વેતાલ પચ્ચીસી
વેતાલ પચ્ચીસી (સંસ્કૃત: वेतालपञ्चविंशति) પ્રાચીન ભારતનો પ્રસિદ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે રાજા વિક્રમ (વિક્રમાદિત્ય) અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયિતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજા દરબારનાં ૯ રત્નો પૈકી એક હતા. વાર્તા મૂળ સંસ્કૃત ભાષા માં લખાયેલી છે. આ તમામ વાર્તાઓ રાજા વિક્રમાદિત્યની ન્યાયશકિતનો પરીચય કરાવે છે અને મનોરંજન સાથે બોધ પણ આપે છે. તેથી જ તો તેનો અનુવાદ દુનિયાની ઘણી ભાષાઓમાં થયેલો છે.
કથા વસ્તુ
ફેરફાર કરોવેતાલ પચ્ચીસીનું મૂળ કથાનક તપાસીએ તો તેમાં એમ જણાવેલ છે કે ગાઢ જંગલમાં એક બિહામણા વુક્ષની ડાળી પર એક વેતાલ કે વેતાળ (પિશાચ) લટકતો હોય છે જેને રાજા વિક્રમે ઉતારીને પૂનમની રાતે હવન માટે તાંત્રિક પાસે લઈ જવાનો હોય છે, પણ શરત એટલી હોય છે કે રાજા વિક્રમ જ્યારે વેતાળને લઈને આવે ત્યારે તેણે કંઇ પણ બોલવાનુ નહી, પણ ચાલાક વેતાળ તેને રસ્તામાં કથા સંભળાવે છે, અને અંતે તેમાંથી સવાલ પૂછે છે અને બોધ સમજાવવા કહે છે તથા એવી ધમકી આપે છે કે જો વિક્રમ રાજા જવાબ ન આપે તો રાજાનાં શરીરનાં ટૂકડે ટૂકડા થઈ વેરવિખેર થઇ જાય અને જેવા વિક્રમ રાજા જવાબ આપે કે તરત જ તે વેતાળ ઊડીને ફરી પાછો વૃક્ષ પર લટકી જાય અને ફરી રાજા વિક્રમ તેને લેવા જાય આ રીતે વેતાળ જે ૨૪ વાર્તા કહી સંભળાવે છે.
ઉદભવ અને વિકાસ
ફેરફાર કરોતેનો ઉદભવ કહેવાય છે કે રાજા સાત વાહનના સમયમાં તેનાં મંત્રી ગુણાઢ્યે પૈશાચી ભાષામાં લખેલા બૃહત્કથા નામના ગ્રંથમાંથી થયો છે, જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનવામાં આવે છે. બૃહત્કથામાં ૭ લાખ છંદ હતા, પણ હાલ તે પ્રાપ્ય નથી, પછીથી કાશ્મીરના કવિ સોમદેવે તેને ફરી સંસ્કૃત ભાષામાં લખી અને તેને તેના પ્રસિદ્ધ ગ્રંથ ક્થાસરીતસાગરમાં તેનો સમાવેશ કર્યો. આ વાર્તાઓનો ઉદેશ્ય ફક્ત મનોરંજન માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે. જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાથી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતિ સમજી શકાય તેમ છે.
હાલનાં સમયમાં
ફેરફાર કરોરામાંનંદ સાગરે "વેતાલ પચ્ચીસી"ને ધારાવાહિકનું રૂપ આપી દુરદર્શન પર ૧૯૮૮માં તેનું પ્રસારણ કર્યું હતું જેમાં રાજા વિક્રમની ભૂમિકા પ્રખ્યાત કલાકાર અરૂણ ગોવીલ અને વેતાલનું પાત્ર સજ્જન કુમાર વડે ભજવવામાં આવ્યું હતું. તે ઉપરાંત ખાસ બાળકો માટે તેની કાર્ટુન ફિલ્મ પણ બનાવવામાં આવી છે, તે ઉપરાંત તે પુસ્તક રૂપે તો આજે પણ એટલી જ પ્રસિદ્ધ છે. અંગ્રેજી ભાષામાં તેનો અનુંવાદ સર રિચાર્ડ બર્ટન દ્વારા 'વિક્રમ એન્ડ વેમ્પાયર' નામ હેઠળ કરવામાં આવ્યો છે. જો કે તે ખરા અર્થમાં અનુવાદ નથી, બલ્કે મૂળ કથાઓથી પ્રેરાઈને લખવામાં આવેલી છે અને તેમાં મૂળ ૨૫ કથાને બદલે ૧૧ વાર્તાઓનો સમાવેશ થયેલો છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Penzer, N. M. (1926), The Ocean of Story, being C.H. Tawney's Translation of Somadeva's Katha Sarit Sagara, VI, London: Chas. J. Sawyer, https://archive.org/details/oceanofstorybein06somauoft
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Vikram and The Vampire સર રિચાર્ડ બર્ટનનું ભાષાંતર ( World Wide School Library પર પણ પ્રાપ્ત)