અસૂર્યલોક

સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા

અસૂર્યલોક એ ભારતીય લેખક ભગવતીકુમાર શર્માની પારિવારિક ગુજરાતી નવલકથા છે. ૧૯૮૮માં તેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથાનું કથાનક એક પિતા, તેના પુત્ર અને પૌત્રની આસપાસ ફરે છે, જે અંધાપાની વારસાગત પીડાનો સામનો કરે છે.

અસૂર્યલોક
લેખકભગવતીકુમાર શર્મા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારપારિવારિક નવલકથા
પ્રકાશકઆર. આર. શેઠની કંપની, મુંબઈ
પ્રકાશન તારીખ
૧૯૮૭
પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૮)
દશાંશ વર્ગીકરણ
891.473

પ્રકાશન ઇતિહાસ ફેરફાર કરો

 
ભગવતીકુમાર શર્માની અસૂર્યલોક નવલકથાનું ગુજરાતી દૈનિક અખબાર જન્મભૂમિ પ્રવાસીમાં હપ્તાવાર પ્રકાશન થયું હતું.

૧૯૮૫માં મુંબઈથી પ્રકાશિત ગુજરાતી દૈનિક અખબાર જન્મભૂમિ પ્રવાસીમાં અસૂર્યલોકનું હપ્તાવાર પ્રકાશન થયું હતું. ૧૯૮૭માં માં આર. આર. શેઠ એન્ડ કં. દ્વારા પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૧]

પાત્રો ફેરફાર કરો

નવલકથાના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[૨]

 • ભદ્રશંકર – એક પૂજારી
 • નિગમશંકર – ભદ્રશંકરનો પુત્ર
 • ભાગીરથી – નિગમશંકરની પત્ની
 • તિલક – નિગમશંકર અને ભાગીરથીનો પુત્ર
 • અભિજિત – તિલકનો પાડોશી, સિતારવાદક
 • સત્યા – અભિજિતની બહેન
 • અજય – સત્યાનો પતિ
 • પર્જન્ય – તિલકના સત્યા સાથેના અવૈધ સંબંધથી જન્મેલો પુત્ર[૩]

કથાવસ્તુ ફેરફાર કરો

પૂજારી ભદ્રશંકર તમામ પ્રકારના દુર્ગુણોના ગુલામ છે. તેમનો પુત્ર નિગમશંકર, જે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરે છે, તેને અચાનક શીતળાનો હુમલો આવે છે અને તેની દૃષ્ટિ ગુમાવે છે. તે પોતાના નસીબ સાથે સમાધાન કરે છે, પાઠશાળામાં જાય છે અને સાંભળીને શીખવાનો પ્રયાસ કરે છે. વારાણસીના એક મહાન સંસ્કૃત વિદ્વાન પાઠશાળાની મુલાકાત લે છે; નિગમશંકરની જ્ઞાન માટેની ઇચ્છા જોઈને તે તેને વારાણસી લઈ જાય છે. નિગમશંકર ત્યાં ૧૨ વર્ષ અભ્યાસ કરે છે, જ્ઞાનની બધી શાખાઓમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. જ્યારે તે પાછો આવે છે, ત્યારે તેના પિતા મરણપથારીએ હોય છે. માતાના મૃત્યુ પછી તેના પિતાએ તેના પુત્રની ઉંમરની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. નિગમશંકર તેના પિતાના અવસાન પર શોક વ્યક્ત કરતો નથી. જો કે, તે તેની સાવકી માતા સાથે એટલી સારી રીતે વર્તે છે કે તે (સાવકી મા) તેની ભાણી ભાગીરથીને તેની સાથે લગ્ન કરવા માટે રાજી કરે છે. તેમનું પરિણીત જીવન ખૂબ જ ખુશ છે. ભગીરથીએ એક પુત્ર તિલકને જન્મ આપે છે, જે તેજસ્વી છોકરો છે. જ્યારે તે ૧૦ વર્ષનો થાય છે, ત્યારે તે જુએ છે કે કાળાપાટિયા પરનું લખાણ તે વાંચી શકતો નથી. જ્યારે ડૉક્ટરની સલાહ લેવામાં આવે છે, ત્યારે તે તેને અભ્યાસ છોડી દેવાની સલાહ આપે છે, પરંતુ પિતા દ્વારા પ્રોત્સાહિત તિલક સલાહને અવગણે છે અને અભ્યાસ આગળ ધપાવે છે. વળી, તે તેના પાડોશીના પુત્ર અભિજિત પાસેથી સિતાર વગાડતા પણ શીખે છે. અભિજિતની બહેન સત્યા એ એક તોફાની છોકરી છે જે તિલકને તેની નબળી દૃષ્ટિ વિશે સતત ચીડવે છે. એકવાર, જ્યારે તિલક એક સિતાર જલસામાં ભાગ લેતો હતો, ત્યારે સત્યા તેનું અપહરણ કરે છે.[૨][૩]

ઘણા દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદથી શહેરમાંથી વહેતી નદીમાં પૂર આવી જાય છે. નિગમ, ભાગીરથી અને તિલકને ત્રણ દિવસ નિસરણી પર ઊભા રહેવું પડે છે. પૂરમાં, નિગમનાં પુસ્તકો અને દુર્લભ હસ્તપ્રતો નષ્ટ થઈ જાય છે. નિગમ આપત્તિમાં સમાધાન કરે છે, પરંતુ તિલક ગ્રંથાલયને ફરીથી બનાવવાની પ્રતિજ્ઞા કરે છે. સત્યા તિલક વિશે ખૂબ જ ચિંતિત છે અને જ્યારે તે આવેગશીલ હોય ત્યારે તેને કાબૂમાં કરવાનો પ્રયાસ કરે છે. તિલક બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પસાર કરે છે અને ગોરધનદાસ (સંચાલક મંડળના અધ્યક્ષ)ના આગ્રહથી તેને ગ્રંથપાલ તરીકેની નોકરીનો પ્રસ્તાવ આપવામાં આવે છે જે તે સહેલાઈથી સ્વીકારે છે. તિલક પ્રત્યે બહેન તરીકેની ભાવના ધરાવતી ગોરધનદાસની પુત્રી ઇક્ષા ઇચ્છે છે કે તિલક અભ્યાસ પૂરો કરે.[૨]

તિલકના પિતા નિગમ નજીકના શહેરમાં બલિદાન સમારોહમાં મુખ્ય પૂજારી છે, જ્યાં તે સર્દંશપના કારણે મૃત્યુ પામે છે. એક દિવસ, સત્યા ગ્રંથાલયમાં આવે છે અને તિલક સાથે લગ્ન કરવાનું કહે છે. તિલક તેના લગ્નપ્રસ્તાવને નામંજૂર કરતા કહે છે કે તેમના બાળકો અંધ હોવાની સંભાવના છે, તેના દાદા મૃત્યુના કેટલાક વર્ષો પહેલા અંધ બની ગયા હતા, તેના પિતાની દૃષ્ટિ ૧૬ વર્ષની વયે ખરાબ થઈ ગઈ હતી અને તેની આંખોની દૃષ્ટિ સતત ખરાબ થતી જાય છે. સત્યા તિલકની માતાના પગલે ચાલવાનું વચન આપે છે. તે પછી પણ તિલક સંમત નથી, પણ તે કહે છે કે, “હું હાર સ્વીકારીશ નહીં, હું મારો રસ્તો કરી લઈશ.” તેણીને અજય સાથે લગ્ન કરવા સંમત થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે, લગ્નની આગલી રાતે તે લગ્નનો પહેરવેશ પહેરીને તિલક પાસે જાય છે. તે રાત્રે તિલક સાથેના શરીર સંબંધથી સત્યા ગર્ભ ધારણ કરે છે.[૨]

સત્યાનો પતિ અજય દુર્ગુણો અને વિકૃતિનો માણસ છે. સત્યા તિલકને પત્રો લખીને અજયની વર્તણૂંક અને તેની ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સહકાર આપવાના તેના દબાણ વિશે માહિતગાર કરે છે. તેના છેલ્લા પત્રમાં સત્યા જણાવે છે કે તેને પુત્ર જન્મ્યો છે, અને તે ખુશ છે કારણ કે તેનો પુત્ર તિલક જેવો જ દેખાય છે. તિલક જવાબ આપતો નથી. તેને ચિંતા થાય છે કે તેના પત્રો અટકાવી દેવામાં આવશે અને અજય તેને મારી નાખશે.[૨]

તિલક તેની માતાને તીર્થસ્થાન પર લઈ જાય છે, અને તેની માતાની પરંપરાગત વલણ અને તિલકના આધુનિકતાવાદી, તર્કવાદી વલણ વચ્ચે ટકરાવ થાય છે. સત્યાના લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારવા, અને પૌત્રથી વંચિત રાખવા બદલ તેની માતા તેની ટીકા કરે છે. સત્યાના લગ્ન પહેલાની રાતની ઘટનાઓ અને સત્યાના પત્ર દ્વારા તેને પુત્રના જન્મની જાણકારીને છુપાવવા તિલક તેની માતાને કઠોર શબ્દો કહે છે. ભયંકર દુઃખ થવાથી, ભાગીરથી પોતાને ડૂબાડવા માટે નદીમાં જાય છે અને તિલકે પોતાની માતાનો જીવ બચાવવા માટે રહસ્ય જાહેર કરવું પડે છે. કેટલાક દિવસો પછી, ભાગીરથીને હૃદયરોગનો હુમલો આવે છે અને તે સત્યાનું નામ લેતી મૃત્યુ પામે છે.[૨][૩]

