હસમુખ બારાડી

ગુજરાતી નાટ્યકાર, વિવેચક, અનુવાદક

હસમુખ જમનાદાસ બારાડી (૨૩-૧૨-૧૯૩૮) : નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટ્યદિગ્દર્શન વિષય સાથે ડિપ્લોમા, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૨માં મોસ્કોના સ્ટેટ થિયેટર ઈન્સ્ટિટ્યુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઈન્સ્ટિટ્યુટ, મોસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦-૧૯૬૪ દરમિયાન આકાશવાણીના વડોદરા તેમ જ રાજકોટ કેન્દ્રમાં નાટ્યલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી આકાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક. ૧૯૭૩ થી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ-નિર્માતા.

હસમુખ બારાડી, ૨૦૧૦

સાત પાત્રોવાળું દ્વિઅંકી નાટક ‘કાળો કામળો’ (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તનો વિનિમય કરતું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકનો હિન્દી અનુવાદક ૧૯૮૦માં ‘કાલા કમ્બલ’ નામે પ્રગટ થયો છે. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખોવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વાન્યા’નો અનુવાદ ‘વાન્યા મામા’ (૧૯૮૩) ઉપરાંત ‘ટેલિફોન’ (‘એનેક્ટ’, ૧૯૮૧-૮૨) એ એમના અંગ્રેજી નાટ્યનુવાદો છે. ‘જનાર્દન જોસેફ’ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ ‘યાયાવર’ (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારાડીનાં બે નાટકો’ (૧૯૮૪)માં સામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શેબાજી બોલિયા’ ત્રિઅંકી છે તથા ‘જશુમતી કંકુવતી’ દ્વિઅંકી છે. ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ’ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક નિરૂપણ કરતું પ્રયોગશીલ નાટક છે.

બાહ્ય કડીઓફેરફાર કરો

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય