આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.[૧] યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી.[૨] ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.[૩]
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ | |
---|---|
બીજું નામ | યોગ દિવસ |
ઉજવવામાં આવે છે | વૈશ્વિક |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ | વૈશ્વિક સ્વાસ્થ્ય, સંવાદિતા અને શાંતિને સંયુક્ત રાષ્ટ્રનાં સત્તાવાર પ્રોત્સાહન |
ઉજવણીઓ | યોગ |
તારીખ | ૨૧ જૂન |
આવૃત્તિ | વાર્ષિક |
પ્રથમ ઉજવણી | ૨૧ જૂન ૨૦૧૫ |
ઉજવણીનું મૂળ
ફેરફાર કરોશ્રી શ્રી રવિશંકર દ્વારા શરૂઆતમાં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને[૪] ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)માં તેમના ભાષણ દરમિયાન પ્રોત્સાહન આપ્યું હતું.[૫] એમણે કહ્યું:
"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ."[૬]
— નરેન્દ્ર મોદી, યુએન જનરલ એસેમ્બલી
આ પ્રારંભિક દરખાસ્તને પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૪ના રોજ "યોગ દિવસ" શીર્ષક હેઠળ ખરડો પસાર કર્યો હતો.[૭] ભારતના પ્રતિનિધિમંડળ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.[૮] વર્ષ ૨૦૧૫માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૧૦ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. એપ્રિલ, ૨૦૧૭માં યુએન પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન (યુએનપીએ)એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ આસનો દર્શાવતી ૧૦ ટપાલ ટિકિટની એક શીટ બહાર પાડી હતી.[૯]
મહત્વ
ફેરફાર કરોયોગનો અર્થ થાય છે (બ્રહ્માંડ સાથેનું) જોડાણ. યોગ એ વ્યક્તિ જેનો એક ભાગ છે તેને બ્રહ્માંડ સાથે સભાનતાપૂર્વક 'વ્યક્તિગત સ્વ'ને (જીવંત અસ્તિત્વ)ને જોડવાની રીત સૂચવે છે. હિન્દુ દંતકથાઓ અનુસાર, શિવને યોગના કારક માનવામાં આવે છે. તેઓ આદિયોગી, પ્રથમ યોગી (આદિ ="પ્રથમ") હોવાનું કહેવાય છે. યોગિક સંસ્કૃતિમાં ગ્રીષ્મ અયનકાળનું મહત્વ છે કારણ કે તેને યોગની શરૂઆત માનવામાં આવે છે. "સપ્તર્ષિઓ" દ્વારા લોકો સુધી યોગ લાવવામાં આવ્યો હતો. વેદો સમજાવે છે કે આદિયોગી તરીકે શિવનો બીજો ઉપદેશ સપ્તર્ષિઓને કેવી રીતે સમર્પિત હતો. એવું કહેવામાં આવે છે કે શિવ વર્ષોથી આનંદિત ધ્યાનમાં બેઠા હતા, ઘણા લોકો કુતૂહલથી તેમની પાસે ઉમટ્યા, પરંતુ તેમણે ક્યારેય કોઈની તરફ ધ્યાન ન આપ્યું હોવાથી તેઓ ચાલ્યા ગયા. પરંતુ સાત લોકો ત્યાં જ રહ્યા, તેઓ શિવ પાસેથી શીખવા માટે એટલા દૃઢનિશ્ચયી હતા કે તેઓ ૮૪ વર્ષ સુધી સ્થિર રહ્યા. આ પછી, ઉનાળાના અયનકાળના દિવસે, જ્યારે સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ સ્થળાંતર કરી રહ્યો હતો, ત્યારે શિવે આ ૭ જીવોની નોંધ લીધી. શિવ હવે તેમને અવગણી શકે તેમ નહતા. એ પછીનો પૂર્ણિમાનો ચંદ્ર એટલે કે ૨૮ દિવસ પછી શિવ આદિગુરુ (પ્રથમ ગુરુ) બની ગયા અને સપ્તઋષિઓ સુધી યોગ વિજ્ઞાનનો સંચાર કર્યો.[૧૦]
યુએન ઘોષણા
ફેરફાર કરો૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ભારતના કાયમી પ્રતિનિધિ અશોક મુખરજીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવના મુસદ્દાને રજૂ કર્યો હતો. આ મુસદ્દાના લખાણને ૧૭૭ સભ્ય રાષ્ટ્રોનો વ્યાપક ટેકો મળ્યો હતો, જેમણે આ લખાણને પ્રાયોજિત કર્યું હતું, જેને મત વિના અપનાવવામાં આવ્યું હતું. આ પહેલને ઘણા વૈશ્વિક નેતાઓનો ટેકો મળ્યો. કુલ ૧૭૭ દેશોએ આ ઠરાવને સહ-પ્રાયોજિત કર્યો હતો, જે આ પ્રકારના યુએનજીએ (UNGA) ઠરાવ માટે સહ-પ્રાયોજકોની સૌથી વધુ સંખ્યા છે.[૧૧]
૨૧ જૂનને તારીખ તરીકે રજૂ કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે (દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો), જે વિશ્વના ઘણા ભાગોમાં વિશેષ મહત્વ ધરાવે છે. ભારતીય કેલેન્ડરોમાં, ઉનાળો અયનકાળ દક્ષિણાયણમાં સંક્રમણને ચિહ્નિત કરે છે.[૧૨] ઉનાળાના અયનકાળ પછીની બીજી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આદિ યોગી શિવે આ દિવસે માનવજાતને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે.[૧૩]
સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને સ્વીકાર્યા બાદ, ભારતમાં આધ્યાત્મિક ચળવળના કેટલાક નેતાઓએ આ પહેલ માટે પોતાનો ટેકો આપ્યો હતો. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક, સદ્ગુરુએ જણાવ્યું હતું કે, "માનવીની આંતરિક સુખાકારી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે આ એક પ્રકારનો શિલાન્યાસ હોઈ શકે છે, જે વિશ્વવ્યાપી વસ્તુ છે… દુનિયા માટે આ એક જબરદસ્ત પગલું છે."[૧૪] આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરે મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "કોઈ પણ ફિલસૂફી, ધર્મ કે સંસ્કૃતિ માટે રાજ્યના આશ્રય વિના ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. યોગ અત્યાર સુધી લગભગ એક અનાથની જેમ અસ્તિત્વમાં હતો. હવે, યુએન દ્વારા સત્તાવાર માન્યતાથી યોગનો લાભ સમગ્ર વિશ્વમાં વધુ ફેલાશે."[૧૫]
વ્યવહારમાં
ફેરફાર કરો૨૧ જૂન, ૨૦૧૫ના રોજ વિશ્વભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આયુષ મંત્રાલયે આ સંદર્ભે ભારતમાં જરૂરી વ્યવસ્થા કરી હતી. વડાપ્રધાન મોદી અને ૮૪ દેશોના મહાનુભાવો સહિત ૩૮,૯૮૫ લોકોએ નવી દિલ્હીના રાજપથ પર ૩૫ મિનિટ સુધી ૨૧ આસનો (યોગ મુદ્રાઓ) કર્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો યોગ વર્ગ બન્યો હતો અને તેમાં ભાગ લેનારા રાષ્ટ્રોની સૌથી મોટી સંખ્યા - ૮૪ હતી.[૧૬][૧૭] ત્યારથી દર વર્ષે ભારત અને વિશ્વભરના શહેરોમાં આવા જ કાર્યક્રમો યોજાય છે.[૧૮]
વર્ષ ૨૦૨૦માં બુલ્ગારિયાના વડાપ્રધાન બોયકો બોરિસોવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વીડિયો સંદેશ રેકોર્ડ કરી મોકલ્યો હતો.[૧૯]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ UN Declared 21 June as International Day of Yoga સંગ્રહિત ૯ જુલાઇ ૨૦૧૬ ના રોજ વેબેક મશિન
- ↑ "Yoga: Its Origin, History and Development". www.mea.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 20 June 2018.
- ↑ "UN declares June 21 as 'International Day of Yoga'". The Times of India.
- ↑ ""There is World Toilet Day, but no World Yoga Day"". Twitter. મેળવેલ 2023-06-24.
- ↑ "Essay on Yoga day in English | Essay on Yoga day in English 2021". Intelligence Class. મેળવેલ 2022-06-21.
- ↑ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદીએ યોગ દિવસની હાકલ કરી સંગ્રહિત ૯ જુલાઇ ૨૦૧૬ ના રોજ વેબેક મશિન
- ↑ "International Yoga Day 2021: Theme, History, Quotes, Benefits, Importance". S A NEWS (અંગ્રેજીમાં). 2020-06-19. મેળવેલ 2021-06-21.
- ↑ "UN General Assembly to hold informal consultations on International Day of Yoga". The Economic Times. 10 October 2014. મૂળ માંથી 5 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2016.
- ↑ "UN to issue 10 stamps of 'asanas' on International Yoga Day". Business Standard India. 19 April 2017.
- ↑ Sadhguru (2012-07-03). "The first Guru is born - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-20.
- ↑ "United Nations General Assembly adopts Resolution on International Day of Yoga with a record number of 177 country co-sponsors". મૂળ માંથી 2015-01-09 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-25.
- ↑ "Guru Purnima 2018".
- ↑ Sadhguru, J (3 July 2012). "The first Guru is born". Times of India. Times News Service. મેળવેલ 23 February 2015.
- ↑ International Day of Yoga: A Historic Event. YouTube. 21 May 2015.
- ↑ "Sri Sri Ravi Shankar Speaks on International Yoga Day". 12 December 2014. મૂળ માંથી 1 જુલાઈ 2015 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2022. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Largest yoga class". Guinness world record. 21 June 2015. મેળવેલ 22 June 2015.
- ↑ "PM Modi Leads Yoga Session, India Sets Guinness Records: 10 Developments". NDTV. મેળવેલ 21 June 2015.
- ↑ "PM Modi To Attend International Yoga Day At Chandigarh". NDTV. 22 May 2016. મેળવેલ 13 June 2016.
- ↑ "Бербатов се подготвя за Индия с посещение в посолството (СНИМКИ)" [Borissov congratulates Indian Prime Minister on Yoga Day (VIDEO)]. bTV Новините (બલ્ગેરિયનમાં). 21 June 2020. મેળવેલ 2021-10-21.