ગુજરાત

ભારત દેશનું એક રાજ્ય

ગુજરાત (/ˌɡʊəˈrɑːt/ GUUJ-ə-RAHT, audio speaker iconઉચ્ચારણ) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.[૯][૧૦][૧૧][૧૨] ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે.[૧૩] ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત
ઉપરથી ડાબેથી જમણે: સાબરમતી આશ્રમ, ગુજરાતી પહેરવેશ, સોમનાથ મંદિર, કચ્છનું રણ, દ્વારકાધીશ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ મહેલ
ગુજરાતની અધિકૃત મહોર
મહોર
ગીત: જય જય ગરવી ગુજરાત
ભારતમાં ગુજરાત
ગુજરાતનું ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ (અમદાવાદ): 23°13′N 72°41′E / 23.217°N 72.683°E / 23.217; 72.683
દેશ ભારત
રચના૧ મે ૧૯૬૦
પાટનગરગાંધીનગર
સૌથી મોટું શહેરઅમદાવાદ
જિલ્લાઓ૩૧
સરકાર
 • માળખુંગુજરાત સરકાર
 • રાજ્યપાલઆચાર્ય દેવ વ્રત
 • મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ (ભાજપ)
 • વિધાનસભાએકગૃહીય (૧૮૨ બેઠકો)
 • સંસદીય વિસ્તારોરાજ્ય સભા (૧૧ બેઠકો)
લોક સભા (૨૬ બેઠકો)
 • હાઇકોર્ટગુજરાત વડી અદાલત
વિસ્તાર
 • કુલ૧,૯૬,૦૨૪ km2 (૭૫૬૮૫ sq mi)
વિસ્તાર ક્રમ૫મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬,૦૪,૩૯,૬૯૨
 • ક્રમ૯મો
 • ગીચતા૩૦૮/km2 (૮૦૦/sq mi)
ઓળખગુજરાતી
GSDP (૨૦૨૦–૨૧)
 • કુલ૧૬.૪૮ trillion (US$૨૨૦ billion)
 • માથાદીઠ૨,૪૩,૭૬૧ (US$૩,૨૦૦)
ભાષા
 • અધિકૃતગુજરાતી[૨]
 • અન્ય અધિકૃતહિંદી[૩]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-GJ
વાહન નોંધણીGJ
HDI (૨૦૧૭)Increase ૦.૬૬૭[૪]
medium · (૨૧મો)
સાક્ષરતા (૨૦૧૧)78.03%[૫]
લિંગ પ્રમાણ (૨૦૧૧)919 /1000 [૫]
ગુજરાત[૬]ના પ્રતિકો
ગુજરાત[૬]ના પ્રતિકો
રાજચિહ્નગુજરાતનું ચિહ્ન
ગીતનર્મદ રચિત "જય જય ગરવી ગુજરાત"[૭]
સસ્તન પ્રાણીસિંહ
[૬]
પક્ષીસુરખાબ
[૬]
ફૂલગલગોટો
[૬]
ફળકેરી
[૮]
વક્ષવડ
[૬]

ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.[૧૪] ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૧૫] સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.[૧૬]

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.[૧૭] ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.[૧૮]

ઇતિહાસ

પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત સમયે શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

 
પ્રાચીન લોથલ બંદર (હાલમાં)
 
ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક

લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.[૧૯] પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ સમયે મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને સ્વતન્ત્રતા પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

ભૂગોળ

 
ગીરનાર પર્વત
 
નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૨૦] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.

ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.[૨૧]

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે.[૨૨] તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

જિલ્લાઓ

 
ગુજરાતના જિલ્લાઓ

ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.

શહેરો

 
અમદાવાદ
 
વડોદરા
 
સુરત
 
રાજકોટ

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટીમાં થાય છે.[૨૩]

કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

નદીઓ

 
સરદાર સરોવર યોજના
 
સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.

વસતી

સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

રાજકારણ

 
ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.

૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.[૨૪] ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી બન્યા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી નિયુક્ત કરાયા.

અર્થતંત્ર

 
હઝીરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર
 
સરદાર સરોવર ડેમ
 
અમુલ ડેરી, આણંદ

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૨૫]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ સુરત નગર વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કી.મી.ના અંતરે અલંગમાં વિશ્વનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા નગરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૨૬] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.[૨૭]

રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.

ઔદ્યોગિક કેન્દ્રો

 1. કચ્છ
 2. અમદાવાદ
 3. અંકલેશ્વર
 4. ભરુચ
 5. દહેજ
 6. સુરત
 7. રાજકોટ
 8. વડોદરા
 9. વાપી
 10. જામનગર
 11. હજીરા
 12. અલંગ

શૈક્ષિણક સંસ્થાનો

 
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ મિશ્ર પ્રવાહની યુનિવર્સિટીઓ, ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે.

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.

વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે સ્થાપવામાં આવી હતી. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી. સાબરમતી નદીના કાંઠે, પાલજ ખાતે તેનું આધુનિક બાંધકામ કરવામાં આવ્યું અને ૮ જુલાઈ, ૨૦૧૫થી કાયમી ધોરણે સંસ્થાનું સંપૂર્ણ કામકાજ ત્યાં ખસેડવામાં આવ્યું.[૨૮]

 
મુખ્ય પ્રવેશદ્વાર SVNIT, સુરત

સેપ્ટ યુનિવર્સિટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી, લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને નિરમા યુનીવર્સીટી જેવાં પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો પણ આવેલાં છે.

સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી ભાષા

ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

 • ભરતગુંથણ કામ
 • માટીકામ
 • બાંધણી
 • કાષ્ટકામ
 • પટોળા
 • જરીકામ
 • ઘરેણા
 • બીડ વર્ક

સાહિત્ય

ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.

સંગીત અને નૃત્ય

 
ગુજરાતના પ્રખ્યાત ગરબા

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે.

સિનેમા

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:

પરિવહન

હવાઈ પરિવહન

 
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ
 
ભાવનગર હવાઇમથક

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.[૨૯]

આંતરરાષ્ટ્રીય હવાઈમથક

પ્રાદેશિક હવાઈમથક

ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક

 • ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
 • જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
 • નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.

રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક

 • મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
 • માંડવી હવાઈમથક
 • અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી

ભવિષ્યના હવાઈમથક

રેલ્વે પરિવહન

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

દરિયાઈ પરિવહન

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

રોડ પરિવહન

 
અમદાવાદની શહેરી બસ
 
ઓટોરિક્ષા

સ્થાનિક પરિવહન

ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસ સેવાની વ્યવસ્થા પણ છે. ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.

પ્રવાસન

 
સ્ટેચ્યુ ઓફ યુનિટી

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી અહીં જોવા મળશે.

 1. સોમનાથ
 2. શામળાજી
 3. કનકાઈ-ગીર
 4. પાલીતાણા
 5. ડાકોર
 6. પાવાગઢ
 7. દ્વારકા
 8. અંબાજી
 9. બહુચરાજી
 10. સાળંગપુર
 11. ગઢડા
 12. વડતાલ
 13. નારેશ્વર
 14. ઉત્કંઠેશ્વર
 15. સતાધાર
 16. પરબધામ
 17. ચોટીલા
 18. વીરપુર
 19. તુલસીશ્યામ
 20. સપ્તેશ્વર
 21. અક્ષરધામ, ગાંધીનગર
 22. બગદાણા
 23. ગિરનાર
 24. તરણેતર
 25. સંતરામ મંદિર, નડીઆદ
 26. કબીરવડ, ભરુચ
 27. રુદ્રમહાલય (સિદ્ધપુર)
 28. માટેલ (ખોડિયાર મંદિર)

પર્યટન સ્થળો

 1. દીવ
 2. તુલસીશ્યામ
 3. દમણ
 4. સાપુતારા

અન્ય

મેળાઓ

 
તરણેતરનો મેળો

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે.[૩૧] ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

 
એશીયાઇ સિંહ

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે.[૩૨]

પુરાતત્વીક સ્થળો

 1. લોથલ
 2. હાથબ
 3. ધોળાવીરા
 4. ઘુમલી

આ પણ જુઓ

સંદર્ભ

 1. "Econonmic survey" (PDF). Finance Department, Government of Gujarat. Feb 2021. મેળવેલ 19 May 2021.[હંમેશ માટે મૃત કડી]
 2. "50th Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). 16 July 2014. પૃષ્ઠ 118. મૂળ (PDF) માંથી 8 July 2016 પર સંગ્રહિત. મેળવેલ 6 November 2016.
 3. Benedikter, Thomas (2009). Language Policy and Linguistic Minorities in India: An Appraisal of the Linguistic Rights of Minorities in India. LIT Verlag Münster. પૃષ્ઠ 89. ISBN 978-3-643-10231-7. મૂળ સંગ્રહિત માંથી 25 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2018.
 4. "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. મૂળ માંથી 23 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2018.
 5. ૫.૦ ૫.૧ "Census 2011 (Final Data) – Demographic details, Literate Population (Total, Rural & Urban)" (PDF). planningcommission.gov.in. Planning Commission, Government of India. મૂળ (PDF) માંથી 27 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 October 2018.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ "Gujarat forgets state bird, tree and flower". The Times of India. 14 જાન્યુઆરી 2016. મૂળ સંગ્રહિત માંથી 27 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 14 જુલાઇ 2017.
 7. "Newest version of Jay Jay Garvi Gujarat song launched(Video)". DeshGujarat. 7 મે 2011. મૂળ માંથી 13 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 નવેમ્બર 2016.
 8. "Which is State Fruit of Gujarat India – Mango (Keri)". Nri Gujarati News. મૂળ માંથી 1 ડિસેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 14 જુલાઇ 2017.
 9. "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ.
 10. "Bihar grew by 11.03%, next only to Gujarat - Times Of India". The Times Of India.
 11. "GDP: The top 10 cities in India". Rediff (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-06.
 12. Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text)
 13. "અમદાવાદ -મેટ્રોપોલિટન સીટી". ઇન્ડિયા નેટઝોન. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૨.
 14. "Modern Gujarat". Mapsofindia.com. મૂળ માંથી 2010-05-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જૂન ૨૦૧૨.
 15. "મોરારજી દેસાઈ : જન્મસ્થાન ગુજરાત". imdb.com. મેળવેલ ૯ જૂન ૨૦૧૨.
 16. "સરદાર પટેલ :બૃહદ ભારતના વિધાતા". Press Information Bureau (Government of India). મેળવેલ ૧૭ જૂન ૨૦૧૨.
 17. "Gujarat: Info on geography, history, government, districts, business, economy, travel, rivers, education, food, arts, culture, music, dance, festivals". www.newkerala.com. મેળવેલ 2021-05-06.
 18. "In Pictures: The Next Decade's Fastest-Growing Cities". મૂળ સંગ્રહિત માંથી 2013-01-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૨.
 19. "History of Gujarat". Mapsofindia.com. મૂળ માંથી ૨૬ મે ૨૦૧૦ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જુલાઇ ૨૦૧૦.
 20. "ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો". travelindia360. મૂળ માંથી 2012-03-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૨.
 21. "ગીરનાર, પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત". મેળવેલ ૯ જૂન ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
 22. "શેત્રુંજય પર્વતમાળા : જૈનોની પવિત્ર પર્વતમાળા". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ જૂન ૨૦૧૨.
 23. "અમદાવાદ -મેટ્રોપોલીટીન સીટી". ઇન્ડિયા નેટઝોન. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૨.
 24. "નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી". ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.
 25. "ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે". ડી.એન.એ.
 26. "Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008
 27. Economic Freedom of the States of India 2011 Cato Institute
 28. Thakor, Nilay. "FAQs | IIT GANDHINAGAR". www.iitgn.ac.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-24.
 29. ૨૯.૦ ૨૯.૧ "ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન નીતિ ૨૦૧૦" (PDF). Government of Gujarat. મૂળ (PDF) માંથી 2013-08-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૨.
 30. "Guj to get 11 new airports, renovate 10 defunct strips". The Times of India. ૧૦ એપ્રિલ ૨૦૧૧. મૂળ માંથી 2011-11-06 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૨.
 31. "રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારોની ઉજવણી". ધ કલર્સ ઓફ ગુજરાત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૨.
 32. "ગુજરાત રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-03.

બાહ્ય કડીઓ

 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: