અષ્ટાવક્ર

ભારતીય લેખક

અષ્ટાવક્ર (સંસ્કૃત: अष्‍टवक्र) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે.

અષ્ટાવક્ર
અષ્ટાવક્ર ઋષિ, ૧૯મી સદીનું ચિત્ર
અંગત
ધર્મહિંદુ
જીવનસાથીસુપ્રભા
કારકિર્દી માહિતી
ગુરુઅરૂણિ
સાહિત્યિક સર્જનઅષ્ટાવક્ર ગીતા

રામાયણમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ

ફેરફાર કરો

અષ્ટાવક્રનો પ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના એક શ્લોક (૬.૧૧૯.૧૭)માં મળે છે. યુદ્ધ પશ્ચાત રાજા દશરથ સ્વર્ગમાંથી તેમના પુત્ર રામને આશીર્વાદ આપવા આવે છે અને કહે છે:

જેમ અષ્ટાવક્રએ તેના પિતા બ્રાહ્મણ કહોડને તાર્યા હતા તેમ હું તારા થકી તરી ગયો છું

— રાજા દશરથ, રામાયણ ૬.૧૧૯.૧૭

મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ

ફેરફાર કરો

મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ વનપર્વમાં ખુબ ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે. જ્યારે પાંડવો દ્યૂતમાં રાજપાટ હારી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત લોમશ ઋષિ સાથે થાય છે. જેઓ યુધિષ્ઠિરને સામંગા નદીનો માર્ગ બતાવે છે અને જણાવે છે કે આ એ જ નદી છે જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્રના આઠે અંગ સાજા થઇ ગયાં હતાં. આ સાંભળી યુધિષ્ઠિરને અષ્ટાવક્ર વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર વિષે વધુ જણાવવા વિનંતી કરે છે. ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે.

અષ્ટાવક્રનુ જીવન મહાભારત કથા મુજબ

ફેરફાર કરો

ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા. ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પિતા કહોડ અને ૠષિ ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળીને અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.

એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે.

અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી. અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા. ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ. જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે.

અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે. જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે. આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે. અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઇચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ. આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે. અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે.

બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો