કાદુ મકરાણી
કાદીર બક્ષ રીન્દ બલોચ અથવા કાદુ મકરાણી ૧૯મી સદીનો જાણીતો બહારવટિયો હતો. તેનો જન્મ બલોચિસ્તાનના મકરાણમાં થયો હતો. તેની કારકિર્દીમાં ગુજરાતના કાઠિયાવાડમાં તેણે બહારવટીયાનો માર્ગ અપનાવ્યો હતો. ઈ.સ. ૧૮૮૭માં તેના મૃત્યુ પછી તેને સિંધના કરાચીમાં દફનાવવામાં આવ્યો હતો. તેની કબર મેવાહ શાહ કબ્રસ્તાન (લ્યારી)માં આવેલી છે.[૧]
કાદુ મકરાણી | |
---|---|
જન્મ | ૧૮૧૧ |
મૃત્યુ | ૧૮૮૭ |
ઇતિહાસ
ફેરફાર કરો૧૯મી સદીના મધ્ય ભાગમાં કાદુ મકરાણી તેની ટોળી સાથે પોતાની માતૃભૂમિ બલોચિસ્તાનથી સ્થળાંતર કરી ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યો હતો. નવાબોએ અન્ય બહારવટીયાઓને પકડાવવા માટે તેમને પોતાની સેવામાં રાખ્યા. કાદુ અને તેની જાતિના માણસો નવાબ માટે લડતા અને તેના બદલામાં જાગીરો મેળવતા. કાદુ અને તેની ટોળીનો વધતો જતો પ્રભાવ અંગ્રેજોને ભયજનક લાગતો હતો. તેને નિ:શસ્ર કરી રોકવા માટે અંગ્રેજો કારણોની શોધમાં હતાં, તેવા સમયે સરકારના વસ્તી ગણતરી કરનાર સ્વયંસેવકોને પોતાના ઘરમાં ન પેસવા દેતા, કાદુ મકરાણી વિરુદ્ધનું કારણ સરકારને મળી ગયું. રાજનૈતિક વાટાઘાટા સમયે તેમને શસ્ત્રો મુકવા અથવા તો લડી લેવાનો વિકલ્પ અપાયો. તેની ટોળીએ લડવાનો વિકલ્પ પસંદ કર્યો. બ્રિટિશ સેનાને બલોચ લડવૈયાના ગુણો પ્રમાણે આવા જ પ્રતિભાવની અપેક્ષા હતી.[૧] જ્યારે અંગ્રેજી સેનાએ કાઠીયાવાડના બલોચ ગામડાઓ ઉપર હમલો કર્યો ત્યારે પોતાની નાનકડી સેના અને સ્થાનીય લોકોની સહાયતા વડે કાદુએ તેમનો બહાદુરી પૂર્વક સામનો કર્યો. બંને પક્ષે ઘણી જાન હાનિ થઈ. ત્યાર બાદ ગેરિલા યુદ્ધનીતિ વાપરી કાદુએ અંગ્રેજોને અને તેમના પક્ષમાં રહેલા સ્થાનીય રાજવાડાને ઘણા હંફાવ્યા. તેમ છતાં પણ કાદુ હાથમાં ન આવતા તેને પકડનારને સરકારે તેના માથા સાટે રૂ. ૧૦૦૦/- અને ૨૦ સાંતી જમીનનો પુરસ્કાર જાહેર કર્યો હતો.
ઈ.સ. ૧૮૮૭માં અંગ્રેજોના વધતા દબાણને હળવું કરવા ગેરિલા યુદ્ધનીતિ પ્રમાણે તેના સાથીઓએ તેને પોતાને વતન મકરાણ જઈ આવવાની સલાહ આપી. તે પ્રમાણે કાદુની ટોળી કાઠીયાવાડથી અમદાવાદ, ત્યાંથી કરાંચી અને પછી ટ્રેન દ્વારા સિંધ પહોંચ્યા. સિંધના લ્યારી નગરમાં તેણે ઉંટસવારને તેના વતન મકરાણ જવા માટે ભાડે કર્યો. કાદુ મકરાણીની ઓળખ છતી થતાં, ઊંટ વાહકને તેને દગો દઈ ઈનામની રકમ લેવાની લાલચ થઈ. ઊંટ વાહકે તેને બગદાદી પોલીસ થાણા પાછળ મળવાની સલાહ આપી. તેમ છતાં પણ પોલીસ અને ઊંટવાહક કાદુને પકડી શક્યા નહીં. કાદુ મકરાણીએ તે બંનેને કટાર વડે મારી નાખ્યા અને ત્યાંથી નાસી છૂટ્યો. જ્યારે તે બગદાદીની સાંકડી ગલીઓમાંથી ભાગતો હતો ત્યારે એક મજૂરે ઓળખ્યા વગર તેને રોકવા તેના માથે ભારે પથ્થર ફેંક્યો. તેમ થતાં કાદુ બેશુદ્ધ બન્યો અને તેને પકડી લેવામાં આવ્યો. તેના પર મુકદમો ચલાવી તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. તેને ૧૮૮૭માં કરાંચીના કેન્દ્રીય કારાગૃહ (જેલ)માં ફાંસી દેવામાં આવી. તેના મૃતદેહને વાજા દુરા ખાને મેળવ્યો અને તેને દફન વખતે લ્યારી નગરના મુલ્લા ગુલામે તેમને નવડાવ્યા. તેને મેવાહ શાહ કબ્રસ્તાન (લ્યારી)માં દફનાવવામાં આવ્યો.
પાઓલો સન્તોની-રુગીયુ અને ફીલીપ જે. સ્ક્યાય તેમના પુસ્તક "એ હિસ્ટોરી ઓફ પ્લાસ્ટીક સર્જરી" નામના પુસ્તકમાં જણાવે છે કે:[૨]
ઓગણીસમી સદીમાં સૌથી વધુ હારબંધ નાકના પુન:સ્થાપનાની શસ્ત્રક્રિયા ત્રિભુવનદાસ દ્વારા કરવામાં આવી હતી. તેમણે તેમની કારકીર્દીમાં આવી ૩૦૦ શસ્ત્રક્રિયાઓ કરી હતી. તેમનો જન્મ ૧૮૫૦માં જુનાગઢના ગરીબ ઘરમાં થયો હતો, તેમણે મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર બાદ તે ઘરે પાછા ફરી તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો. તે ક્ષેત્રમાં રહેલા બહારવટીયા કાદુ મકરાણીના જુલમોને કારણે તેમને ઘણાં દર્દીઓની શસ્ત્રક્રિયા કરવી પડી હતી કેમકે કાદુ મકરાણી પ્રાયઃ તેના વિરોધીઓના કાન અને નાક કાપી દેતો હતો.
આજે પણ ઘણાં લોકો કાદુ મકરાણી કબર પર આવે છે અને અંગ્રેજ તાનાશાહીની વિરોધમાં ઉઠાવેલા બંડની સરાહના કરે છે.
સિંધના ઇતિહાસકાર ગુલ હસન કમાલ્ટી તેમના પુસ્તક સિંધજી માર્વીમાં કાદીર બક્ષ મકરાણીના જીવનના તથ્યો લખ્યા છે. તેમણે લખ્યું છે કે, કાદુ મકરાણીએ બ્રિટિશ રાજ અને ગુજરાતના ઉચ્ચ વર્ગ વિરુદ્ધ ગરીબ નબળાઓના પક્ષમાં બંડ કર્યો હતો.
મકરાણીઓના વારસદારો હજી પણ જુનાગઢ, વેરાવળ, જામનગર (ગુજરાત) અને લ્યારી (કરાંચી)માં વસે છે. કાદુ મકરાણીની ટોળી સિવાયના અન્ય ઘણા મકરાણી બલોચો ગુજરાતના કાઠિયાવાડમાં સ્થાયી થયા છે.
દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં
ફેરફાર કરોઈ.સ. ૧૯૬૦માં સાધના ચિત્ર ફિલ્મ કંપની (ભારત) એ કાદુ મકરાણીના જીવન પર આધારીત તેજ નામની એક ફિલ્મ બનાવી હતી. તેનું દિગ્દર્શન મનહર રંગીલદાસ રસકપુરે કર્યું હતું.[૩] તેના માનમાં ગુજરાતીમાં ઘણાં દુહા કવિતા આદિ લખાયા છે. ઈ.સ. ૧૯૬૬માં પાકિસ્તાની ફીલ્મ નિર્માતા હબીબ -ઉર-રહેમાને "જાગ ઉઠા ઈન્સાન" નામની ઉર્દૂ ફિલ્મ કાદીર બક્ષના જીવન પર બનાવી હતી. આ ફીલ્મ શેખ હસને દિગ્દર્શિત કરી હતી અને તેમાં મુખ્ય ભૂમિકા મહમદ અલીએ ભજવી હતી.
-
કાદુ મકરાણીની કબર.
-
કાદુ પર મારવામાં આવેલો પથ્થર. જે હજુ સુધી તેની કબરની બાજુમાં સાચવવામાં આવ્યો છે.
-
કાદુ મકરાણીની કબરનો પથ્થર.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Kadu Makrani: A National Hero". Baluch Sarmachar (અંગ્રેજીમાં). ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૯. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Santoni-Rugiu, Paolo; Sykes, Philip J. (૧૦ ઓગસ્ટ ૨૦૦૭). A History of Plastic Surgery (અંગ્રેજીમાં). Springer Science & Business Media. ISBN 9783540462415.
- ↑ Kadu Makrani IMDb પર