હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ(૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮) : સંશોધક. જન્મ સુરતમાં. વતન હાંસોટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી નોકરી. ૧૯૧૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહાસ અને કેળવણીમાં રુચિ. ગુજરાત સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને આપારાવ ભોળાનાથ લાયબ્રેરીમાં માનદ મંત્રી.

‘એમણે ગ્રંથ અને ગ્રંથકાર’- ભા. ૧ થી ૮ (૧૯૩૦-૧૯૩૮), ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ’: ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (૧૯૭૬) વગેરે પુસ્તકો લખ્યાં છે. એમનાં સંપાદનોમાં ‘કાવ્યગુચ્છ’ (૧૯૧૮), ‘પ્રભુભક્તિનાં કાવ્યો’ (૧૯૧૯), ‘દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ’ (૧૯૩૦), ‘નરસિંહ મહેતાનું આખ્યાન’ (૧૯૨૩), ‘ગુજરાતી સાહિત્ય પરિષદ અહેવાલ અને નિબંધસંગ્રહ’- ૬, ૧૦, ૧૨ (૧૯૨૭), ‘વસંત રજત મહોત્સવગ્રંથ’ ‘લેડી વિદ્યાબહેન મણિ મહોત્સવગ્રંથ’ (૧૯૩૬), ‘પહેલી અને બીજી પત્રકાર પરિષદનો રિપોર્ટ’ (૧૯૨૫, ૧૯૨૯), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી સ્મારક ગ્રંથ’ વગેરેનો સમાવેશ થાય છે.

ગ્રંથ અને ગ્રંથકાર- ખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬) : ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ સાહિત્યની ગતિવિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. ગ્રંથશ્રેણીના અગિયાર ગ્રંથોમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે કર્યું છે; તો નવ, દશ અને અગિયારમાં ખંડોના સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા કેશવલાલ કાશીરામ શાસ્ત્રી, ધીરુભાઈ ઠાકર તથા ઈન્દ્રવદન કા. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.

આ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોનો પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમા ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પુરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીનો સમાવેશ થયો છે.

ગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્તે જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખો ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે વિષયોને નિરૂપતા લેખો પણ અહીં સંગ્રહિત છે.

ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભસાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય