વિઠ્ઠલભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ (૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ - ૨૨ ઓક્ટોબર ૧૯૩૩) એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલ ના મોટા ભાઈ હતા.
પ્રારંભિક જીવન
ફેરફાર કરોવિઠ્ઠલભાઈ પટેલ નો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. ગોરધનભાઈ પટેલ અનુસાર ઘણાં આધુનિક દસ્તાવેજોમાં વિઠ્ઠલભાઈ પટેલની ખોટી જન્મ તારીખ દાખલ થઈ ગઈ છે. તેમના પાસપોર્ટ પર તેમની જન્મ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ લખાયેલી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ છ્પાયેલી જાહેરાતમાં તેમની ખોટી જન્મ તીથિ ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૧ છપાતાં, અને તે પ્રચલિત થતાં ઘણી ગૂંચવણો જન્મી છે. આ તારીખને આધારે તેઓ વલ્લભભાઈ કરતાં માત્ર બે વર્ષ જ મોટા ગણાય.[૧] તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમના માતા પિતા વૈષ્ણવ હિંદુ સંપ્રદાયના સ્વામીનારાયણ પંથના ભક્ત હતા. આ પંથ ભક્તિમય જીવન માટે નિજી જીવનની શુદ્ધિ પર ઘણો ભાર મુકે છે. તેમના માતા પિતાના આદર્શમય જીવનનો વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈ વલ્લભભાઈના જીવન પર ઘણો પ્રભાવ પડેલો જોવા મળે છે. વિઠ્ઠલભાઈનો અભ્યાસ નડિયાદ અનેમુંબઈ માં થયો. ત્યાર બાદ તેમણે કર્મનિષ્ઠ વકીલ (પ્લીડર) તરીકે ગોધરા અને બોરસદના ન્યાયાલયોમાં કાર્ય કર્યું. ખૂબ નાની ઉંમરે તેમના લગ્ન દીવાળીબા નામની કન્યા સાથે થયા હતા.[૨]
તેમના નાનાભાઈ પણ તેમની જેમ જ પ્લીડર તરીકે ન્યાયાલયમાં વ્યવસાય કરતા હતા. બંને ભાઈઓને ઈંગ્લેંડમાં અભ્યાસ કરવાનું સપનું હતું. વલ્લભભાઈ પટેલે પાસપોર્ટ, ટિકિટ આદિ માટે જોઈતા પૈસા બચાવી, પાસપોર્ટ અને ટિકિટ કઢાવ્યા હતા. જ્યારે ટપાલી તે પરબિડિયું લઈ આવ્યો ત્યારે તેના પર મિ. વી. જે. પટેલ, પ્લીડર એમ લખ્યું હતું અને તે વિઠ્ઠલભાઈ ને મળ્યો. તે દસ્તાવેજ ઉપર વિઠ્ઠલભાઈએ પોતે પ્રવાસ કરવાનો આગ્રહ કર્યો, કેમકે જો મોટા ભાઈને મૂકીને નાનો ભાઈ વિદેશ જાય તો એ સમાજમાં વસમું લાગશે. મોટા ભાઈની લાગણીને માન આપીને વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈને ઈંગ્લેંડ જવાની રજા આપી અને તેમને ત્યાં રહેવાની સગવડ માટેનું ધન પણ આપ્યું. વિઠ્ઠલભાઈએ લંડન જઈ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને ૩૬ મહિનાનો અભ્યાસ ૩૦ મહિનામાં વર્ગમાં પ્રથમ ક્રમાંકે પૂર્ણ કર્યો. તેઓ ૧૯૧૩માં ગુજરાત પાછા ફર્યા અને ત્યાર બાદ તેઓ અમદાવાદ અને મુંબઈના ન્યાયાલયમાં જાણીતા બેરિસ્ટર બન્યા. તેમના પત્ની ૧૯૧૫માં અવસાન પામ્યા ત્યારબાદ તેઓ વિધુર જ રહ્યા.
