સભ્ય:Sushant savla/બહાદુરભાઈ વાંક
વાંક, બહાદુરભાઈ જગાભાઈ (જ. 13 મે 1937, જેતપુર, કાઠી, રાજકોટ) : ગુજરાતી વાર્તાકાર, ચિત્રકાર. મૂળ વતન ખારચિયા, વાંકના, જૂનાગઢ. હાલ નિવાસ જૂનાગઢમાં. પિતા સરકારી નોકરીમાં વહીવટદાર. આર્થિક વિષમ પરિસ્થિતિને કારણે શાળામાં મોડો પ્રવેશ. એસ. એસ. સી. 1958માં, સાહિત્યરત્ન (સંસ્કૃત). કુમાર-અવસ્થામાં સ્લેટ પર કે ધૂળ પર ચિત્રાંકનની રમતમાં ભાવિ સમર્થ ચિત્રકારનાં લક્ષણો પ્રતીત થયેલાં. બાળવાર્તાઓનું ગજબ આકર્ષણ. 1959માં એસ.ટી. ખાતામાં અતિસામાન્ય નોકરીમાંથી 1988માં સ્વેચ્છા-નિવૃત્તિ સુધીમાં સિનિયર ક્લાર્કને સ્થાને પહોંચેલા. એ દરમિયાન અનુભૂતિને રંગરેખા અને વાર્તાસર્જનમાં પ્રગટાવનારી દ્વિવિધ પ્રતિભાશક્તિ પાંગરતી રહી. વાર્તાઓ પ્રસિદ્ધ થતી રહી. વાર્તાકાર ઉપરાંત તેઓ ચિત્રકાર, ફોટોગ્રાફર, જ્યોતિષી, સ્પૉર્ટ્સમૅન, વૉલીબૉલ પ્લેયર આદિની પ્રતિભાશક્તિ ધરાવે છે. તરણેતરના મેળામાં માલધારીના એમણે લીધેલા ક્લોઝઅપનો ગુજરાત રાજ્ય મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટે તદ્વિષયક પુસ્તિકા પ્રગટ કરી શો યોજેલો. કાર્ટૂનિંગ કૅરિકેચરનો ડિપ્લોમા અને દહેરાદૂન ગ્રાફૉલોજી ઇન્સ્ટિટ્યૂટના હસ્તાક્ષરશાસ્ત્રનું પ્રમાણપત્ર તેઓ ધરાવે છે. [૧]
ચિત્રકારીમાં એમણે પદ્ધતિસરનું શિક્ષણ લીધું નથી. એ એમની સિસૃક્ષાની સ્વયંભૂ નીપજ છે. અમદાવાદમાં 1970માં ચિત્રપ્રદર્શન જોતાં અંત:પ્રેરણા ઉદભવી. જૂનાગઢના ચિત્રકાર વૃંદાવન સોલંકી પાસે સાધારણ સમજ મેળવી ચિત્રકામ શરૂ કર્યું અને સિદ્ધિનાં સોપાન સર કર્યાં. વિશ્વપ્રસિદ્ધ કલાકારોનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. 1976થી 1986 દરમિયાન ચિત્રો સર્જાતાં રહ્યાં. આરંભમાં જ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના પ્રદર્શનમાં એમનાં ‘બ્લૅક ગાર્ડ’, ‘અસ્તિત્વવાદી’ ‘ડિસ્ટૉર્શન ઑવ વિઝન’ ચિત્રો પસંદગી પામ્યાં. 1982માં આબુના આર્ટિસ્ટ કૅમ્પમાં એમની પસંદગી થયેલી. એમણે દોરેલા પોતાના સ્કૅચની રવિશંકર રાવળે (1892-1977) પ્રશંસા કરેલી. મુંબઈમાં જહાંગીર આર્ટ ગૅલેરીમાં તેમજ રાષ્ટ્રીય કક્ષાએ અમદાવાદ, અલ્લાહાબાદ, ભુજ, રાજકોટ આદિ સ્થળોએ પણ એમના ‘વન મૅન-શો’ યોજાયા. 1978માં દિલ્હીના આંતરરાષ્ટ્રીય ચિત્ર-પ્રદર્શનમાં એમનાં ચિત્રોને વિશિષ્ટ ગુણવત્તાનું પ્રમાણપત્ર મળેલું. પ્રતિક્ષણે બદલાતી જતી માનવીય ચેતના, હતાશા, પીડા, વિડંબનાનું પ્રતીકાત્મક નિરૂપણ એમની કલાના વિષયો રહ્યા છે.
