હસમુખલાલ શાહ
હસમુખલાલ ચંપકલાલ શાહ, ઉપનામ: હસમુખ મઢીવાળા, (૧ ઓક્ટોબર ૧૯૨૬) ગુજરાતી કવિ છે.
જીવન
ફેરફાર કરોજન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવાલયમાં અને મુંબઈની ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં નોકરી. ૧૯૫૧ થી ૧૯૫૮ સુધી બારડોલી (જિ. સુરત)માં વકીલાત. ૧૯૫૮-૭૧ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે સિવિલ જજ. ૧૯૭૧ થી ૧૯૭૫ સુધી આસિસ્ટંટ ડિસ્ટ્રીક્ટ જજ. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ગુજરાત રાજ્ય સચિવાલય, ગાંધીનગરમાં નાયબ સચિવ. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે ડિસ્ટ્રીક્ટ ઍન્ડ સેસન્સ જજ.
સર્જન
ફેરફાર કરોએમણે કાવ્યસંગ્રહો ‘આશ્લેષ’ (૧૯૫૬) અને ‘યરલવ’ (૧૯૭૪)માં સૉનેટ, ગીત અને ગઝલ સ્વરૂપોનો આશ્રય લઈ મુખ્યત્વે દાંપત્યજીવન અને ગૃહજીવનની પ્રસન્નતાને આલેખી છે. એ ઉપરાંત આ સંગ્રહોમાં ગાંધીજી, સરદાર આદિને વિષય બનાવી રચાયેલાં અંજલિકાવ્યો પણ છે. વળી, કવિએ અહીં સ્વાતંત્ર્ય પછી દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈ મનમાં અનુભવેલાં સંતાપ પણ વ્યક્ત કર્યો છે. ‘ક્ષુલ્લક રજકણ એક’ (૧૯૮૪) એ એમનો દુહાસંગ્રહ છે. ‘ઝલક અને ઝાંખી’, ‘તરંગ અને તરણી’, ‘ધૂપશલાકા’ અને ‘કોઈ કંકર કોઈ મોતી’ ભાદરણના સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના અંગ્રેજી ગ્રંથોના અનુવાદ છે; તો ‘આગિયાના અંગાર’ (૧૯૬૧) સમરસેટ મોંમની નવલકથાનો અનુવાદ છે.