રાજકીય કારકીર્દી
ફેરફાર કરોતેઓ ક્યારેય પૂર્ણ રીતે ગાંધીજીની નેતાગીરી કે વિચારધારાના સમર્થક ન હતા. તેમ છતાં તેઓ કૉંગ્રેસની સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાયા. તેમને કોઈ ક્ષેત્રીય જનાધાર નહતો તેમ છતાં પણ ઉગ્ર ભાષણો અને જ્ય્વલંત લેખનો થકી તેઓ એક વગ ધરાવતા નેતા બન્યા હતા. ૧૯૨૨માં ચૌરી ચૌરા કાંડ પછી જ્યાંરે ગંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ પડતી મૂકી ત્યારે પટેલે કૉંગ્રેસ છોડી અને ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરૂ સાથે મળી સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટીનો ઉદ્દેશ ધારાસભાઓમાં બહુમતી મળવી ધારાસભા થકી સત્તા ઉથલાવી પાડવાનો હતો. અલબત્ આ પાર્ટી માત્ર કૉંગ્રેસમાં ભાગલા પાડવા પૂરતી જ સફળ રહી અને છેવટે તેમાં પણ ભાગલા પડ્યા. તેમ છતાં અસહકારની ચળવળ બંધ પડ્યા પછી રાષ્ટ્રમાં વ્યાપેલા ગાંધીજીના વિરોધીઓમાં વિઠ્ઠલભાઈ પટેલ એક પ્રમુખ અવાજ બની રહ્યા.
વિઠ્ઠલભાઈ બોમ્બે લેજીસ્લેટેવ કાઉન્સીલની બેઠક જીત્યા હતા, જોકે આ કાઉન્સીલ પાસે કોઈ વિશેષ કાર્ય હતું જ નહિ. રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડત, સ્વરાજ્ય કે લોકહિતના કાર્યો આદિમાં વિઠ્ઠલભાઈ કશી મહત્વપૂર્ણ ઉપલબ્ધી ન મેળવી શક્યા પરંતુ તેમની વિનોદી અને બુદ્ધિમાન વકૃત્વ કળા, બ્રિટિશ રાજના અધિકારીઓની ઝાટકણી આદિને કારણે તેમને નામના મળી. ૧૯૧૪ના મુંબઈના "ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપાલિટી એક્ટ અમેન્ડમેંટ બિલ" અને " ધ ટાઉન પ્લાનીંગ બિલ"માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.[૩] પ્રાથમિક શિક્ષણના મુંબઈ શહેરની બહાર સમગ્ર બોમ્બે પ્રેસીડેંસીમાં લાગુ કરવાના તેમના ૧૯૧૭ના પ્રસ્તાવે તેમને ઘણી નામના મેળવી આપી. ઘણી લાંબી લડત પછી, અમુક સુધારા વધારા સાથે તે બિલ છેવટે પસાર થયું.[૪] તેમના ધારા સભ્ય તરીકેના સમગ્ર કાળ દરમ્યાન તેમણે વૈદકીય બાબતને લાગતા ઘણાં ખરડાઓ માટે લડ્યા. ૧૯૧૨માં બોમ્બે મેડિકલ એક્ટમાં ચૂક કરનાર ડૉક્ટરો માટે સજાની જોગવાઈ તેમણે ઉમેરાવી હતી. આ સુધારામાં આયુર્વેદિક ચિકિત્સકો શામેલ ન હતા.[૫] ૧૯૨૩માં તેઓ સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં ચુંટાઈ આવ્યા અને ૧૯૨૫માં તેઓ એ એસેમ્બ્લીના પ્રમુખ કે સ્પીકર બન્યા.
એસેમ્બેલીના પ્રમુખ તરીકે તેમણે કાર્ય કરવાની પદ્ધતિઓ અને રીતો પ્રસ્થાપિત કરી. ૧૯૨૮માં તેમણે ભારત સરકારના વ્યવસ્થાપનથી બહાર એસેમ્બેલીની પોતાનું કાર્યાલય સ્થાપ્યું. તેમણે સ્ટેટસ ક્યૂઓ માટેના કાસ્ટિંગ વોટ સિવાયના મુદ્દાઓ પરની ચર્ચા પર પ્રમુખની નિષ્પક્ષતાની નીતિ દાખલ કરી.[૬][૭][૮]
છેવટના વર્ષો
