કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન
કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન એ સંત ઑગસ્ટિનની આત્મકથા છે, જે ઈ.સ. ૩૯૭થી ૪૦૧ દરમ્યાન લેટિન ભાષામાં લખવામાં આવી હતી. ૧૩ અધ્યાયમાં વહેંચાયેલી આ આત્મકથા 'અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની માહાયાત્રા' તરીકે ઓળખાય છે.[૧]
સારાંશ
ફેરફાર કરોખ્રિસ્તી ધર્મમાં માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં વ્યક્તિએ પોતાના સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. પોતાના પાપો વિશેનો પરિતાપ અને નવું જીવન શરૂ કરવાની ઝંખના આ એકરારમાં હાર્દરૂપે હોય છે.
ઑગસ્ટિનની આ આત્મકથા ૧૩ અધ્યાયમાં વહેંચાયેલી છે. પહેલા દસ અધ્યાયોમાં ઉત્તર આફ્રિકાના તગાસ્તેમાં પ્રમાદમાં વેડફાયેલી લેખકની યુવાની, કાર્થેજ અને રોમમાં પ્રાચીન શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ, મેનિકિનનો પ્રભાવ અને તેમાંથી છુટકારો, મિલાનમાં વાગ્મિતાના શિક્ષક તરીકેનો અનુભવ અને ત્યાં જ સેન્ટ એમ્બ્રોજ દ્વારા મળેલી ખ્રિસ્તી ધર્મની દીક્ષા વગેરે પ્રસંગો વર્ણવાયા છે. છેલ્લા ત્રણ અધ્યાયોમાં બાઇબલનું, ખાસ કરીને બુક ઑવ્ જેનેસિસ (બાઇબલનું પ્રથમ પુસ્તક) વિશેનું ચિંતન રજૂ કરવામાં આવ્યું છે.[૧]
અહંકારમાંથી તેમજ ભૌતિક ઇચ્છાઓમાંથી છૂટવાના સંઘર્ષોનું લેખકે કરેલ વર્ણને આ આત્મકથાને વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન અપાવ્યું છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ પંડ્યા, જયંત (October 2018). "કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૦૪–૨૦૫. ISBN 978-93-83975-34-1.