લઘુ સામયિક “સંદર્ભ” (૧૯૬૪) એટલે સિતાંશુ યસશ્ચંદ્ર અને પ્રબોધ પરીખ બે જુદા જ પરિવેશ અને સ્વભાવગત જુદી જ લાક્ષણિક્તાઓ ધરાવતાં અને છતાંય અતૂટ મૈત્રી ધરાવતા બે મિત્રોનું સંપાદકીય સાહસ કહી શકાય. “સંદર્ભ” ના ઉદ્દેશ્ય અન્વયે એના પ્રથમ અંકમાં- સંપાદકીય નોંધ “આપણી વાત” માં બંને સંપાદકો લખે છે કે: “જે પ્રબોધ- સિતાંશુનું નથી, આનું કે તેનું નથી, જે કોઈનું નથી એમ પણ નથી, જે કાવ્યતત્પર કવિઓનું છે, તે ‘“સંદર્ભ”’ કાવ્યપરિણત સકાલને આવકારે છે.- આજે ‘મધ્યકાલીનત્વ’, ‘અદ્યતનત્વ’, ‘ગીતત્વ’, કે ‘અછાંદસત્વ’, ના આરોપો કરવામાં ગુજરાતી વિવેચન કાવ્યાસ્વાદ ની મુક્તિ ખોઈ બેસવા તૈયાર થયું છે, ત્યારે વિશેષ.”- આ વલણ ને કારણે કદાચ અન્ય લઘુ સામયિકો ની સરખામણીમાં “સંદર્ભ” ઘણી બધી રીતે કવિઓની અને કાવ્યોની પસંદગીમાં જુદું પડે છે. પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ, હરિન્દ્ર દવે, જયંત પાઠક, રઘુવીર ચૌધરી, ઉશનસ, આદિલ મન્સૂરી, મનહર મોદી, પ્રબોધ પરીખ, ભરત ઠક્કર, લાભશંકર ઠાકર અને સિતાંશુ યસશ્ચંદ્ર મેહતાની કવિતાઓ એકસાથે જોવા મળે છે. પ્રબોધ પરીખ પણ જણાવે કે “સંદર્ભ” નો મિજાજ બધા જ કવિઓ અને કવિતાઓને સમાવી દે તેવોબહુરંગી હતો;છાંદસ-અછાંદસની વચ્ચે વિહરતો- ઉશનસ, હરિન્દ્ર દવે, અને રાવજી, લાભશંકર ઠાકર.” [] જોકે એના ફક્ત ત્રણ જ અંકો પ્રકાશિત થયા હતા. આ અંકો ફાર્બ્સ ગુજરાતી સભા મુંબઈ ખાતે ઉપલબ્ધ છે તથા ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર આર્ટ્સ (આઈફા) બેંગલોર [] પાસેથી પણ મેળવી શકાય.

  1. રમણ સોની. નેપાથ્યેથી પ્રકાશવર્તુળમાં: સાહિત્યિક સામયિકોનાસંપાદકોની અનુભવકથા. વડોદરા: રમણ સોની, ૧૯૯૬. ગુજરાતી.
  2. "Pankti Desai | India Foundation for the Arts". indiaifa.org. મેળવેલ 2024-12-03.