ફેરફાર કરો૧૯૨૯માં ભારત સરકારના સમર્થકોએ વિઠ્ઠલઞાઈ પટેલને ઈમ્પિરીયલ લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી દૂર કરવા પ્રયત્નો કર્યા. પણ આમૂલ પરિવર્તનશાળી રાષ્ટ્રવાદીઓને ખુશ રાખવા મથતા તે સમયના વાઈસરૉય લૉર્ડ ઈરવીને તે પ્રયત્ન સફળ થવા દીધો નહી. ઈરવીનના આ પ્રયત્નો સફળ રહ્યા નહી. ઈ.સ.૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી અને આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પૂર્ણ સ્વરાજ ના ઠરાવ પછી તેઓ ફરી કૉંગ્રેસમાં જોડાયા અને તેમને જેલ થઈ. ત્યાં તેમની તબિયત ખરાબ થતાં ૧૯૩૧માં એમને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ ઈલાજ માટે યુરોપ ગયા. મીઠાના સત્યાગ્રહ પછી તેઓ ગાંધીજીના આક્રમક આલોચક સુભાષચંદ્ર બોઝના સમર્થક બન્યા. ૧૯૩૩માં બોઝને ઉત્તરપ્રદેશની ભોવાલી સેનેટોરિયમમાંથી ઈલાજ માટે યુરોપના વિયેના જવા મુક્તિ મળી. વિઠ્ઠલભાઈ પણ તે સમયે ઈલાજ માટે વિયેના ગયા હતા. આ બંને નેતાઓની વિચારધારા સમાન હોવાને કારણે બન્ને નેતાઓ એકબીજાની નજીક આવ્યા. તેમને સંયુક્ત નિવેદનમાં જણવ્યું હતું કે, "....રાજનૈતિક નેતા તરીકે ગાંધીજી નિષ્ફળ રહ્યા છે.... અને નેતાગીરિમાં બદલાવની જરૂર છે...." બોઝ અને પટેલ સમગ્ર યુરોપમાં ભંડોળ અને રાજનૈતિક ટેકા માટે સાથે ફર્યા. અન્ય નેતાઓ સહિત તેઓ આયર્લેંડના પ્રમુખ ઈમૉન ડી વલેરા ને મળ્યા. યુરોપમાં બોઝની તબિયત સુધરી પણ વિઠ્ઠલભાઈને તબિયત વધુ ખરાબ બની. તેઓ સુભાષબાબુના નિસ્વાર્થથી પ્રભાવિત થયા હતા અને તેઓ જાણતા હતા કે સુભાષબાબુને કૉંગ્રેસ તરફથી તેમના કાર્યો માટે એક પાઈ પણ મળશે નહિ. આથી તેમણે તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાની મિલકત સુભાષબાબુને તેમના રાજનૈતિક કાર્યો માટે આપી અને ૨ ઑક્ટોબર ૧૯૩૩ના દિવસે સ્વિત્ઝરલૅન્ડના જીનીવામાં અવસાન પામ્યા.[૯] તેમની અંત્યેષ્ટી ૧૦ નવેમ્બરના દિવસે મુંબઈમાં કરવામાં આવી, જેમાં ૩ લાખ લોકો હાજર રહ્યા હતા.[૯] મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, તે ધન સુભાષબાબુ કોંગ્રેસની રાજનૈતિક કાર્યોમાં ખર્ચે એવી ઈચ્છા હતી. સુભાષબાબુએ તેમ કરવાની ના પાડી અને તેથી મુંબઈની હાઈ કોર્ટમાં દાવો મંડાયો. અંગ્રેજ ન્યાયાધીશો અનુસાર "ભારતના રાજનૈતિક ઉત્થાન" એ ઘણી અસ્પષ્ટ વ્યાખ્યા હતી, અને સુભાષબાબુને તે ધન મળી શક્યું નહિ. આ સમગ્ર કામ ચાલ્યું તે દરમ્યાન સરદાર પટેલ તટસ્થ રહ્યા. પરંતુ નવજીવન પ્રેસ, અમદાવાદ દ્વારા છપાયેલ તેમની જીવન કથામાં તે વીલની અધિકૃતતા પર પ્રશ્ન ઉઠાવાયો છે.
૧૯૭૩ માં (૨૭ સપ્ટેમ્બર) ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Patel, p. ૩.
- ↑ Vithalbhai Patel. sardarpateltrust.org
- ↑ Patel, p. ૮૭.
- ↑ Patel, p. ૧૪૬.
- ↑ Patel, p. ૧૪૯-૧૫૨.
- ↑ Ajita Ranjan Mukherjea, Parliamentary Procedure in India (Oxford, 1983), p. 43
- ↑ Philip Laundy, The Office of Speaker in the Parliaments of the Commonwealth (Quiller, 1984), p. 175
- ↑ LOK SABHA SYNOPSIS OF DEBATES (Proceedings other than Questions & Answers) Friday, 25 August 2000 સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન at parliamentofindia.nic.in
- ↑ ૯.૦ ૯.૧ Gordhanbhai I. Patel. Vithalbhai Patel Life And Times Book Two.
ગ્રંથ સૂચિ
ફેરફાર કરો- Patel, Gordhanbhai (1950). Vithalbhai Patel Life and Times. Bombay: R.A. Moramkar.