IP એડ્રેસ

(IP address થી અહીં વાળેલું)

ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (IP એડ્રેસ) એક સંખ્યાત્મક લેબલ છે જે કમ્પ્યુટર નેટવર્કમાં વાર્તાલાપ કરવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે અને વાર્તાલાપમાં ભાગ લેનાર દરેક હોસ્ટને (કમ્પ્યુટર, પ્રિન્ટ ઉપકરણ વિ.) મળેલું હોય છે. [] IP એડ્રેસના મુખ્ય બે કાર્યો છે : (નેટવર્કમાં) હોસ્ટ કે નેટવર્ક ઇન્ટરફેસની ઓળખાણ અને તેનું સ્થાન. તેની આ ભૂમિકાની લાક્ષણિકતાઓ આ મુજબ છે : “એક નામ સૂચવે છેકે, આપ શુ શોધી રહ્યા છે. એક સરનામું સૂચવે છે કે તે ક્યાં છે. એક માર્ગ ત્યાં કેવી રીતે પહોચી શકાય તે સૂચવે છે.” []

ઈન્ટરનેટ પ્રોટોકોલના ડીઝાઇનરોએ IP એડ્રેસને ૩૨-બીટ નંબર તરીકે વ્યાખ્યાયિત કર્યા છે અને આ પ્રણાલી ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૪ (IPv4) તરીકે ઓળખાઈ અને આજે પણ તેજ નામે ઓળખાય છે. જોકે, ઈન્ટરનેટમાં પ્રચંડ વૃદ્ધિ થવાથી અને બાકી રહેલા IPv4 એડ્રેસોની અછતની આગાહી ના કારણે ઈન્ટરનેટ પ્રોટોકોલની નવી આવૃત્તિ IPv6 ઈ.સ. ૧૯૯૫માં વિકસાવવામાં આવી જે ૧૨૮-બીટ નો ઉપયોગ કરે છે.[] IPv6 ઈ.સ. ૧૯૯૮માં RFC 2460 તરીકે પ્રમાણિત થયું. [] અને તેનું પરીનીયોજન મધ્ય ૨૦૦૦ થી શરૂ થયું.

IP એડ્રેસ બાયનરી(જે માં મૂળભૂત રીતે બે જ અંકો ૦ અને ૧ હોય તેવી) સંખ્યા છે, પણ સામાન્ય રીતે તેનો ટેકસ્ટ ફાઈલમાં સંગ્રહ થયેલો હોય છે અને માનવથી વંચાય એ રીતે પ્રદશિત થયેલ છે જેમકે, 172.16.241.1 (IPv4 માટે) અને 2001:db8:0:1:1234:587:1 (IPv6 માટે) ઈન્ટરનેટ એસાઈન નંબર્સ ઓથોરીટી (IANA) વૈશ્વિક રીતે IP એડ્રેસોની ફાળવણી કરે છે અને પાંચ (રીજીઓનલ ઈન્ટરનેટ રજીસ્ટ્રાર)RIRs પ્રતિનિધિઓને IP એડ્રેસોની ફાળવણી કરી કરીને પોતાના જે તે સ્થાનીક એકમોમાં ISP(ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર)ની મદદથી IP એડ્રસોની વહેચણી કે વ્યવસ્થાપન કરે છે.

IP આવૃતિઓ

ફેરફાર કરો

ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) ની મુખ્યત્વે બે આવૃતિઓ ઉપયોગમાં છે : IP આવૃત્તિ ૪ અને IP આવૃત્તિ ૬. દરેક આવૃતિઓ IP એડ્રેસને જુદી રીતે દર્શાવે છે. IPv4ના વ્યાપને કારણે સામાન્ય રીતે શબ્દ IP હજુ પણ IPv4 દ્વારા વ્યખાયિત સરનામાંનો ઉલ્લેખ કરે છે. IPv4 અને IPv6 આવૃત્તિઓ વચ્ચેના તફાવત વિષે જોઈએતો, ૧૯૭૯માં ઈન્ટરનેટ સ્ટ્રીમ પ્રોટોકોલના પ્રાયોગિક ધોરણે અજમાવેલા પ્રોટોકોલ ને કયારેય પણ IPv5 તરીકે ઉલ્લેખ કરાયો નથી.

IPની પરિભાષા

ફેરફાર કરો

આ લેખને સારી રીતે સમજવા માટે નીચેના કેટલાક ઘટકો વિષે થોડું જાણી લઈએ.[]

  • બીટ : બીટ એટલે એક અંક ૧ કે ૦
  • બાઈટ : એક બાઈટ ૮ બીટ્સનો બનેલો છે.
  • ઓક્ટેટ : ૮ બીટ્સના બનેલા છે – સામાન્ય રીતે ૮-બીટ બાયનરી સંખ્યા છે.