1982થી એમને વારસાગત આંખોની તકલીફ થયેલી. ડૉક્ટરી સૂચના પેઇન્ટિંગ છોડવાની હતી. 19841985માં પાંડુરંગ શાસ્ત્રીના અલ્લાહાબાદના ‘પ્રયાગરાજ તીર્થસંમેલન’ માટે ચિત્રો કર્યાં. આંખની ખરાબી વધી. શસ્ત્રક્રિયા કરાવી પણ દૃષ્ટિ એક આંખમાં પાંચ-દસ ટકા જ આવી. સિસૃક્ષાએ પીંછીનું કામ મુકાવી કલમ પકડાવી. 1986માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમરેલી જ્ઞાનસત્રમાં બહાદુરભાઈના અંધાપાની કોઈની ટકોરના પ્રત્યુત્તરમાં 1987માં હૉસ્પિટલમાં દૃષ્ટિવિહીન અવસ્થામાં કાગળ પર ફૂટપટ્ટીથી માપ લઈને સંખ્યાબંધ વાર્તાઓ લખી. અલ્પદૃષ્ટિમાં તેને સંમાર્જી ‘પીછો’ નામે સંચય 1988 પ્રગટ કર્યો. આ પૂર્વે તેમની હોનારત (1986) લઘુકથા પ્રગટ થયેલી. અલ્પદૃષ્ટિમાં તેમણે સાતેક હજાર પાનાંનું લખાણ લખ્યું, તેમાંથી ‘વિનાયક વિષાદ યોગ’ (1993) અને ‘રાફડો’ (1995) વાર્તાસંગ્રહો પ્રગટ્યા. બંનેને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પુરસ્કારો મળ્યા. ‘રાફડો’ ધૂમકેતુ નવલિકા પુરસ્કારથી વિભૂષિત થયો. 1993માં ‘ઈશ્વર’ લઘુકથા પ્રગટ થયેલી. સર્જનાત્મક નિબંધ અને સમીક્ષાત્મક લેખો લખવા ઉપરાંત ઝેનકથાઓ જેવી ધ્યાનકથાઓ એમણે દોઢસોથી વિશેષ લખી છે. તે પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહી છે અને ‘કુમાર’માં આઠ વર્ષથી ચાલુ છે. ધ્યાનકથાઓમાં એમનો સર્જનાત્મક તત્વદર્શી આગવો ઉન્મેષ અને સ્વકીય પ્રસ્તુતિ છે. એમાં હૃદયસ્પર્શી સંવેદના, રસાન્વિત દર્શન તેમજ આધ્યાત્મિક અનુભૂતિ છે. ધ્યાનકથાઓનો એક સંગ્રહ વિદૂષી વિમલા ઠકારના પુરોવચન સહ પ્રસિદ્ધ થનાર છે. એમની કેટલીક ધ્યાનકથાઓના એમણે કરેલા અંગ્રેજી અનુવાદ સૌરાષ્ટ્રના અંગ્રેજી સાપ્તાહિકમાં પ્રસિદ્ધિ પામ્યા છે. એમની સમગ્ર વાર્તાસૃદૃષ્ટિ તલસ્પર્શી અનુભવ, તીવ્ર સંવેદનશીલતા અને ઊંડી સહાનુભૂતિમાંથી પ્રગટી છે. જીવનને જાણવા, માણવા, પ્રમાણવામાં સતત સક્રિય બહાદુરભાઈની સર્જનાત્મક કલમ અને પીંછી સત્યને તેના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં પ્રતીકાત્મક સ્વરૂપે નિરૂપે છે.
- ↑ "વાંક, બહાદુરભાઈ જગાભાઈ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-28.