તિલક એમ.એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરે છે અને આદિજાતિ સંશોધન કરવા માટે પીએચ.ડી.માં પ્રવેશ મેળવે છે. આ હેતુ માટે તે આદિવાસી વિસ્તારોમાં વ્યાપક પ્રવાસ કરે છે અને ઘણું વાંચન કરે છે, જેના કારણે તેની આંખો તાણથી નુકસાન પામે છે. તે આંખના નિષ્ણાતની સલાહ લેવા માટે મુંબઈ જાય છે, જે તેની આંખોની સારવાર કરે છે, પરંતુ તેની દૃષ્ટિ પુનઃસ્થાપિત થતી નથી. ક્લિનિક છોડતી વખતે, તિલક આકસ્મિક રીતે સત્યાને જુએ છે જે તેના પુત્રની આંખોની તપાસ માટે આવી હોય છે. સત્યા, જેના હવે છૂટાછેડા થઈ ચૂક્યા છે, તે તિલકને તેના ઘરે લઈ જાય છે. તેઓ એક પરિણીત દંપતીની જેમ સાથે રહેવાનું નક્કી કરે છે અને તિલક સાથે તેના શહેરમાં જાય છે. ત્યાં, લોકો તેમને પરણિત યુગલ તરીકે અને બાળકને તેમના પુત્ર તરીકે સ્વીકારે છે. એટલું જ નહીં, સત્યાને પરંપરાગત મંદિરની વિધિ કરવાની છૂટ મળે છે, જે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.[૨][૩]

વિષયવસ્તુ ફેરફાર કરો

અસૂર્યલોક નવલકથાની કથાસામગ્રી શારીરિક તેમજ સામાજિક અવરોધો સામે આત્મબોધ મેળવવા માટેનો સંઘર્ષ દર્શાવે છે.[૪]

આવકાર ફેરફાર કરો

આ નવલકથાને ૧૯૮૮ માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કાર પ્રશસ્તિપત્રમાં જણાવાયું છે કે “અર્થપૂર્ણ સંવાદો, જીવંત પાત્રો અને કાવ્યાત્મક વર્ણન આ નવલકથાની ઉત્કૃષ્ટ વિશેષતાઓ છે. તે નવવિચાર પરંપરામાં સૌથી રસપ્રદ અને નોંધપાત્ર નવલકથાઓમાંની એક છે.”[૧]

વિવેચક ચંદ્રકાંત મહેતા લખે છે: “આ નવલકથા એ એક પારિવારિક કથા છે જેમાં ૬૦ વર્ષના સમયગાળામાં સામાજિક રૂપકો આબેહૂબ રીતે રેખાંકિત કરવામાં આવ્યા છે. કથા, વર્ણનાત્મકતા, શૈલી અને અભિવ્યક્તિ બધાં નવલકથાને ઉચ્ચ આસન પર મૂકે છે. આખી વાર્તામાં એક કરુણ તણાવ હોવા છતાં, મુખ્ય પાત્રો સફળતાપૂર્વક તેમના ભાગ્ય સામે સંઘર્ષ કરે છે, અને તે આ નવલકથાની વિશિષ્ટ ગુણવત્તા છે.”[૨]

સંદર્ભ ફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ Trivedi, Chimanlal (July–August 1989). "Review: Of Blindness, Physical and Spiritual". Indian Literature (journal). New Delhi: Sahitya Akademi. 32 (4): 111–118. JSTOR 44295187.  
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ Mehta, Chandrakant (1997). "Asuryalok (The World Sans the Sun)". માં George, K. M. (સંપાદક). Masterpieces of Indian Literature. 1. New Delhi: National Book Trust. પૃષ્ઠ 289–291. ISBN 81-237-1978-7.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ પટેલ, ડૉ. બહેચરભાઈ (2018). "અસૂર્યલોક". ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, ગુજરાત રાજ્ય. પૃષ્ઠ 289–291. ISBN 978-81-7468-210-9.
 4. Mehta, Chandrakant (2005) [1994]. "Assoryalok". માં Abichandani, Param; Dutt, K. C. (સંપાદકો). Encyclopaedia of Indian Literature (Supplementary Entries and Index). VI. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4686. OCLC 34346409.

બાહ્ય કડીઓ ફેરફાર કરો