IPv4 એડ્રેસ પ્રણાલીમાં તેના એડ્રેસો ૩૨ બીટના હોય છે અને તેઓ શક્ય એટલા અનન્ય ૪૨૯૪૯૬૭૨૯૬ (૨^૩૨) એડ્રેસો ધરાવે છે. IPv4એ તેના કેટલાક એડ્રેસોને ચોક્કસ હેતુઓ (જેમકે અંગત નેટવર્ક માટે ~૧૮ મિલિયન એડ્રેસો કે મલ્ટીકાસ્ટ એડ્રેસો (~૨૭૦ મિલિયન)) માટે અનામત કર્યા છે. IPv4ના એડ્રેસો પ્રમાણભૂત રીતે ડોટ-ડેસીમલ પધ્ધતિથી લખવામાં(દર્શાવામાં) આવે છે, જેમાં ચાર દશાંશ (Decimal) સંખ્યાઓ (જેનો વિસ્તાર ૦ થી ૨૫૫ વચ્ચે) ટપકા (ડોટ) વડે અલગ પડેલ હોય છે. દા.ત. 172.16.254.1. એડ્રેસનો દરેક એક ભાગ ૮ બીટ્સ (ઓક્ટેટ)ને દર્શાવે છે. તકનીકી લખાણ અને અમુક કિસ્સાઓમાં IPv4ને વિવિધ રીતે એટલેકે હેક્ક્ષાડેસીમલ, ઓક્ટેલ કે બાઈનરી સ્વરૂપે પણ પ્રદશિત કરાય છે. બીજી રીતે કહીએતો, આ IP એડ્રેસો વૈશ્વિક રીતે અનન્ય હોય છે. IP એડ્રેસમાં ૩૨ બીટ્સ ની માહિતી રહેલી હોય છે. આ બીટ્સ ચાર વિભાગમાં વહેચાયેલા જેને ઓક્ટટ કે બાઈટ કહી શકીએ. જેને નીચે મુજબ જુદી જુદી રીતે દર્શાવી શકીએ. []

  • ડોટેટ-ડેસીમલ : ૧૭૨.૧૬.૩૦.૫૬ (172.16.30.56)
  • બાયનરી : 10101100.00010000.00011110.00111000
  • હેકસાડેસીમલ : AG.10.IE.38

Netid અને Hostid

ફેરફાર કરો
 
ડોટ-દશાંશ પધ્ધતિ દ્વારા IPv4 એડ્રેસનું વિઘટન

વર્ગપૂર્ણ એડ્રેસિંગમાં, વર્ગ A,B અને C માં રહેલા IP એડ્રેસો Netid અને hostidમાં વહેચાયેલા છે. આ બંને ભાગોની લંબાઈ તે કયા વર્ગનો સભ્ય છે તે મુજબ બદલાતી રહે છે. આ પ્રકારની ધારણા વર્ગ D અને E ને લાગુ પડતી નથી. વર્ગ A એક બાઈટ netid અને ત્રણ બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે. વર્ગ B બે બાઈટ netid અને બે બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે. વર્ગ C ત્રણ બાઈટ netid અને એક બાઈટ hostid ને વ્યાખ્યાયિત કરે છે.

માસ્ક (સબનેટ-માસ્ક)

ફેરફાર કરો

વર્ગપૂર્ણ એડ્રેસિંગમાં netid અને hostid ની લંબાઈ(બીટ્સ માં) પૂર્વનિર્ધારિત હોય છે, આપણે માસ્કનો પણ ઉપયોગ કરી આ લંબાઈ જાણી શકો છો. માસ્ક એ ૩૨-બીટ સંખ્યા છે. દા.ત. વર્ગ A માટે માસ્ક આઠ ૧નો બનેલો છે એનો મતલબ એ થયો કે, વર્ગ A ના કોઈપણ એડ્રેસના પહેલા ૮ બીટ્સ netid વ્યાખ્યાયિત કરે છે અને બાકી રહેલા ૨૪ બીટ્સ hostid વ્યાખ્યાયિત કરે છે. વધુ માટે નીચેનું કોષ્ટક જુઓ.

વર્ગપૂર્ણ એડ્રેસિંગ માટે મૂળભૂત સબનેટ માસ્ક
વર્ગ બાયનરી ડોટેટ-ડેસીમલ CIDR
A 11111111 00000000 00000000 00000000 255.0.0.0 /૮
B 11111111 11111111 00000000 00000000 255.255.0.0 /૧૬
C 11111111 11111111 11111111 00000000 255.255.255.0 /૨૪

અર્થપૂર્ણ નેટવર્ક સ્થાપત્ય (Classful Network Architecture)

ફેરફાર કરો

ઈન્ટરનેટ પ્રોટોકોલના શરૂવાતી વિકાસ દરમિયાન,[] નેટવર્ક વ્યવસ્થાપકો IP એડ્રેસનું બે ભાગમાં અર્થઘટન કરતા હતા : નેટવર્ક નંબર વાળો હિસ્સો અને હોસ્ટ નંબર વાળો હિસ્સો. એડ્રેસમાં રહ્લું સૌથી મોટા ક્રમ વાળું ઓક્ટેટ (અત્યંત નોધપાત્ર આઠ બીટ્સ) નેટવર્ક નંબર તરીકે નિયુક્ત થતું અને બાકી રહેલા બીટ્સ બાકી ફિલ્ડ કે હોસ્ટ ઓળખકર્તા તરીકે ઓળખાતા અને નેટવર્કમાં હોસ્ટને નંબર આપવા માટે વાપરતા.

આ પ્રારંભિક પદ્ધતિ ટૂંક સમયમાં વધારાના વિકસિત કે હયાત પહેલેથી નેટવર્ક નંબર દ્વારા નિયુક્ત નેટવર્ક્સ સ્વતંત્ર હતા નેટવર્ક તરીકે અપૂરતી સાબિત થયા હતા. 1981 માં, ઈન્ટરનેટ સંબોધન સ્પષ્ટીકરણ વર્ગપૂર્ણ નેટવર્ક સ્થાપત્ય ની રજૂઆત સાથે સુધારવામાં આવી હતી. []

વર્ગપૂર્ણ નેટવર્કની ડીઝાઇનની અલગ-અલગ નેટવર્કોની મોટી સંખ્યામાં સોંપણી ઉપરાંત સૂક્ષ્મપ્રકારની ઉપનેટવર્ક ની ડીઝાઇનને પણ મંજૂરી આપે છે. IP એડ્રેસના સૌથી નોધપાત્ર ઓક્ટેટ ના પ્રથમ ત્રણ અક્ષરો એડ્રેસના વર્ગ તરીકે વ્યાખ્યાયિત કરાયા હતા. સાર્વત્રિક યુંનીકાસ્ટ એડ્રેસિંગ માટે ત્રણ વર્ગો (A,B અને C)ને વ્યાખ્યાયિત કરાયા. વર્ગોની તારવણીના આધારે, નેટવર્કની ઓળખ સંપૂર્ણ એડ્રેસના ઓક્ટેટ સીમા સેગ્મેન્ટો પર આધારિત હતા. દરેક વર્ગ નેટવર્ક ઓળખ ઓક્ટેટમાં ક્રમશ: વધારો કરે છે આથી આગળના વર્ગો (B અને C) માં હોસ્ટની સંખ્યા ઘટતી જાય છે. નીચેનું કોષ્ઠક જૂની પ્રણાલીની ઝાંખી આપે છે.

ઐતિહાસિક વર્ગપૂર્ણ નેટવર્ક સ્થાપત્ય []
વર્ગ સરનામાંના મુખ્ય બીટ્સ (બાયનરી) પહેલા ઓક્ટેટનો વિસ્તાર (દશાંશ) નેટવર્ક ID ફોર્મેટ હોસ્ટ ID ફોર્મેટ નેટવર્કોની સંખ્યા નેટવર્ક દીઠ એડ્રેસોની સંખ્યા એપ્લીકેશન
A ૦-૧૨૭ a b.c.d = ૧૨૮ ૨૪ = ૧૬ ૭૭૭ ૨૧૬ યુંનીકાસ્ટ
B ૧૦ ૧૨૮-૧૯૧ a.b c.d ૧૪ = ૧૬ ૩૮૪ ૧૬ = ૬૫ ૫૩૬ યુંનીકાસ્ટ
C ૧૧૦ ૧૯૨-૨૨૩ a.b.c d ૨૧ = ૨ ૦૯૭ ૧૫૨ = ૨૫૬ યુંનીકાસ્ટ
D ૨૨૪-૨૩૯ ૨૬૮,૪૩૫,૪૫૬ મલ્ટીકાસ્ટ
E ૨૪૦-૨૫૫ ૨૬૮,૪૩૫,૪૫૬ અનામત
F ૨૦૮-૨૧૫ ૨૮
G ૨૧૬/૮ ARIN - North America
G ૨૧૭/૮ RIPE NCC - Europe
G ૨૧૮-૨૧૯/૮ APNIC
H ૨૨૦-૨૨૧ ૨૯
K ૨૨૨-૨૨૩ ૩૧

વર્ગપૂર્ણ નેટવર્ક ડીઝાઇન ઈન્ટરનેટના શરૂવતી તબક્કામાં સેવા આપી પરંતુ, ૧૯૯૦માં નેટવર્કમાં થયેલ ઝડપી વિસ્તરણને કારણે આ ડીઝાઇને વધુ સરનામાંની જરૂર પડી. આ સરનામાઓને સમાવવા માટે ઈ.સ. ૧૯૯૩માં ક્લાસલેસ ઇન્ટર-ડોમેન રાઉંટીંગ (CIDR) નામની પદ્ધતિએ વર્ગપૂર્ણ નેટવર્ક ડીઝાઇનનું સ્થાન લીધું. વેરીએબલ-લેન્થ સબનેટ માંસ્કીંગ (VLSM) પર આધારિત આ CIDR IP એડ્રેસોની લંબાઈને ઈચ્છાધિન રીતે વધારી ઘટાડી આપે છે. આજે, વર્ગપૂર્ણ નેટવર્કોના અવશેષો માર્યાદિત માત્રામાં જોવા મળે છે.

IPv4 ના વિવિધ વર્ગો []

ફેરફાર કરો

ઉપર જોયું તેમ વર્ગપૂર્ણ IPv4 ને જુદા જુદા નવ વર્ગોમાં વહેચી નાખવામાં આવ્યા છે : A,B,C,D,E,F,G,H અને K.

  • વર્ગ A : IP એડ્રેસ યોજનાના રચનાકારો પ્રમાણે વર્ગ A માં રહેલો પહેલો બાઈટનો પહેલો બીટ નેટવર્ક એડ્રેસ છે અને તે ૦ છે. એટલેકે, વર્ગ A ના એડ્રેસ નો પહેલા બાઈટની કિમંત ૦ અને ૧૨૭ વચ્ચે જ રહે છે. માટે વર્ગ A માટે નેટવર્ક એડ્રેસ : 0XXXXXXX હવે આ X=0 અને 1 ની કિમંતોની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૦ અને મહતમ કિમંત ૧૨૭ થાય.
  • વર્ગ B : વર્ગ Bમાં પહેલા બાઈટ ના પહેલા બીટ ની કીમંત ૧ અચલ રહે છે પરંતુ બીજો બીટ ૦ રહે છે અને બાકીના છ બીટની કિમતો બદલાતી રહે છે. માટે વર્ગ B માટે નેટવર્ક એડ્રેસ : 10XXXXXX. X માટે (0,1) સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૨૮ અને મહતમ કિમંત ૧૯૧ મળે.
  • વર્ગ C : વર્ગ C માં પહેલા બાઈટના પહેલા બે બીટ્સ ની કિમંત ૧ અચળ રહે પરંતુ ત્રીજો બીટ ૦ રહે છે અને બાકીના પાંચ બીટ ની કિમંતો બદલાતી રહે છે. માટે વર્ગ C માટે નેટવર્ક એડ્રેસ : 110XXXXX. X માટે (૦,૧) ની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૯૨ અને મહતમ કીમત ૨૨૩ મળે.
  • વર્ગો D થી K : બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D થી K ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.

અનામત નેટવર્ક એડ્રેસ : વિશિષ્ટ હેતુ માટે []

ફેરફાર કરો

કેટલાક IP એડ્રેસો ચોક્કસ હેતુ માટે અનામત કરાયા છે, માટે નેટવર્ક વ્યવસ્થાપક આનો ઉપયોગ કોઈ પણ હોસ્ટને આપી શકતો નથી. નીચેનું કોષ્ઠક આવા IP એડ્રેસો દર્શાવે છે.

અનામત IP એડ્રેસો
એડ્રેસ કાર્યપ્રણાલી
૦ થી બનેલ નેટવર્ક એડ્રેસ અર્થ : આ નેટવર્ક કે વિભાગ
૧ થી બનેલ નેટવર્ક એડ્રેસ તમામ નેટવર્કો
નેટવર્ક ૧૨૭.૦.૦.૧ લૂપબેક ટેસ્ટમાટે અનામત. સ્થાનિક નોડ માટે ટેસ્ટ પેકેટને પોતાના પર જ નેટવર્ક ટ્રાફિક વધાર્યા વિના મોકલવા બનાવ્યું.
૦ થી બનેલ નોડ એડ્રસ અર્થ : આપેલ નેટવર્કનો કોઈપણ નોડ
૧ થી બનેલ નોડ એડ્રસ અર્થ : આપેલ નેટવર્કના બધા જ નોડ. દા.ત ૧૨૮.૨.૨૫૫.૨૫૫ એટલે નેટવર્ક ૧૨૮.૨ ના તમામ નોડ
પૂરો IP એડ્રેસ ૦ નો બનેલ અર્થ : કોઈપણ નેટવર્ક
પૂરો IP એડ્રેસના બીટ્સ ૧ હોય એટલેકે IP : 255.255.255.255 આપેલ નેટવર્ક ના તમામ નોડમાં પ્રસારિત માટે
નેટવર્ક ૧૯૨.૦.૨.૦/૨૪ Test-Net માટે અનામત
નેટવર્ક ૧૬૯.૨૫૪.૦.૦/૧૬ લીંક લોકલ
નેટવર્ક ૨૨૪.૦.૦.૦/૪ વર્ગ D મલ્ટીકાસ્ટ
નેટવર્ક ૨૪૦.૦.૦.૦/૫ વર્ગ E અનામત
નેટવર્ક ૨૪૮.૦.૦.૦/૫ અનામત

A, B અને C વર્ગોમાં IP એડ્રેસો

ફેરફાર કરો
વર્ગ બાહ્યરૂપ નેટવર્ક ID

(નોડના તમામ બીટ્સ ૦ થવાથી નેટવર્ક ID મળે.)

માન્ય હોસ્ટ ID

(નેટવર્ક ID અને હોસ્ટ ID ને બાદ કરતા મળતા હોસ્ટ)

પ્રસારણ ID

(નોડના તમામ બીટ્સ ૧ કરવાથી પ્રસારણ (Broadcast) ID મળે.)

A નેટવર્ક.નોડ.નોડ.નોડ નેટવર્ક.૦.૦.૦.

દા.ત. ૧૦.૦.૦.૦

નેટવર્ક.૦.૦.૧ થી નેટવર્ક.૨૫૫.૨૫૫.૨૫૪

દા.ત. ૧૦.૦.૦.૧ થી ૧૦.૨૫૫.૨૫૫.૨૫૪

નેટવર્ક.૨૫૫.૨૫૫.૨૫૫

દા.ત. ૧૦.૨૫૫.૨૫૫.૨૫૫

B નેટવર્ક.નેટવર્ક.નોડ.નોડ નેટવર્ક.નેટવર્ક.૦.૦

દા.ત. ૧૭૨.૧૬.૦.૦

નેટવર્ક.નેટવર્ક.૦.૧ થી નેટવર્ક.નેટવર્ક.૨૫૫.૨૫૪

દા.ત. ૧૭૨.૧૬.૦.૧ થી ૧૭૨.૧૬.૨૫૫.૨૫૪

નેટવર્ક.નેટવર્ક.૨૫૫.૨૫૫

દા.ત. ૧૭૨.૧૬.૨૫૫.૨૫૫

C નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.નોડ નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૦

દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૦

નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૧ થી નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૨૫૪

દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૧ થી ૧૯૨.૧૬૮.૫૦.૨૫૪

નેટવર્ક.નેટવર્ક.નેટવર્ક.૨૫૫

દા.ત. ૧૯૨.૧૬૮.૫૦.૨૫૫

IPv4માં ખાનગી એડ્રેસો

ફેરફાર કરો

નેટવર્ક ડીઝાઇનની શરૂઆતમાં, જયારે વૈશ્વિક રીતે છેવાડાના હોસ્ટને ઈન્ટરનેટના બધા હોસ્ટ જોડે જોડાણ કરવાની કલ્પના હતી, આ માટે જોડાણ મા રહેલા હોસ્ટને અનન્ય IP એડ્રેસ આપવો રહ્યો. આવું કરવાથી કોઈ હોસ્ટને ખાનગી રાખવો મુશ્કેલ હતો. આથી આ વર્ગોમાં ખાનગી એડ્રેસો અલગ ફાળવવામાં આવ્યા. આ ખાનગી એડ્રેસો કોઈ પણ પોતાના ખાનગી નેટવર્ક માટે વાપરી શકે. બાકીના એડ્રેસોને જાહેર કરી તેનું વ્યવસ્થાપન IANA દ્વારા કરાયું. ખાનગી નેટવર્કોમાં હોસ્ટ એકબીજા સાથે જોડાણમાં રહીને સંદેશાનું આદાન-પ્રદાન કરી શકતા અને ISP દ્વારા મળેલા એક અથવા એકથી વધુ જાહેર IP એડ્રેસો અને NAT (નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન) જેવી પદ્ધતિની મદદથી ઈન્ટરનેટ પર જોડાઈ શકે છે. ખાનગી નેટવર્કો માટે IPv4 એડ્રેસોની ત્રણ શ્રુંખલાઓ RFC 1918 દ્વારા નક્કી કરાઈ. આ ખાનગી નેટવર્કોના એડ્રેસો ઈન્ટરનેટ પર આવતા નથી અને તેની ઈન્ટરનેટ IP એડ્રેસ તરીકે નોધણી થતી નથી.

IANA દ્વારા અનામત ખાનગી IPv4 નેટવર્ક વિસ્તારો
શરૂઆત અંત એડ્રેસોની સંખ્યા
૨૪-બીટ બ્લોક (/૮ પૂર્વગ, ૧ × A) ૧૦.૦.૦.૦ ૧૦.૨૫૫.૨૫૫.૨૫૫ ૧૬ ૭૭૭ ૨૧૬
૨૦-બીટ બ્લોક (/૧૨ પૂર્વગ, ૧૬ × B) ૧૭૨.૧૬.૦.૦ ૧૭૨.૩૧.૨૫૫.૨૫૫ ૧ ૦૪૮ ૫૭૬
૧૬-બીટ (/૧૬ પૂર્વગ, ૨૫૬ X C) ૧૯૨.૧૬૮.૦.૦ ૧૯૨.૧૬૮.૨૫૫.૨૫૫ ૬૫ ૫૩૬

આ ખાનગી અનામત બ્લોક કોઈપણ વપરાશકર્તા પોતાના ખાનગી નેટવર્ક માટે ઉપયોગમાં લઇ શકે છે, વપરાશકર્તા જરૂરિયાત મુજબ આ નેટવર્કોને સબનેટીંગ નો ઉપયોગ કરી ઓછા હોસ્ટવાળા નેટવર્કમાં વિભાજીત કરી શકે અથવાતો સુપરનેટીંગનો ઉપયોગ કરી બે નેટવર્કોને જોડી આપે છે.

IPv4 અડ્રેસની થકાવટ

ફેરફાર કરો

વધતા જતા ઈન્ટરનેટ ઉપયોગથી IANA અને RIR દ્વારા સ્થાનિક ISPને અપાતા IPv4ના બાકી રહેલા એડ્રેસોમાં સતત ઘટાડો થાય છે આ ઘટનાને IPv4 એડ્રેસની થકાવટ તરીકે ઓળખાય છે. ૩ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ પાંચ RIRને છેલ્લા પાંચ બ્લોકની વહેચણી થતા IANAના પ્રાથમિક એડ્રેસ પૂલમાં એડ્રેસો ઘટી ગયા હતા. [][] ૧૫ એપ્રિલ ૨૦૧૧ ના રોજ APNIC નામના RIR પાસે પોતાના પ્રાદેશિક IP ભંડોળના IP ઘટ્યા હતા, [૧૦]

IPv6 એડ્રેસ

ફેરફાર કરો

સરક્ષણ યુક્તિઓ હોવા છતાં, ઝડપથી થતા IPv4 એડ્રેસોના ઘટાડા થવાથી ઈન્ટરનેટ એન્જીન્યરીંગ ટાસ્ક ફોર્સ (IETF) દ્વારા ઈન્ટરનેટની એડ્રેસિંગ ક્ષમતા વધારવા નવી તકનીકોની શોધખોળ કરવી જરૂરી બની. આનો કાયમી ઉકેલ માટે સીધો ઈન્ટરનેટ પ્રોટોકોલને પુન:ડીઝાઇન કરવાનું મનાતું હતું. ઈન્ટરનેટ પ્રોટોકોલની આગલી પેઢી જેણે ઈન્ટરનેટ પર IPv4નું સ્થાન લેવાના ઈરાદે, ઈ.સ. ૧૯૯૫ માં શોધી તે ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૬ (IPv6) થી ઓળખાઈ. [][] નવી આવૃત્તિમાં એડ્રેસનું કદ ૩૨ બીટ્સ થી વધીને ૧૨૮ બીટ્સ (૧૬ ઓક્ટેટ) થયું. એડ્રેસ કદ વધવાથી મળતા એડ્રેસોના બ્લોક નજીકના ભવિષ્યની જરૂરિયાતો સંતોષી શકે તેમ છે. ગાણિતિક રીતે જોઈએતો, નવો એડ્રેસ બ્લોક મહતમ ૨૧૨૮ હોસ્ટ સમાવે છે એટલેકે, ૩.૪૦૩X૧૦૩૮ અનન્ય એડ્રેસોને સમાવે છે.

આ નવી ડીઝાઇન માત્ર એડ્રેસોનો પર્યાપ્ત જથ્થો જ આપવા નથી બનાવી પણ તેને રાઉટીંગ નોડ પર સબનેટના રાઉંટીંગ પૂર્વગોને એકંદરે કાર્યક્ષમ બનવા પરવાનગી પણ આપે છે. પરિણામે રાઉંટીંગ કોષ્ટક નાનું બને છે અને અલગ-અલગ શક્ય એટલી નાનામાં નાની ફારવણી ૨૬૪ હોસ્ટ માટે બને છે. આ સ્તરે કોઈપણ IPv6 નેટવર્કના વિભાગ પર વાસ્તવિક એડ્રેસોનો ઉપયોગ ઓછો રહે છે. નવી ડીઝાઇન નેટવર્ક વિભાગના એડ્રેસિંગના આંતરમાળખાને અલગ કરવાની પણ તક પૂરી પાડે છે – કે જે ઉપલબ્ધ જગ્યાનો સ્થાનિક વહીવટ છે. IPv6ની સુવિધાઓ જેવીકે, જે વૈશ્વિક જોડાણ કે રાઉંટીંગ નીતિના બદલવાથી તે સમગ્ર નેટવર્કના રાઉંટીંગ પૂર્વગ આપોઆપ બદલી નાખે છે. (તેપણ આંતરિક પુન:ડીઝાઇન કે પુન:નંબરીંગની જરૂરિયાત વગર.)

 
IPv6 નું બંધારણ હેક્સાડેસીમલ અને બાયનારી અંકોમાં.

IPv6 નું બંધારણ [૧૧]

ફેરફાર કરો

IPv6 એડ્રેસ ૧૬ બાઈટ સમાવે છે. જે ૧૨૮ બીટ લાબું હોય છે. આ એડ્રેસને સરળતાથી વાંચવા તેમાં હેક્સાડેસીમલ(Hexadecimal) કોલોન(Colon)નો ઉલ્લેખ કરાયો છે. આ સંકેતલીપીમાં ૧૨૮ બીટ્સને ૮ વિભાગમાં વહેચેલ છે, દરેકની લંબાઈ ૨ બાઈટ છે. બે બાઈટને હેક્સાડેસીમલમાં લખવા ચાર હેક્સાડેસીમલ અંકોની જરૂર પડે છે. આથી ૮ વિભાગને દર્શાવવા ૩૨ હેક્સાડેસીમલ અંકોની જરૂર પડે છે. દરેક ચાર અંકો ને અલગ પાડવા કોલોનનો ઉપયોગ થાય છે. IPv6 એડ્રેસો હેક્સાડેસીમલમાં હોવાથી ઘણા લાંબા (IPv4 ની સરખામણીએ) છે તેમાં ઘણા અંકો શૂન્ય છે આવા કિસ્સામાં આપણે આવા એડ્રેસોને સન્ક્ષેપમાં લખી શકીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શૂન્ય ને અવગણી શકાય કે વચ્ચે રહેલા ચાર શુન્યોને એક શૂન્ય તરીકે દર્શાવી શકાય. દા.ત.

મૂળ એડ્રેસ - FDEC:0074:0000:0000:0000:B0FF:0000:FFF0 
સન્ક્ષેપમાં - FDEC:74:0:0:0:B0FF:0:FFF0 
             અથવા 
             FDEC:74: :B0FF:0:FFF0 (અહી 74: અને :B0FF વચ્ચે રહેલી ખાલી જગ્યા શૂન્યો દર્શાવે છે.)

IPv6 ખુબજ વધારે એડ્રેસો (૨૧૨૮)ધરાવે છે. IPv6 ના રચનાકારોએ આ એડ્રેસોને જુદી જુદી શ્રેણીઓમાં વહેચેલ છે. ડાબીબાજુ રહેલા કેટલાક બીટ્સ જે ટાઈપપ્રીફિક્ષ (TypePrefix) તરેકે ઓળખાય છે જે એડ્રેસની શ્રેણી નક્કી કરે છે.

  • યુંનિકાસ્ટ એડ્રેસ (Unicast Address) : એક જ હોસ્ટને દર્શાવવા યુનિકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે. IPv6 માં બે પ્રકારના યુંનિકાસ્ટ એડ્રેસો હોય છે : ભૌગોલિક દ્રષ્ટીને (Geographically) આધારિત અને પ્રદાતા(Provider) આધારિત. પ્રદાતા આધારિત એડ્રેસ મોટેભાગે સાધારણ હોસ્ટમાં યુંનિકાસ્ટ એડ્રેસ તરીકે ઉપયોગમાં આવે છે.[૧૧]
  • મલ્ટીકાસ્ટ એડ્રેસ (Multicast Address) : માત્ર એક જ હોસ્ટને બદલે જૂથમાં રહેલ હોસ્ટોને દર્શાવવા મલ્ટીકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે. આ એડ્રેસ પર મોકલેલ સંદેશો તે જૂથમાં રહેલ દરેક સભ્યને મોકલી અપાય છે. IPv6માં જૂથ એડ્રેસ કાયમી છે કે ક્ષણીક તે ફલેગ તરીકે ઓળખાતી બીજા નંબરની ફિલ્ડ દર્શાવે છે. [૧૧]
  • એનીકાસ્ટ એડ્રેસ (Anycast Address) : એનીકાસ્ટ એડ્રેસ પણ મલ્ટીકાસ્ટ એડ્રેસની જેમ હોસ્ટના જૂથને દર્શાવે છે. છતાં, એનીકાસ્ટ એડ્રેસ પર મોકલેલ પેકેટો એ જ સભ્યો તરફ પહોચે છે જે તેની નજીક હોય. [૧૧]
  • અનામત એડ્રેસ (Reserved Address) : IPv6માં આઠ શૂન્યોથી શરૂ થતા એડ્રેસો અનામત એડ્રેસો છે. તેનો ટાઈપપ્રીફિક્ષ : ૦૦૦૦૦૦૦૦. જેની થોડી ઉપશ્રેણીઓ છે. [૧૧]
  • સ્થાનિક એડ્રેસ : જયારે કોઈ સંસ્થાન IPv6 થી પોતાના સ્થાનિક નેટવર્કમાં રહેલા હોસ્ટોને એડ્રેસ આપવા સ્થાનિક એડ્રેસ નો ઉપયોગ કરે છે. [૧૧]

IP ઉપનેટવર્કો (IP Subnetworks)

ફેરફાર કરો

IPv4 અને IPv6 બંનેમાં IP નેટવર્કોને ઉપનેટવર્કોમાં વિભાજીત કરી શકાય છે. આ માટે, IP એડ્રેસને તાર્કિક રીતે બે વિભાગમાં સ્વીકૃત કરાયા છે. નેટવર્ક પૂર્વગ અને હોસ્ટ ઓળખકર્તા કે ઇન્ટરફેસ ઓળખકર્તા (IPv6). સબનેટ માસ્ક કે CIDR નો ઉપયોગ IP એડ્રેસને નેટવર્ક અને હોસ્ટ વિભાગમાં કેવી રીતે વહેચવા માટે થાય છે. સબનેટ માસ્કનો ઉપયોગ IPv4 માંજ થાય છે. IPv4 અને IPv6 બંને CIDR ધારણા અને પધ્ધતિનો ઉપયોગ કરે છે. આ પ્રમાણે, નેટવર્કે ઉપયોગમાં લીધેલ બીટ્સ ને IP એડ્રેસ બાદ એક સ્લેશ બાદ એક સંખ્યા(દશાંશ) તરીકે દર્શાવાય છે આને રાઉટીંગ પૂર્વગ પણ કહેવાય છે. દા.ત. IPv4 ના એક એડ્રેસ ૧૯૨.૧૬૮.૪૭.૫ અને તેનું સબનેટ માસ્ક ૨૫૫.૨૫૫.૨૫૫.૦ હોયતો, તેને ૧૯૨.૧૬૮.૪૭.૫/૨૪ તરીકે દર્શાવાય જ્યાં પહેલા ૨૪ બીટ્સ IP એડ્રેસમાંથી જે તે સબનેટનો નેટવર્ક ID દર્શાવે છે.

IP એડ્રેસની સોંપણી

ફેરફાર કરો

જયારે હોસ્ટની બુટીંગ(સોફ્ટવરે સિસ્ટમનું હાર્ડવેરમાં સ્થાપન થવાની ક્રિયા) પ્રક્રિયા વખતે હોસ્ટ પર નવા IP એડ્રેસની સોંપણી અથવા સોફ્ટવેર કે હાર્ડવેરમાં રૂપરેખાંકિત કરેલ કાયમી IP એડ્રેસની સોંપણી થાય છે. IP એડ્રેસના સ્થાયી માળખુ સ્થિર IP એડ્રેસના (Static IP Addresing) ઉપયોગ તરીકે પણ ઓળખાય છે. આની વિપરીત, જો દરેક વખતે નેટવર્કના હોસ્ટને નવા જ IP એડ્રેસ આપવાનો હોયતો આ પધ્ધતિને ગતિશીલ IP એડ્રેસિંગ (Dynamic IP Addressing) કહેવાય છે.

પદ્ધતિઓ

ફેરફાર કરો

સ્થિર IP એડ્રેસની સોંપણી હોસ્ટોને વ્યવસ્થાપક દ્વારા જાતે આપવામાં આવે છે. ચોક્કસ પધ્ધતિ પ્લેટફોર્મ પ્રમાણે બદલાય છે. આના વિપરીત ગતિશીલ IP એડ્રેસો જે કોઈ કમ્પ્યુટરના ઇન્ટરફેસ દ્વારા કે કોઈ હોસ્ટના સોફ્ટવેર (ZeroConf) કે ડાયનેમિક હોસ્ટ કોન્ફીગરેશન પ્રોટોકોલ (DHCP) વાળા સર્વરની મદદથી સોંપણી થાય છે.

ગતિશીલ એડ્રેસિંગનો ઉપયોગ

ફેરફાર કરો

LANમાં ઘણાબધા હોસ્ટને IPની જાતે સોંપણી કરવી એ નેટવર્કના વ્યવસ્થાપક માટે ખુબ જ સમય અને ધ્યાન માગી લે છે. ઉપરાંત તેમાં વધતા ઘટતા હોસ્ટની સંખ્યા તેના વ્યવસ્થાપનમાં ખુબ જ ચીવટાઈ માગી લે છે DHCP સર્વરનો ઉપયોગ કરી વ્યવસ્થાપક એક ચોક્કસ IP ની શ્રેણીને પોતાના નેટવર્કના હોસ્ટો માટે ખુલ્લી કરે છે. આ રૂપરેખાંકિત કરેલા સર્વર દ્વારા તે હોસ્ટોને IP એડ્રેસ ઉપરાંત ગેટવે એડ્રેસ, DNS એડ્રેસ, WINS સર્વર IP એડ્રેસ વિ. ની સોંપણી કરી શકે છે. DHCP સર્વર દ્વારા અપાતા IP એડ્રેસો ચોક્કસ મુદ્દત (વ્યવસ્થાપક દ્વારા નક્કી કરેલ) પછી બદલાય છે. કોઈ કિસ્સામાં કોઈક હોસ્ટનો IP એડ્રેસ સ્થિર કરવો હોઈતો પણ DHCP સર્વર દ્વારા જે તે હોસ્ટનો Mac એડ્રેસ અનામત કરી તેને કાયમી ધોરણે IP એડ્રેસ આપી શકાય છે. DHCP એડ્રેસિંગ નો ઉપયોગ ડાયલ-અપ અને કેટલીક ઈન્ટરનેટની વ્યવસ્થા કરતી ISP પોઈન્ટ-ટુ-પોઈન્ટ પ્રોટોકોલ દ્વારા કરે છે.

સ્ટીકી ગતિશીલ એડ્રેસ

ફેરફાર કરો

સ્ટીકી ગતિશીલ એડ્રેસનો ઉપયોગ ઈન્ટરનેટની વ્યવસ્થાપક કંપનીઓ DSL કે કેબલ અને મોડેમ દ્વારા અપાતા ઈન્ટરનેટ માટે કરે છે આવા કિસ્સામા ભાગ્યેજ IP એડ્રેસમાં ફેરફાર થાય છે. મોડેમને એક વાર મળેલ IP એડ્રેસ જ્યાં સુધી મોડેમ બંધ કરવામાં નથી આવતું ત્યાં સુધી તે રહે છે. તેને આપેલ IP એડ્રેસની મુદ્દતમાં ISP દ્વારા વારંવાર વધારો કરાય છે.

સ્વયં રૂપરેખાંકિત એડ્રેસ

ફેરફાર કરો

સ્થિર કે ગતિશીલ (DHCP) IP એડ્રેસોની ગેરહાજરીમાં કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ (જેવીકે વિન્ડોસ) પોતાના ઇન્ટરફેસને APIPA(ઓટોમેટીક પ્રાઈવેટ IP એડ્રેસિંગ)ની મદદથી IPની સોંપણી કરે છે. RFC 3330 માં દર્શાવ્યા પ્રમાણે તેના માટે એક IP એડ્રેસ બ્લોક ૧૬૯.૨૫૪.૦.૦/૧૬ અનામત રાખ્યો છે, જે IPv4 માટે લીંક-લોકલ એડ્રેસિંગ તરીકે વપરાય છે. IPv6માં આવા એડ્રેસો fe80::/10 બ્લોક માંથી આવે છે. આવા એડ્રેસો સ્થાનિક નેટવર્ક કે લીંક માટે માન્ય ગણાય છે. આ એડ્રેસો ખાનગી એડ્રેસોની જેમ રાઉટ થઇ શકતા નથી.

સ્થિર એડ્રેસિંગનો ઉપયોગ

ફેરફાર કરો

સ્થિર એડ્રેસિંગના ઉપયોગ કેટલાક નેટવર્ક સ્થાપત્ય માટે થાય છે. ઇન્ટરનેટ પર પ્રકાશિત થયેલ સર્વરો મોટે ભાગે સ્થિર એડ્રેસિંગ નો ઉપયોગ કરે છે કારણકે DNS દ્વારા શોધ કરતા જે તે સર્વરના IP એડ્રેસ સ્થિર હોયતો તેની સાથે જોડાણ થવાની ક્રિયા ઝડપી બને છે

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ RFC 760, DOD Standard Internet Protocol (January 1980)
  2. ૨.૦ ૨.૧ RFC 791, Internet Protocol – DARPA Internet Program Protocol Specification (September 1981)
  3. ૩.૦ ૩.૧ RFC 1883, Internet Protocol, Version 6 (IPv6) Specification, S. Deering, R. Hinden (December 1995)
  4. ૪.૦ ૪.૧ RFC 2460, Internet Protocol, Version 6 (IPv6) Specification, S. Deering, R. Hinden, The Internet Society (December 1998)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ CCNA:Cisco Certified Network Associate Study Guide - 6th Edition by Todd Lammle, Pages 93-100
  6. RFC1375 & http://www.iana.org/assignments/ipv4-address-space and http://www.iana.org/numbers.htm
  7. http://oav.net/mirrors/cidr.html and RFC1918 http://www.rfc-editor.org/rfc/rfc1918.txt
  8. Smith, Lucie (3 February 2011). "Free Pool of IPv4 Address Space Depleted". Number Resource Organization. મેળવેલ 3 February 2011. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  9. ICANN,nanog mailing list. "Five /8s allocated to RIRs – no unallocated IPv4 unicast /8s remain".
  10. Asia-Pacific Network Information Centre (15 April 2011). "APNIC IPv4 Address Pool Reaches Final /8". મૂળ માંથી 7 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 15 April 2011. Check date values in: |archive-date= (મદદ)
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ૧૧.૫ Data Communicaiton and Networking By B A Forouzan – edition 4 Page 567 to 572


[[als:IP-Adresse]