રાવજીભાઇ મણિભાઇ પટેલ

ગુજરાતી લેખક

રાવજીભાઈ મણિભાઈ પટેલ (૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨) : ચરિત્રકાર. જન્મ સોજિત્રા (જિ.ખેડા)માં. એમના ઘડતરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનનો તેમ જ નિષ્ઠાવાન શિક્ષક કરુણાશંકર ભટ્ટનો મોટો ફાળો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ પરિચય થતાં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.

એમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે. ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને સવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યક્તિત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. ‘જીવનઝરણાં’- ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) એમની વિશિષ્ટ કહી શકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૧૯૦૭ થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭ થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી, દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ પુત્ર, મમતાળુ મિત્ર, ગાંધીજીના આદર્શ ભક્ત, નિષ્ઠાવાન પતિ, પ્રેમાળ પિતા, સમાજસુધારક, જીવનપર્યેષક-એમ એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં છે. બીજા ભાગમાં એમણે પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, નંદાજી વગેરે વિભૂતિઓનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગોમાં લેખકનો ‘હું’ કોઈ જગ્યાએ અશોભનીય રીતે ડોકાતો અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દ અને ગુજરાતનું ચિત્ર એમાં તાદ્દશતાથી અને સત્યતાથી અંકિત થયું હોઈ તે એક નોંધપાત્ર દસ્તાવેજી કૃતિ બની રહે છે.

આ ઉપરાંત એમણે ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો’ (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા’ (૧૯૩૧), ‘બાળકોનો પોકાર’ (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯), ‘સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ’ (૧૯૫૮) જેવાં પુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન-અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણે એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.

જીવનનાં ઝરણાં – ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) : રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃતાંત. ગુજરાતનું સામાજિક અને રાજ્કીય વાતાવરણ ભેગું વણાતું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીનો પોતાનો ૫૦ વર્ષનો જીવનપટ આલેખ્યો છે. સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો અહીં રજૂ કર્યાં છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર ક્યારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની વૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય