હિન્દુ ધર્મ ઘણો વિશાળ ધર્મ છે, એક વિશાળ વટવૃક્ષ સમાન છે. હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. વેદાંતના સંપ્રદાયો ઉપરાંત શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, આર્યસમાજ, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીનતા, નાથસંપ્રદાય, રામાનંદી પંથ, કાશ્મીર શૈવમત, પાશુપતમત, વીરશૈવમત, મહાનુભાવી પંથ, વારકરી સંપ્રદાય, વગેરે અનેક સંપ્રદાયો હિન્દુ ધર્મમાં છે. હિન્દુ ધર્મના પ્રમાણભૂત સાહિત્યનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પ્રમાણભૂત માને છે. પરંતુ તે ઉપરાંત પ્રત્યેક સંપ્રદાયને પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ ઘણું છે. પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો દ્વારા આવા સાંપ્રદાયિક ગ્રંથોની રચના થઈ છે. આ સાંપ્રદાયિક ગ્રંથોની સંખ્યા પણ હજારોની છે. આ સાંપ્રદાયિક ગ્રંથો તે તે સંપ્રદાયોનું પ્રમાણભૂત સાહિત્ય મનાય છે અને તેથી હિન્દુ ધર્મના પ્રમાણભૂત સાહિત્યમાં તેમનો સમાવેશ પણ થાય છે.