હૃદયકુંજ
હૃદય કુંજ એ સાબરમતી આશ્રમ ખાતે આવેલું ગાંધીજીનું મૂળ વસવાટ છે. આ નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહિંસાનું આંદોલન અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમનું આ સ્મારક તેની મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે તેની મૂળ સ્થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.
‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્તકાલય, ગાંધીજીના હસ્તલિખિત પત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્તાવેજો ઉપરાંત ધ્વનિ અને પ્રકાશના આયોજનથી સ્વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે.