યો.) પર્સનલ કમ્પ્યુટર પર વિન્ડોઝ આજે પણ સૌથી વધારે લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. જોકે 2014માં માઇક્રોસોફ્ટે સ્વીકાર્યું હતું કે સ્માર્ટફોનના વેચાણમાં જબ્બર વધારો થવાને કારણે સમગ્રપણે ઓપરેટિંગ સિસ્ટમના માર્કેટમાં એન્ડ્રોઇડ (Android) આગળ નીકળી ગયું છે. 2014માં એન્ડ્રોઇડ ડિવાઇસીસ કરતાં વિન્ડોઝ ડિવાઇસીસનું વેચાણ 25 ટકા ઓછું નોંધાયું હતું. આ સરખામણી જોકે સંપૂર્ણપણે એટલા માટે પ્રસ્તુત નથી કે પરંપરાગત રીતે આ બન્ને ઓપરેટિંગ સિસ્ટમનું લક્ષ્ય અલગ અલગ પ્લેટફોર્મ્સ છે.

ડિસેમ્બર 2017ની સ્થિતિ પ્રમાણે, પર્સનલ કમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન અને એમ્બેડેડ ડિવાઇસીસ માટે વિન્ડોઝનું સૌથી તાજું વર્ઝન વિન્ડોઝ 10 (Windows 10) છે. વિન્ડોઝનું એક ખાસ વર્ઝન એક્સબોક્સ વન (Xbox One) વિડીયો ગેમ કોન્સોલમાં વપરાય છે.

  1. "All About The Unusual History of Microsoft Windows". ThoughtCo. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો